- જગતના દેશોમાં કઇ આર્થિક વ્યવસ્થા કામ કરશે તેની કોઇ ફોર્મ્યુલા અર્થશાસ્ત્રીઓને હાથ લાગી નથી
નીઓલીબરાલીઝમ : જગતમાંથી ડાબેરી પક્ષો અને નેતાઓ વિલીન થતા જાય છે અને જમણેરી પક્ષો, ધાર્મિક પક્ષો, વગેરેની હેજીમોની વધતી જાય છે. ૧૯૭૩મા જગતના બળતણના તેલનું ઉત્પાદન કરતા દેશો (ઓપેકે) એ બહુ ટૂંકા ગાળામાં બળતણના તેલના ભાવો ચાર ઘણા કરી નાંખ્યા. પશ્ચિમ જગત કોઇવાર અનુભવેલુ નહીં એવા 'સ્ટેગફલેશન' નામના રોગમાં ફસાયુ. સ્ટેગફલેશન એટલે ઊંચુ ઇન્ફલેશન (ભાવ વધારો) અને આર્થિક વૃદ્ધિ દરમાં સ્થગિતતા. આ બંને એક સાથે ના રહી શકે તેવું અર્થકારણીઓ માનતા હતા. ઊંચા ભાવોને કારણે ઊંચા નફાની આશા ઊભી થાય તેથી ઉત્પાદન વધે અને રોજગારી વધે પરંતુ પશ્ચિમ જગતમાં ઓઇલ ક્રાઇસીસને પગલે સ્ટેગનેશન (આર્થિક સ્થગિતતા) વત્તા ઇન્ડફલેશન (ભાવ વધારો) ઊભા થયા. કેઇન્સીબન અર્થશાસ્ત્ર મુજબ આ વાત અશક્ય હતી તેમ છતાં આમ બન્યું. કેઇન્સીબન થીયરી આ સમસ્યા હલ ના કરી શકી. ૧૯૪૫ થી ૧૯૭૩ પશ્ચિમ જગતના અર્થકારણનો ગોલ્ડન પીરીઅડ ગણાય છે જેમાં કેઇન્સીબલ થીયરી કામ લાગી હતી. આ દરમિયાન અમેરિકાના રીપબ્લીકન પ્રેસીડેન્ટ રોનાલ્ડ રેગન (૧૯૮૧-૧૯૮૯) અને ઇંગ્લેડના કોર્ન્ઝવેટીવ પક્ષના વડાપ્રધાન માર્ગારેટ થેચરે તેમના અર્થકારણોને ઉગારવા જે આર્થિક નીતિઓ ઘડી અને પગલા લીધા તેને આત્યંતીક બજારવાદી ગણી શકાય. આ પગલાને અને તેમાંથી ઉભી થયેલી વિચારસરણીને નીઓલીબરાલીઝમ નામ આપવામાં આવ્યું. તેઓ તેમાં સફળ થયા અને કેઇન્સીઅન થીયરી હારી અને ફ્રીડમેન-હાયેકની થીયરી જીતી. હજી સુધી કેઇન્સીઅન અર્થશાસ્ત્રીઓ કેઇન્સને ૧૯૭૩ના ગોલ્ડન પીરીયડની જેમ 'રીહેબીલીટેટ' કરી શક્યા નથી. હવે તે માટે નીઓકેઇન્સીઅન્સ મેદાને પડયો છે.
નીઓલીબરાલીઝમ
તે મૂડીવાદનું આત્યંતિક અને વિકૃત સ્વરૂપ છે. તે અર્થકારણમાં રાજ્યના હસ્તક્ષેપનો સખત વિરોધ કરે છે. રાજ્યે શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ, રસ્તાઓ અને બ્રીજ કે નહેરો કે બંધ બાંધવાની ઇન્ફ્રાસ્ટ્રકચરની સેવાઓ પણ રાજ્યે ના કરવી પરંતુ ખાનગી સાહસને કરવા આપવી તેમ તે માને છે. રાજ્ય શાળાઓ કે હોસ્પીટલો ચલાવતી હોય તો તેનું ખાનગીકરણ કરવું અને રાજ્યના કોમર્શીયલ અને ઇન્ડસ્ટ્રીયલ સાહસોનું ખાનગીકરણ કરવામાં તે માને છે. આ વિચારસરણી સમાજવાદની સખત વિરોધી છે. કલ્યાણવાદી રાજ્યને તે ધીક્કારે છે કારણ કે તે એમ માને છે કે કલ્યાણવાદી રાજ્ય નાગરીકોને પરોપજીવી (પેરેસાઇટસ) બનાવી દે. તે લાયસન્સ પ્રથા રદ કરવા માગે છે. દરેક પ્રકારના ધંધા પર રાજ્યના નિયંત્રણો હોય છે જેથી ગ્રાહકોનું સંરક્ષણ થાય. ગ્રાહકોને સારો અને સ્વચ્છ માલ મળે. તોલમાપ પ્રમાણે માલ મળે વગેરે નિયંત્રણો દૂર કરવા માગે છે. આમ નીઓલીબરાલીઝમનો મંત્ર પ્રાઇવેટાઇઝેશન, ડીરેગ્યુલેશન, ડીકન્ટ્રોલ વગેરેનો છે. તે આત્યંતિક રીતે મુકત નિરંકુશ મુક્ત બજારોમાં માને છે. જેમ ધર્મમાં રીલીજીયસ ફન્ડામેન્ટાલીઝમ નુકશાનકારક અને હિંસક ગણાય છે તેમ નીઓલીબરાલીઝમની વૈકલ્પિક વ્યાખ્યા માર્કેટ ફન્ડામેન્ટલીઝમ છે. જે ગરીબો માટે બહુ નુકસાનકારક છે. ગરીબોને રાજ્યે મદદ કરવી જોઈએ કે ખેડૂતોને રાહત મળવી જોઈએ વગેરેમાં બવુ ઉદારમતવાદ માનતો નથી. જ્યારે રોનાલ્ડ રેગને અને માર્ગારેટ થેચરે મૂડીવાદના આત્યંતિક સ્વરૂપને સ્વીકાર્યુ હતું અને તત્કાળ પૂરતી સ્ટેગફલેશનની સમસ્યા દૂર કરી હતી. તે સાથે જ ફ્રીડમેન-હાર્પકની નીઓલીબરાલીઝમની થીયરીના માનપાન વધ્યા હતા જે હજી અમેરિકામાં ચાલુ છે. આથી અર્થકારણ ફીસ્કલ પોલીસીના માનપાન ઘટયા છે અને મોનેટરી પોલીસીના માનપાન વધ્યા છે. રીઝર્વ બેંક પર સરકારનો પોલાદી પંજો પડયો છે. તેની સ્વાયત્તતા તૂટતી જાય છે.
નીઓલીબરાલીઝમ ના જોઈએ
નીઓલીબરાલીઝમ દેશ દેશ વચ્ચે અને દેશની અંદર ભયાનક આર્થિક અસમાનતા ઊભી કરી છે. ધંધા પરના નિયંત્રણો હઠી જવાને કારણે આ વિચારસરણી હેઠળ અમેરિકાના વિરાટ મોનોપોલી કંપનીઓનું સર્જન થયું છે. અમેરિકામાં ૧૯૮૦ થી ૨૦૧૦ દરમિયાન સંપતીની અને આવકની અસમાનતા વધી છે તેવું થોમસ પીકેટીના અભ્યાસનું તારણ છે. નીઓલીબરાલીઝમ ઉપર જોયું તેમ કલ્યાણવાદી રાજ્યોને ધીક્કારે છે. કલ્યાણવાદી રાજ્યોના ટીકાકારોને એ વાતની ખબર નથી કે આ રાજ્યો પોતાના નાગરકિોને શ્રેષ્ઠ શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે જેને પરિણામે આ રાજ્યોના નાગરિકોનું સરાસરી આયુષ્ય ૮૨ થી ૮૩ વર્ષનું છે. માત્ર જાપાન ૮૪ વર્ષના સરાસરી આયુષ્ય સાથે જગતમાં નંબર ૧ નું સ્થાન ધરાવે છે.
અમેરિકા અમુક અંશે કલ્યાણવાદી રાજ્ય બન્યું છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ તેણે પીછેહઠ કરી છે. તે હવે અતિરાષ્ટ્રવાદી બની ગયું છે. વિચાર તો કરો કે કોરોના વાયરસે જગતના સૌથી સમૃદ્ધ રાષ્ટ્રમાં સૌથી વધુ વ્યક્તિઓનો ભોગ લીધો છે. તેમજ અમેરિકામાં આવકની અને સંપત્તીની આટલી મોટી અસમાનતા ચાલુ રહી છે અને વધી રહી છે તે જગતના અન્ય દેશોનું રોલ મોડેલ કેવી રીતે બની શકે ? જગતના દેશોમાં કઇ આર્થિક વ્યવસ્થા કામ કરશે તેની કોઇ ફોર્મ્યુલા અર્થશાસ્ત્રીઓને હાથ લાગી નથી. ચીને ૪૨ વર્ષમાં પોતાની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક લગભગ પાંચ ગણી કરી દીધી તેને ઇકોનોમીક મીરેકલ કહી શકાય પરંતુ ચીનની ડીકટેટરશીપ (એકાધીકારવાદ)ની રાજકારણીય નીતિ આપણી લોકશાહીને માટે ઘાતક છે. ભારતમાં ઠેર ઠેર વ્યાપેલો ભ્રષ્ટાચાર તેની ગરીબાઇને દૂર કરવામાં આડે આવે છે. ભારતમાંથી મલ્ટી પોર્પટી મેઝર પ્રમાણે ૨૦૦૫ થી ૨૦૧૫માં ૨૭ કરોડ લોકો ગરીબાઇમાંથી ઉપર આવ્યા છે પરંતુ તેમ છતાં ભારતમાં લગભગ ૩૪ કરોડ લોકો હજી બહુઆયામી ગરીબીમાં છે તેમ ભારતમાં કઇ વિચારસરણી કામ કરશે તેની બીલકુલ ખબર પડતી નથી. જગતમાં જે ગરીબોની સંખ્યા છે તેમાં સૌથી વધુ ગરીબો ભારતમાં રહે છે તે ભારતના અર્થકારણ અને રાજકારણની નિષ્ફળતા છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kKMv61
via Latest Gujarati News
0 Comments