
- મ્યુચ્યુઅલ ફંડના એજન્ટો તો દરેક ઇન્વેસ્ટર્સને ૨૦ વર્ષ પછી કરોડોમાં રમતા કરી દેવાના સપનાં બતાવે છે
મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વાતો ચલાવવામાં આવી રહી છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યા પછી પાંચેક વર્ષમાં ઉપાડ કરવા જશો તો તેમને ફાયદો મળેલો નહિ જોવા મળે. તમારે તેેમાંથી કમાણી કરવી હશે તો તમારા નાણાં તમારે ઓછામાં ઓછા ૧૮થી ૨૦ વર્ષ સુધી રાખી મૂકવા પડશે. ૧૮થી ૨૦ વર્ષ બાદ જ તમારું રોકાણ વધીને એક કરોડમાં કે કરોડોમાં પરિવર્તિત થઈ ગયું હશે. આ રીતે વર્ષોથી તેઓ દલીલ કરી રહ્યા છે. પરંતુ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્કનો નિયમ તો કોઈપણ રોકાણકારની શરમ ભરતો જ નથી. સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્કમાં ૨૦ વર્ષને અંતે બજાર માટે ખરાબ સંજોગો નિર્માણ થયા હોય તો તેવી સ્થિતિમાં રોકાણકારની મૂડી ધોવાઈ જાય અને મૂડી જેટલું પણ વળતર ન છૂટે તેવી શક્યતાને નકારી શકાતી નથી.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાવીને કમિશનની કમાણી કરતાં એજન્ટ્સ સામાન્ય રીતે દરેક ઇન્વેસ્ટર્સને તેમના રોકાણ પર વીસ વર્ષ પછી કરોડો રૂપિયા જ મળવાના હોવાના સપનાં દેખાડે છે. આ પ્રકારની સ્કીમ કેટલી તેના આંકડાંઓ તેઓ નહિ જ આપી શકે. તેઓ બેચાર કે દસબાર સ્કીમ જેમાં ખરેખર સારા પરફોર્મન્સને કારણે બે દાયકા સુધી રોકાણ કરનારા કસ્ટમર્સને જંગી વળતર મળ્યુ હશે તેવી સ્કીમો જ બતાવતા રહેશે. આ સ્કીમની સામે ૨૦ વર્ષ સુધી રોકાણ કર્યા પછીય અપેક્ષા પ્રમાણે વળતર ન મળ્યુ ંહોય તેવી સ્કીમ તેઓ બતાવશે જ નહિ. પરિણામે જેમણે ૨૦ વર્ષ સુધી ધીરજ રાખીને ઇન્વેસ્ટર આખરે પસ્તાવાનો વારો આવ્યો હોય તેવા ઇન્વેસ્ટર્સના કેસો બતાવતા જ નથી. તેથી જ આજના ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ કરીને જિંદગીના છેલ્લા વર્ષોમાં કરોડ પતિ થવાના સપનાંઓ જોઈ રહ્યા છે. વાસ્તવિકતા કદાચ જુદી જ હોઈ શકે તેવી સંભાવના પરત્વે તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
આજના ઇન્વેસ્ટર્સની આ માનસિકતા ભૂલ ભરેલી છે. કારણ કે પાંચ વર્ષ સુધી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યા પછી ૭૨૦૦૦ના રોકાણ સામે રૂા. ૭૦,૦૦૦ પરત આવ્યા હોવાના કિસ્સા બન્યા છે. આ જ રીતે ત્રણ વર્ષ સુધી રૂા. ૨૦૦૦૦નું રોકાણ કરનારાઓને ત્રણ વર્ષને અંતે રૂા. ૧,૦૦,૦૦૦થી વધુ મળ્યા હોવાના કિસ્સા પણ બન્યા જ છે. પરંતુ આ બધું ખાતરીનું નથી. મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં જોખમ હોય છે, પણ આ જોખમ સામે આંખ આડા કાન કરીને બે દાયકા પછી નફો જ થશે તેવા ભ્રમમાં રાચનારાઓ બહુ જ મોટું જોખમ લઈ રહ્યા છે.
આ સંજોગોમાં મ્યુચ્યુલ ફંડના ઇન્વેસ્ટર્સે છ મહિને, ત્રણ મહિને કે બાર મહિને તેના પોર્ટફોલિયોની સ્થિતિનું અવલોકન કરવું જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડના ઘણાં ઇન્વેસ્ટર્સને તેમના ઇન્વેસ્ટમેન્ટ કઈ સ્કીમમાં છે તેની પણ પૂરતી જાણકારી હોતી જ નથી. હા, વધુ રસ લેનારાઓને તેની જાણકારી હોય પણ છે.
મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોનું અવલોકન કરતી વેળાએ તમારા ફંડમાં કરેલા રોકાણનુ મૂલ્ય ઘટી ગયુ હોય તો ફફડી ઊઠીને તેને તત્કાળ પાછું ખેંચી લેવાની ભૂલ પણ રોકાણકારે કરવી ન જોઈએ. એક વાર ફંડ સિલેક્ટ કર્યા પછી તેને બદલવાની રોકાણકારે કરેલી ભૂલને પરિણામે કે રોકાણકારે અધવચ્ચે જ રોકાણ અટકાવી દેવાની કરેલી ભૂલને કારણે તેનું વળતર નીચે ગયું છે તેની ચકાસણી તેણે પોતે જ પહેલા કરી લેવી જોઈએ. ચાર વર્ષથી શેરબજારમાં રોકાણ કરનારાએ એકાએક તેના રોકાણ બંધ કરી દીધા હોય અને તેવા જ સમયમાં બજારમાં કડાકો બોલી ગયો હોય અને તેના ઇન્વન્ટમેન્ટ ચાલુ હોય તો તેની તે રકમમાંથી વધુ યુનિટોની ખરીદી શક્ય બની હોત. તેમ થયું હોત તો અત્યારે જે ફંડ માઈનસ બતાવે છે તે ફંડ તમારા માટે પ્લસમાં રહ્યું હોત.
હવે ફંડના રોકાણનું અવલોકન કરનારાઓએ પહેલા તો તેમના ફંડની સ્કીમ અને તેવા જ બીજા ફંડની સ્કીમના પરફોર્મન્સની તુલના કરવી જોઈએ. તેના રોકાણના ગાળામાં બજારમાં આવેલા ચઢાવ ઉતાર પર નજર નાખવી જોઈએ. આ અવલોકન કરતી વખતે કંઈપણ વાંધાજનક ન જણાય તો તેવા સંજોગોમાં તેમણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ રાખવું જોઈએ. પરંતુ જો બીજાના પરફોર્મન્સમાં સુધારો હોય અને તમારા પોતાના જે ફંડ છે તેના પરફોર્મન્સમાં સુધારો ન હોય તેવા સંજોગોમાં તેણે તેના કારણોમાં ઊંડા ઉતરીને પછી પોતાનું રોકાણ તેમાં જ આગળ વધારવું કે નહિ તે અંગે નિર્ણય લેવો જોઈએ.
આ જ રીતે અગાઉ અસાધારણ વળતર આપી ચૂકેલા ફંડમાં તમારા ઇન્વેસ્ટમેન્ટ પછી અપેક્ષા મુજબનું વળતર ન મળતુ ંહોય તો તેવા સંજોગોમાં પણ વિચારણા કરવી જરૂરી છે. આ અવલોકન કરતી વેળાએ ફંડના ટૂંકા ગાળાના પરફોર્મન્સથી પ્રભાવિત થઈને નિર્ણય ન લેવાવો જોઈએ. બીજું, તમારો પોતાના ટાર્ગેટ બદલાય તેવે વખતે પણ તમારે પોર્ટફોલિયોની સ્થિતિનું પુનરવલોકન કરવું જોઈએ.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/320MDWb
via Latest Gujarati News
0 Comments