કોર્પોરેટના લાભાર્થે APMC કાયદા સુધાર્યાના આક્ષેપો


મોદી સરકારે પોતાની બીજી ટર્મમાં ખેતીને પણ ઉદ્યોગો જેટલું મહત્ત્વ આપવા જરૂરી સુધારા અને કાયદામાં ફેરફારો કરીને એક દેશ એક ટેક્ષ એક મંડીનું સૂત્ર આપી ઉદારતા બંધનમુક્ત વાતાવરણ ઉભુ કરવા પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં APMC માર્કેટમાં વેપારીઓ પાસેથી લેવામાં આવતો મંડી ટેક્સ (સેસ) પણ રદ કરવો જોઇએ અને APMC બજારોના સંચાલન માટે સરકારે રાહત પેકેજ આપવાની સાથેસાથે વેપારી પાસેથી મેઇન્ટેનન્સ ચાર્જીસ લેવાની છુટ આપવામાં આવે તેવા થયેલા સૂચનો ઉપર અભ્યાસ થઇ શકે તેમ છે. તાજેતરમાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર સરકારે પણ ૩૦૬ જેટલી APMC માર્કેટ બહાર ખેડૂતોને પોતાની કૃષિ પેદાશો વેચાણ કરી શકે તેવી પરવાનગી આવતાં મહારાષ્ટ્રની APMC  બજારોમાં ભડકો થયો છે. જેનો APMC બજાર સંગઠનોએ ભારે વિરોધ દર્શાવ્યો છે. આ પ્રકારની છુટછાટથી APMC બજારોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જવાની અને લાખોની સંખ્યામાં રોજગારી ગુમાવવાની દહેશત વ્યક્ત થઇ રહી છે. 

કોર્પોરેટ કલ્ચરને લાભાર્થે લોકશાહી ઢબથી ચાલતી APMC બજારોનું ગળુ દબાવી રહી હોવાનાં આક્ષેપો થઇ રહ્યા છે. મોદી સરકાર ખેતીને પણ ઉદ્યોગો સાથે ભાગીદારી કરી ઉત્પાદિત ખેત પેદાશોનો સમયાંતરે ભાવો નક્કી કરી વેપારી ડીલ કરવામાં આવે તો ખેડૂતો તથા ઉદ્યોગો બંનેને ફાયદો થાય તેવી ગણત્રી મુકી છે. જેથી ખેડૂતોને થતા આર્થિક નુકશાનમાં રાહત મળે તેમ છે. ઉદ્યોગો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર હોવાથી તેનો વિકાસ ઝડપથી થાય છે. તેમ ખેતીપ્રધાન દેશમાં ખેતી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર હોવા ઉપર મોદી સરકારે ભાર મુકી ખેતીના વિકાસ માટે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એક લાખ કરોડનું પેકેજ જાહેર કરી ખેતીને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. મોદી સરકારે ખેડૂતોને સમુહમાં સંગઠનો બનાવી સરકારના લાભો મેળવી ખેતીને નફાકારક બનાવવા અનુરોધ કર્યો છે. ગુજરાતમાં પણ તાજેતરમાં રાજ્ય સરકારે ખેડૂતોને ખેતીમાં થતા નુકસાન સંદર્ભે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી ૫૬ લાખથી વધુ તમામ ખેડૂતોને ખરીફ ઋતુના તમામ પાકો આવરી લઇને કોઈ પણ જાતનું પ્રિમીયમ ભર્યા વિના ધરતીપુત્રોને લાભ આપવા પ્રયાસ કર્યો છે.  વર્ષોથી પાક વીમા યોજનાઓમાં ખેડૂતોને મળવાપાત્ર સહાય ગમે તેવા કારણો ધરીને વંચિત રાખવામાં માહિર વીમા કંપનીઓ સફળ રહી છે. હવે ઉપરોની નવી જાહેરાતમાં ખેડૂતોને તેમની ખેતીમાં થનાર નુકશાનનું કેટલું વળતર મળે તે આગામી સમય ઉપર નિર્ભર છે. જો કે ગુજરાત સરકારનું પગલું હાલમાં આવકારદાયક બની રહ્યું છે. ખેડૂતોને કોઈ પણ પ્રિમીયમ ભર્યા વિના એક લાખ રૂપિયા સુધીનું વળતર મળશે તેવી યોજના પાછળ લગભગ ૧૮૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાનું જાહેર કરવામાં આવેલ છે. જો કે ખેતી માટે આવશ્યક ઢાંચો કેવો હોય અને નફાકારક કેવી રીતે બને તે માટે ઇઝરાયલની ખેતી પ્રણાલીનો અભ્યાસ કરવો જરૂરી છે માત્ર ૮૮ લાખની વસ્તી ધરાવતા ઇઝરાયેલની મુખ્ય ખેતી, ટુરિસ્ટ અને ડિફેન્સના સાધનોની છે.  જ્યારે ભારતમાં કાળી મજુરી કરવા છતાં ખેતીની પડતર પણ ઘણીવાર ખેડૂતના હાથમાં આવતી નહિ હોવાના અનેક દાખલા મોજુદ છે. ઇઝરાયલમાં વર્ષે દહાડે સરેરાશ માંડ દશેક ઇંચ વરસાદ થાય છે અને જમીન પણ બંજર તથા ફળદ્રુપ એમ બે પ્રકારની છે. ઇઝરાયલમાં જમીનની માલિકી સરકારની છે. ૧૦૦ ખેડૂતો સાથે મળીને એક મંડળ બનાવે તેને કિબુઝ કહેવાય છે. એક કિબુઝ પ્રમાણે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોના સંગઠન (FPO) બનાવી કાર્ય કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. ઇઝરાયલમાં એક કિબુઝને સરકાર ૫૫૦૦ વીઘા જમીન વાવેતર માટે ભાડે આપે છે. કિબુઝના બધા ખેડૂતો વાડીએ જ રહે છે. અને એક જ રસોડે જમે છે.  ખેતર સુધી પાણી સરકર પહોંચાડે છે. તમામ વાવેતર સરકારના અંકુશ હેઠળ હો યછે. ખેતીમાં સૌથી વધારે વળતર ફુલોમાં મળે છે. ત્યારબાદ શાકભાજી અને ફળોનું વાવેતર થાય છે. જ્યારે બાકી રહેતી જમીનમાં બિનપીયત ચોમાસુ ઘઉંની ખેતી કરે છે. તમામ પાકના વેચાણ માટે ખેડૂતોનું મંડળ હોય છે. જે યુરોપના દેશોમાં કાયમી ધોરણે ફુલ, શાકભાજી અને ફળોની નિકાસ હવાઈ માર્ગે કરે છે. ખેડૂતોને પાકના ભાવ વાવેતર સમયે જ નક્કી થઇ જાય છે. બિયારણ, ખાતર અને વીમાની જવાબદારીઓ કંપનીઓ દ્વારા અપાય છે. કોઈ પાકની છત કે અછત થતી નથી. બધું જ બેલેન્સમાં થાય છે.

ઇઝરાયલમાં ખેતી આધુનિક નેટવર્ક છે. અને ગ્રીન હાઉસમાં ફળ, ફૂલ અને શાકભાજીની ખેતી થાય છે. ઓલીવના ઝાડ અને ખારેકનું વાવેતર પણ મોટુ છે. ઉપયોગી ઝાડની જ વાવણી થાય છે. ખેડૂતો આવક પ્રમાણે દર વર્ષે વિકાસનું કામ કરે છે. ATM કાર્ડમાંખેડૂતોની મિલકત લોનો તથા સરકારી માહિતી હોય છે. ખેડૂતો લોન માટે કાર્ડ રજૂ કરે એટલે ગણતરીની મિનીટોમાં લીમીટ પ્રમાણે લોન ઉપલબ્ધ થઇ જાય છે એક કિબુઝમાં ૨૦૦થી ૫૦૦ ગાયો હોય છે. જેમાંથી દુધ દહીંનું પેકીંગ કરીને વેચાણ થાય છે. ખેતીમાં જંતુનાશક દવાઓ ઉપર પ્રતિબંધ છે. દેશી ખાતરનો ઉપયોગ થાય છે. આ પ્રમાણેનો ખેતીનો ઢાંચો હોવાથી મોટે ભાગે દરેક ખેડૂત મર્સીડીઝ કારનો માલિક હોય છે. ભારતમાં આ પ્રકારે ખેતીમાં બદલાવ થઇ શકે તો ખેડૂતોની આવકો ડબલ કરવાના સરકારના પ્રોજેક્ટને ઘણી સફળતા મળે તેમ છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Vtfdr
via Latest Gujarati News

Post a Comment

0 Comments