''સી''ફોર્મને લગતી જટીલતાઓ શું ફોર્મ મોડા રજૂ કરી શકાય ?


કોરોના ચાલતા લાભ ઘણા જાહેર કરવામાં આવ્યા પણ તેની સાથે-સાથે બાકી વસૂલાત માટે પણ એક વિશેષ પહેલ પણ હાથ ધરી છે. સ્વાભાવિક છે કે માર્ચ ૨૦ માસમાં આદેશ/આકારણી હુકમો પસાર કર્યા હોય અને લોકડાઉનના લીધે તેની બજવણી હજી હમણાં થઈ હોય. તેમ છતાં બાકી વસુલાત માર્ચ ૨૦થી ઉદ્ભવેલ હોઈ ન ચૂકવેલ ગણીને બેંક ટાંચ તથા વસુલાત હાથ ધરવામાં આવી રહી છે શું આવા કપરા સમયમાં વેપારીનું કોઈ નથી ? વધુમાં ''સી'' ફોર્મ સામેના વેચાણો બાબતે ફોર્મ ન આવતા ઉદ્ભવેલ રકમનું માંગણા સામે ભારે રકમ ભરીને ડિમાન્ડ સામે રાહત અને વસુલાત અટકાવતો ઓર્ડર પ્રાપ્ત કરવાનો થાય છે. આ બાબતે ''સી'' ફોર્મ મોડા રજૂ કર્યાનો વાંધો લેવામાં આવે છે. ઘણી વખત આવા મોડા રજૂ કરેલ ફોર્મ માન્ય રાખવામાં ન આવે તો તે કેટલા અંશે વ્યાજબી છે ? આ બાબતે માન. કર્ણાટકની વડી અદાલત સમક્ષ ટાટા હિટાચી કંસ્ટ્રકશન મશિનરી કં. લી. વિ. કર્ણાટક રાજ્યમાં રસપ્રદ ચૂકાદો આપેલ છે (STRP NO. 2011/2015 at 11-3-2020) જેની ચર્ચા આજના લેખમાં કરવામાં આવી છે.

''સી'' ફોર્મ અને સમય મર્યાદા

''સી'' ફોર્મના લીધે રાહતના દરે વેચાણ થઈ શકે છે. આ બાબતે સેન્ટ્રલ સેલ્સ ટેક્ષ નિયમો હેઠળ નિયમ ૧૨માં ''સી'' ફોર્મ ઘટક કચેરીના અધિકારી સમક્ષ રજૂ કરવાની સમય મર્યાદા બાંધવામાં આવી છે જે ત્રિમાસ પૂર્ણ થયા બાદ ૯૦ દિવસની છે. ''સી'' ફોર્મ સમયસર આવતા જ નથી અને તેના કારણે જંગી રકમ ભરવાની થાય છે.

પ્રસ્તુત કેસમાં વિવાદ

વેપારીએ ટ્રીબ્યુનલ સમક્ષ ''સી'' ફોર્મ સૌ પ્રથમ રજૂ કર્યા જેના લીધે મોડા રજૂ થવાના કારણે તમામ ફોર્મ નકારવામાં આવ્યા. આ સિવાય બીજો કોઈ વાંધો હતો નહીં. આ ઓર્ડરથી નારાજ થઈને વેપારી દ્વારા કર્ણાટકની વડી અદાલત સમક્ષ અપીલ કરવામાં આવી.

વેપારીની દલીલ

વેપારી તરફ માન. વડી અદાલત સમક્ષ પણ બીજા નવા ''સી'' ફોર્મ રજૂ કરવામાં આવ્યા અને તે માન્ય રાખવા વિનંતી કરી. વધુમાં ''સી'' ફોર્મ આવી જવાથી વ્યાજ તથા દંડ વિષે પણ ઠોસ રજૂઆત કરવામાં આવી હતી અને માત્ર મોડા ''સી'' ફોર્મ રજૂ કરવામાં કઈ રાહત દરે વેચાણનો લાભ અમાન્ય રાખી ન શકાય.

સરકારની દલીલ

સરકારશ્રી તરફથી દલીલ કરવામાં આવી કે કોઈ ચોક્કસ કે નક્કર કારણ વગર મોડા રજૂ થયેલ ''સી'' ફોર્મ માન્ય રાખવા પણ નથી.

વડી અદાલતનો ચૂકાદો

માન. વડી અદાલતે નોંધ્યું કે ટ્રીબ્યુનલ દ્વારા માત્ર મોડા રજૂ થવાના કારણે ''સી'' ફોર્મ હેઠળ રાહતના દરે વેચાણનો લાભ અમાન્ય કરેલ છે. તદ્ઉપરાંત વેપારી દ્વારા વડી અદાલત સમક્ષ પણ સૌ પ્રથમ વખત બીજા ''સી'' ફોર્મ રજૂ કર્યા છે. કાયદા હેઠળ રાહતના દરે વેચાણનો લાભ વેપારીને આપવામાં આવેલ છે જે માત્ર કોઈ ટેકનીકલ ખામીના લીધે અટકાવી ન શકાય. અને જો એવું કરવામાં આવે તો કાયદો લાવવાનો હેતુ જ બુઝાઈ ગયો ગણાય. 

માન. વડી અદાલતે વેપારીની અપીલ મંજૂર રાખતો ''સી' ફોર્મ મોડા જમા કરાવેલ માન્ય રાખવાનો આદેશ પસાર કર્યો. કેસના બીજા મેરીટસ અને અન્ય ગુણદોષ ઉપર કોઈ ચર્ચા કરી ન હતી અને ટ્રીબ્યુનલને ફોર્મ સ્વીકારવા માટેનો આદેશ કર્યો.

આમ, બાકી ''સી'' ફોર્મ મોડા રજૂ થઈ શકે છે અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નો પણ અપીલ તબક્કે આપવા જરૃરી છે. તદ્ઉપરાંત જે કિસ્સામાં ''સી'' ફોર્મ નથી જ આવવાના તેવા કિસ્સામાં વેરો-વ્યાજ ઉપરાંત ૧૫ ટકાથી વધુ દંડ લાદી ન શકાય. આ બાબતે ગુજરાત સરકારનો તા. ૩૦-૬-૧૯૯૨નો પરિપત્ર તથા માન. ગુજરાત રાજ્યની મૂલ્ય વર્ધીત વેરાની ટ્રીબ્યુનલ દ્વારા બોનસ પ્લાસ્ટીક્સના કેસમાં આવેલ ચૂકાદાથી સમર્થન મળે છે. ''સી'' ફોર્મ ન હોવાથી કઈ બાકી રહેલ વધારાના વેરાની કઈ તમામ રકમનું પ્રિ-ડીપોઝિટ માંગવું એ ગેરવ્યાજબી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3azbLaK
via Latest Gujarati News

Post a Comment

0 Comments