આગના બનાવોમાં સરકારી તંત્ર / સંચાલકો - જનતાની જવાબદેહી અંગે કાયદાકીય જોગવાઈઓ


- બિલ્ડિંગ કોડ, ફાયર એન્ડ ઇલેક્ટ્રિક સેફ્ટી રેગ્યુલેશન, જી.ડી.સી.આર.ની જોગવાઈઓનું અસરકારક અમલીકરણ એકમાત્ર ઉપાય

અમદાવાદના શ્રેય હાસ્પિટલમાં આગ લાગતાં ૮ વ્યક્તિઓના મૃત્યુની હજુ શાહી ચુકાઈ નથી ત્યાં આંધ્રપ્રદેશના વિજયવાડામાં મૂળ હોટેલમાંથી કોવિડ હૉસ્પિટલ પરિવતત કરેલ તેમાં આગ લાગવાથી ૧૦ વ્યક્તિના મોત થયા. આમ એક વાસ્તવિક સ્થિતિ બહાર આવે છે કે, આ આગના બનાવોનું કારણ માનવસર્જીત છે. આ બનાવમાં પણ પ્રાથમિક આગનું કારણ શોટ સર્કીટ બતાવવામાં આવ્યું છે. ગત લેખમાં આપણે આગના કિસ્સામાં ફાયરબ્રિગેડની જવાબદારી અને ઈલેક્ટ્રીક શોટ સર્કીટ શાને કારણે થાય છે તે અંગેનો વિગતવાર ઉલ્લેખ કરેલ, હવે વિદ્યમાન ફાયર એક્ટ અને તે અંગેના નિયમોની જાણકારી મેળવીએ તો આ કાયદો કેન્દ્ર સરકારે મોકલેલ, મોડેલ એક્ટના ધોરણે ૨૦૧૫માં ગુજરાત ફાયર એક્ટ ઘડવામાં આવ્યો. પરંતુ તેના નિયમો - ૨૦૧૭માં ઘડવામાં આવ્યા અને આ કાયદાની અમલવારી સ્ટેટ ડિઝાસ્ટર ઑથોરીટી પાસે છે. (GSDMA) અને ડાયરેક્ટર ફાયર તરીકે ખાતાના વડા છે. તેઓની નીચે રીજીઓનલ ફાયર એન્ડ સેફ્ટી કેન્દ્રો છે અને જીલ્લા કક્ષાએ જીલ્લા ફાયર ઑફિસર તરીકે નિમણૂંકો કરવામાં આવી છે. પરંતુ આ કચેરીઓ પાસે પણ પર્યાપ્ત સંખ્યામાં સ્ટાફ નથી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે અમો હતા, ત્યારે વડોદરાના રીજીઓનલ સેન્ટરને કોર્પોરેશનમાંથી અમુક કર્મચારીઓનું ડેપ્યુટેશન કરીને કેન્દ્ર કાર્યન્વિત કરવામાં આવેલ, પરંતુ મેનપાવરની દ્રષ્ટિએ કોર્પોરેશન હોય કે મ્યુનિસિપાલીટી કે જી.એસ.ડી.એમ.એ. આ બધા તંત્ર પાસે તાલીમી અને કુશળ સ્ટાફ નથી. જેથી પર્યાપ્ત સંખ્યામાં સ્ટાફ વધારવાની જરૂર છે અને આ ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ મલ્ટી ટાસ્કીંગ કામગીરી કરવો જોઈએ. દા.ત. ફાયર વાહનનો ડ્રાઈવર, ફાયર બુઝાવવાની કે આકસ્મિક સંજોગોમાં કોઈપણ ફરજ બજાવે તેવા સક્ષમ સ્ટાફને રાખવાથી બધા જ પ્રકારની કામગીરી લઈ શકાય.

પ્રવર્તમાન સમયમાં આગ લાગવાના બનાવો વધુ બને છે તેનું એકમાત્ર કારણ છે. બિલ્ડીંગ કોડ અને ફાયર સેફ્ટી રેગ્યુલેશન કાયદાઓના પાલનમાં નિષ્કાળજી સેવવામાં આવે છે. હવે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર હિતની અરજીમાં સંખ્યાબંધ રૂલીંગ ચુકાદા આપેલ છે કે, કોઈપણ મકાન / બહુમાળી કે સંકુલોમાં જ્યાં સુધી ફાયર સેફ્ટીને લગતી જોગવાઈઓ જેમાં પાણીની ટાંકીથી શરૂ કરીને, ફાયર લાઈન્સ, હોઝ, ફાયરના સમયે Exit Route / Evacuation Plan / Escape Route વિગેરેની જોગવાઈ ફરજીયાત છે અને તેનું પાલન કરવામાં આવે તો જ વસવાટનું પ્રમાણપત્ર (Occupancy Certificate) આપવાનું છે.  આજ રીતે જુદી જુદી ઔદ્યોગિક વસાહતો કે વિસ્તારો કે જેમાં જ્વલનશીલ પદાર્થોનું ઉત્પાદન થતું હોય. દા.ત. વાપી, અંકલેશ્વર, નંદેસરી, રણોલી જેવી ઔદ્યોગિક વસાહતોમાં કેમીકલ આધારીત ઉદ્યોગો છે અને જેમાં આગ લાગવાની સંભાવના વધુ હોય ત્યાં ફાયર ફાઈટીંગની આ સુવિધાઓ પણ ઉપલબ્ધ અને ઑપરેશનલ રાખવી જરૂરી બને છે. આમ તો જીલ્લા વહિવટમાં કલેક્ટર અને કમિશનર ફોકલ અધિકારીઓ આપત્તિના સમયમાં તેમની મુખ્ય ભુમિકા હોય છે. પરંતુ નવીન ઘડાયેલ ફાયર એક્ટમાં કે નિયમોમાં કલેક્ટરને અધિકારક્ષેત્રમાં રાખવામાં આવ્યા નથી. જ્યારે આગ લાગે અને સહાયની વાત આવે ત્યારે જીલ્લા અધિકારી તરીકે કલેક્ટરની જવાબદારી બની રહે છે એટલે કાયદામાં સુધારો કરવો જરૂરી છે.

બિલ્ડીંગ કોડ અને ફાયર રેગ્યુલેશનમાં બહુમાળી ઈમારતો / સંકુલોમાં ફાયર સેફ્ટીના ભાગરૂપે કડક જોગવાઈની સાથે દર વર્ષે નિયમિત ગુણવત્તાયુક્ત ઈન્સપેક્શન થવું જોઈએ. ઘણીવાર આગ લાગે ત્યારે ફાયર હાઈડ્રેન્ટ કામ નથી કરતા અથવા તો પાણીની ટાંકી રાખવામાં આવે છે. પરંતુ પાણી હોતું નથી. ઘણીવાર એવું પણ બને છે કે મ્યુનિસિપાલીટી કક્ષાએ બહુમાળી ઈમારતો ૧૪ માળની ઉપરની હોય પરંતુ તેટલી ઉંચાઈના સ્નોરકેલ હોતા નથી એટલે નજીકના કોર્પોરેશનમાંથી મેળવવામાં અને પહોંચે તે પહેલાં આગમાં ભસ્મીભુત થઈ જાય છે. તાજેતરના શ્રેય હૉસ્પિટલ અમદાવાદ અને વિજયવાડાની રમેશ હૉસ્પિટલમાં જે આગ લાગી છે તેમાં કોવીડના દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને તેનું મુખ્ય કારણ એ પણ છે કે, આ દર્દીઓને આઈસોલેટ સ્વરૂપે રાખવાના હોય છે અને વધુમાં કોવીડના અલગ એપ્રોન તેમજ અનેક ઉપકરણોને કારણે આ તમામના મૃત્યુ આગની સાથે ગુંગળામણથી થયા છે એટલે કોવીડની પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે તે તાત્કાલિક સમયગાળો દર્શાવવો મુશ્કેલ છે. પરંતુ આ બે બનાવો બાદ કોવીડ આઈશોલેશન વોર્ડમાં આગને લગતા ઉપાયાત્મક પગલાં ખાસ લેવા જરૂરી છે. તે જ રીતે આ બંને બનાવોમાં ઈલેક્ટ્રીક શોટ સર્કીટ પ્રાથમિક કારણ બહાર આવ્યું છે તો આ અંગે પણ હૉસ્પિટલને અનુરૂપ જુદા જુદા ઉપકરણોમાં વપરાતો લોડ, ઑપરેશન થિયેટર લોડ, એરકન્ડીશનીંગ વિગેરે બાબતોની ગણતરી કરી અને જેમ જેમ ઈલેક્ટ્રીક લોડ વધે ત્યારે તે મુજબ વિજ વિતરણ કંપનીઓ પાસે વધારાનો લોડ મંજૂર કરાવવાની સાથે હૉસ્પિટલ કે સંકુલોના (ઔદ્યોગિક કે વાણિજ્ય) ઈલેક્ટ્રીક કેબલ અને વાયરીંગની ક્ષમતા વધારવી જોઈએ, નહિ તો આવા બનાવોનું પુનરાવર્તન થતું જશે. આવા બનાવો બાદ તથા તપાસપંચ કે તપાસ સમિતિ રચાય અને તપાસ સમિતિનો અહેવાલ પણ સમય જતાં અભરાઈએ ચડી જાય પરંતુ આવા બનાવોથી પાઠ શીખીશું (Lesson Learnt) તો જાનહાનિથી તેમજ માલ મિલ્કતને બચાવી શકીશું.)

(સંપર્ણ)



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g4hw0W
via Latest Gujarati News

Post a Comment

0 Comments