
મરીના મુખ્ય ઉત્પાદક રાજ્યો કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં કોરોના મહામારીના જળવાઈ રહેલા વિસ્તરણ, ભારે વરસાદ અને પરિવહનની સમસ્યાને કારણે અછતનું વાતાવરણ વર્તાતા મરીના ભાવમાં ધીમો પણ મક્કમ સુધારો જળવાઈ રહ્યો હતો. ગત એક સપ્તાહમાં મરીના ભાવમાં કીલોએ ત્રણ રૂપિયાનો વધારો થયો હતો.
મરી બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં પશ્ચિમ કોચીનનાં અને અમુક વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાતા આવકો ઘટી ગઈ હતી. રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારોની માંગ પૂરી થઈ જતાં કામકાજ સિમિત થઈ ગયા હતા.
દરમિયાન સપ્તાહની મધ્યમાં ઈડુકટીમાં ભારે વરસાદ, પુરની સ્થિતિ વચ્ચે ખેડૂતોની વેચવાલી વધતા આવકો વધીને તાજેતરમાં ૩૨ ટન થઈ હતી. પશ્ચિમ કોચીનમાંં કન્ટેઈનમેન્ટ ઝોનના નિયંત્રણો લદાતા અમુક પ્રોસેસરોએ કામકાજ અન્ય સ્થળોએ સ્થળાંતર કર્યાં હતા. આ બાજુ મોટા ખરીદી કેન્દ્ર મુંબઈમાં સતત વરસાદને કારણે વાશીબજારમાં વેપારીઓ, દલાલોની હાજરીથી લઈને વેપારની પ્રવૃત્તિઓ સિમિત થઈ ગઈ હતી.
બજારના સૂત્રોએ કહ્યું હતું કે દક્ષિણના મરી ઉગાડતા ખેડૂતોના સંગઠનોએ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલે વિવિધ કરારોના ઓઠાં હેઠળ પાડોશી દેશોમાંથી નજીવી આયાત ડયુટીએ દેશમાં ઠલવાતા સસ્તા મરીને રોકવાની વારંવારની રજૂઆત બાદ નેપાળથી આવી આયાત અટકતા કેરળ અને કર્ણાટકના દેશી મરીની માગ વધી હતી.
તેમના કહેવા મુજબ ઉઘાડ નિકળતા સપ્તાહના અંત ભાગમાં ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહારના ડિલરોની સારા દેશી મરીમાં લેવાલી વધી હતી. વરસાદને કારણે મરીમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું. કોચી માર્કેટમાં ટુટીકોરિન પોર્ટથી વિયેતનામના મરીની એકાંતરે આવકો શરૂ થઈ છે. કર્ણાટકની બજારોમાં એપીએમસી ટેક્સને ટાળવા દેશાવરોના ખરીદદારો અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં નજર દોડાવી રહ્યા છે. કોચી ખાતે મરીનો કિલોદીઠ ભાવ ગારબલ્ડ/ અનગારબલ્ડના રૂ.૩૨૯- રૂ.૩૦૯ હતા તાજેતરમાં વધીને રૂ.૩૩૨- રૂ.૩૧૨ રહ્યા હતા. સાઉથની બજારોમાં નેપાળ, શ્રીલંકા, બંગલાદેશને રસ્તે એફટીએ કરાર હેઠળ વિયેટનામ, ઈન્ડોનેશીયા, શ્રીલંકાના મરીની મોટાપાયે આયાત થતી હોવાની અને તે ભારતીય બજારમાં ઠલવાતી હોવાની ફરિયાદ ઘણાં લાંબા સમયથી થતી આવી છે. પણ હજી સુધી તેનું અસરકારક નિવારણ થઈ શકતું નથી એવો વસવસો સાઉથના બજારના સુત્રોએ વ્યક્ત કર્યો હતો.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h9oMdC
via Latest Gujarati News
0 Comments