કોરોના મહામારીના કારણે દેશના અર્થતંત્રને જબરજસ્ત ફટકો પડયો છે. ઉદ્દભવેલ આ પ્રતિકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાજેતરમાં નાણાં મંત્રી સીતારામને પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં દેશના અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડવાની શક્યતા છે. આગેવાન તમામ સ્થાનિક અને વૈશ્વિક ભારતના વૃદ્ધિ દરના લક્ષ્યાંકમાં પણ ઘટાડો કર્યો છે. આ મુદ્દાની બીજીતરફ તાજેતરમાં વડાપ્રધાને ફરી એકવાર ભારત તેના નિર્ધારિત કરાયેલા સમયગાળા દરમિયાન જ ૫ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનશે તેમ જણાવ્યું છે.
નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસના ડેટા મુજબ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતની જીડીપીમાં ૨૩.૯ ટકાનું સંકોચન જોવા મળ્યું છે. લોકડાઉનને કારણે દેશની તમામ આથક પ્રવૃત્તિ સંપૂર્ણપણે સ્થગિત થઇ જતા આથક પ્રવૃત્તિઓ ઠપ થઇ જતાં પગારકાપ, જોબ લોસ, વેપાર ઉદ્યોગમાં નરમાઇ સહિતની સમસ્યાઓ ઉદ્દભવી છે. આ પ્રતિકૂળતાઓનો આંચકો આજદિન સુધી શમ્યો નથી. આગેવાન રેટીંગ એજન્સીઓ દ્વારા પણ આગામી સમયમાં દેશની આથક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરતાં અર્થતંત્રની વૃદ્ધિના મુદ્દાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. ખુદ નાણાંમંત્રીએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે જે પુરવાર કરે છે કે અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ થયેલી જ છે.
મહત્વની બાબત એ છે કે ફિચ રેટિંગ્સે તો જુલાઈ-સપ્ટેમ્બર બાદ ઓકટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે પણ માઇનસ વૃદ્ધિનો અંદાજ રજૂ કર્યો છે. કેર રેટિંગ્સે પણ ચાલુ નાણાંકીય વર્ષમાં માઇનસ ૬.૪ ટકાની રેન્જમાં ગ્રોથ રહેવાની ધારણા મૂકી છે. આમ અનલોકના વિવિધ તબક્કામાં મોટાપાયે છૂટછાટો અપાઈ હોવા છતાં પણ વૈશ્વિક રેટીંગ એજન્સી દ્વારા માઇનસ વૃદ્ધિનો અંદાજ રજૂ કરાયા છે.
આ પ્રતિકૂળ અહેવાલો વચ્ચે સરકાર અર્થતંત્ર રિકવરીના માર્ગે છે તેમ કહે છે તે કેટલું વાજબી છે? તેમાંય વડાપ્રધાને ૨૦૨૪ સુધીમાં ૫ ટ્રીલિયન ડોલરના અર્થતંત્રનો લક્ષ્યાંક હાંસલ કરવાની જે વાત કરી છે તે પણ આમ તો વધુ પડતી છે. કારણ કે સમાજનો એકપણ વર્ગ એવો નથી જેને લોકડાઉનના કારણે સહન કરવાનો વારો ના આવ્યો હોય. આથક પ્રવૃત્તિઓ ઠપ થઇ જતાં પગારકાપ, જોબ લોસ, વેપાર ઉદ્યોગમાં નરમાઇ સહિતની અન્ય અઢળક સમસ્યાઓ ઉદ્દભવી હતી. જેનો આજ દિન સુધી અંત આવ્યો નથી આમ છતાં સરકાર એવું કહે છે કે અર્થતંત્ર રિકવરીના માર્ગે છે તે કેટલું વાજબી ગણાય?
કોરોના મહામારી પહેલાં પણ વિવિધ પ્રતિકૂળતાના કારણે અર્થતંત્રની વૃદ્ધિ ખોરવાયેલી જ હતી, તેમાં કોરોના મહામારી પ્રબળ બનતાં અર્થતંત્ર વેન્ટીલેટર પર મુકાઇ ગયું છે, તેને પુનઃ જીવંત કરવા સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા પેકેજરૂપી ઓક્સિજન આપવામાં આવ્યા છે. પરંતુ તે અર્થતંત્રને સંપૂર્ણપણે ધમધમતું કરવામાં કારગત નીવડયા નથી. આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવાના બદલે સરકાર અર્થતંત્રનું ગુલાબી ચિત્ર દોરે છે.
સરકારની દલીલ એવી છે કે કૃષિ ક્ષેત્રએ સારી કામગીરી કરી છે, મનરેગામાં રોજગારી વધી છે. પણ અન્ય તમામ સ્તરે જ્યાં પ્રતિકુળતાઓ છવાયેલી છે તે મુદ્દે હરફસુદ્ધા ઉચ્ચારતી નથી. લોકડાઉનના કારણે લાખ્ખો લોકો બેરોજગાર થઈ ગયા છે, ધંધા રોજગાર પડી ભાગ્યા છે. આથક પ્રવૃતિઓ રૂંધાતા સરકારની વેરાની આવકમાં પણ જંગી ગાબડું નોંધાયું છે. આમ આ તમામ પ્રતિકુળતાઓ યથાવત હોવા છતાં પણ સરકાર દાવા કરે છે કે અર્થતંત્રની ગાડી ફરી પાટા પર ચડી ગઇ છે!!!
આમ, આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ભારતીય અર્થતંત્ર સંપૂર્ણપણે ડિપ્રેશનમાં આવી ગયું છે એમ કહેવું અસ્થાને નથી. આ પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે સરકારે ચોક્કસ શ્રેણીબદ્ધ પગલાં ભરવા પડશે. માત્ર નિવેદનો કરવાથી પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવશે નહીં. પરંતુ આગળ જતાં અર્થતંત્રની વૃદ્ધિ વધુ ખોરવાશે....... તે વેળા બહુ મોડું થઇ ગયું હશે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HYBMpp
via Latest Gujarati News
0 Comments