- વૈશ્વિક સ્તરે સટોડિયાઓના જંગી કામકાજથી ભારતમાં સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળે છે
કોરોના મહામારીના કપરાકાળ વચ્ચે ૨૦૨૦ના કેલેન્ડર વર્ષમાં જો કોઈ નોંધપાત્ર ઘટના જોવા મળી હોય તો તે છે સનામાં જોવા મળેલી તોફાની તેજી. મહામારીના પગલે તમામ મોરચે પ્રતિકૂળ માહોલ સર્જાયો હતો. તે વેળાએ સોનામાં તેજીનું તોફાન જોવા મળ્યું હતું. તેજીના આ તોફાન પાછળ ડોલરની તેજી સહિતના અન્ય પરિબળો કારણભૂત હતા. જો કે આ પરિબળોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત સટોડિયાની ભૂમિકા પણ નોંધપાત્ર રહી છે. જાણકારોના જણાવ્યા મુજબ આ સટોડિયાઓના કારણે સોનાના ભાવમાં મોટાપાયે ઉથલપાથલ થતી હોય છે.
બુલિયન માર્કેટના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાલ લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (એલબીએમએ) દ્વારા સોના-ચાંદીના ભાવ નક્કી થાય છે. જેના આધારે ભારતના સોના-ચાંદી બજારોમાં કિંમતી ધાતુઓના ભાવ નક્કી થાય છે. લંડન માર્કેટમાં ભાવ નક્કી થવાની સાથે જ સટોડિયાઓ મોટા પાયે સક્રિય થતા હોવાના કારણે ભારતીય બજારોમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં ઉથલપાથલ જોવા મળે છે.
બુલિયન બજારના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દેશમાં ગત મે-જૂન માસ દરમિયાન લોકડાઉનનો અમલ થઇ રહ્યો હતો તે વેળાએ ભારતમાં સોનાનો ભાવ આભને આંબી ગયો હતો. જો કે, આ સમય દરમિયાન દેશભરના સોના-ચાંદી બજારો બંધ હતા. તેથી સોના-ચાંદીની માંગ જ નહતી. કોઈ વેપાર ન હતો. આમ છતાંય ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. હકીકતમાં સોનાના આ ભાવવધારા પાછળ અમેરિકા, લંડન સહિત અન્ય દેશોના સટોડિયાઓ દ્વારા થતા જંગી કામકાજના કારણે જ ભારતમાં સોનાના ભાવ ઉંચકાયા હતા. આમ, આ મુવમેન્ટને ભારત સાથે કોઈ લેવા દેવા હોતી નથી.
લંડન બુલિયન માર્કેટ એસોસિએશન દ્વારા રોજ સોનાના-ભાવ નક્કી કરવામાં આવે છે. જેના આધારે ભારતમાં તેનાભાવ નક્કી થતા હોય છે. લંડનમાં જ્યારે આ ભાવ ખુલે ત્યારે ભારતમાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસનો સમય હોય છે. આ સંજોગોમાં ભારતના બુલિયન બજારો ન્યુયોર્ક અને જાપાનના બુલિયન એક્સચેન્જના ભાવને ધ્યાનમાં રાખીને ભાવ નક્કી કરે છે અને તે મુજબ કારોબાર થાય છે.
લંડનમાં જે ભાવ ખુલે છે તે પ્રતિ ઔંસના મેજરમાં હોય છે. એક ઔંસ બરાબર ૨૮.૩૫ ગ્રામ વજન થાય છે. ઔંસમાં ખુલતા ભાવ પર ૧૨.૫ ટકા આયાત ડયુટી સાથે વધુ બે ડોલરનો ઉમેરો થાય છે અને તે મુજબ નક્કી થતા ભાવ મુજબ ભારતમાં રીટેલમાં વેપાર થાય છે. કેટલીક વખત આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ નીચા ખુલતા હોય છે. પરંતુ, ડોલરની તુલનાએ રૂપિયામાં નરમાઈના કારણે ભારતમાં સોનાના ભાવ ઊંચા રહેતા હોય છે.
ભારતમાં કિંમતી ધાતુઓમાં જોવા મળતી આ ઉથલપાથલ આગામી સમયમાં ઓછી થવાની સંભાવનાઓ ઉજ્જવળ બની છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે હવે ભારતમાં ટૂંક સમયમાં જ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરવાના ચક્રો ગતિમાન થયા છ.ે આ નવા એક્સચેન્જ થકી ભારત માટે સોના-ચાંદીના ભાવ નક્કી થશે. આ ઉપરાંત આ એક્સચેન્જમાં કિંમતી ધાતુઓમાં ડેરિવેટિવ અને સ્પોટમાં ટ્રેડિંગ પણ થઇ શકશે.
ઇન્ટરનેશનલ ફાઈનાન્શીયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના (આઈએફએસસીએ) નેજા હેઠળ અમદાવાદ નજીક ગાંધીનગર ખાતે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફ્ટ) ખાતે આગામી સમયમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની સ્થાપના કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ સંસ્થા આ એક્સચેન્જના નિયામક તરીકે ભૂમિકા પણ ભજવશે. સમગ્ર વિશ્વમાં ભારત સોનાનો સૌથી વધુ વપરાશ કરતા દેશોમાં બીજા ક્રમે છે. ૨૦૧૯માં ભારતમાં અંદાજે ૭૦૦ ટન સોનાનો કારોબાર થયો હતો. આમ, ભારતમાં કિંમતી ધાતુઓમાં મોટાપાયે થતા કારોબારને ધ્યાનમાં રાખીને આ એક્સચેન્જ ઉભું કરવાની કવાયત હાથ ધરાઈ છે. જે આગામી સમયમાં ધમધમતું થવાની સંભાવના છે.
ઉપલબ્ધ માહિતી મુજબ દેશની તમામ મોટી બેંકો, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ગોલ્ડ ઇટીએફ, એમએમટીસી જેવી સરકારી એજન્સીઓને આ એક્સચેન્જના સભ્ય બનાવવામાં આવશે. જ્યારે દેશના મોટા જ્વેલર્સોને આ એક્સચેન્જમાં સબ-ડિલરશીપ ઓફર કરવામાં આવશે. આમ, આ એક્સચેન્જ શરૂ કરવા માટેની તમામ પ્રકારની ગતિવિધિઓ શરૂ કરી દેવાઈ છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/323ActT
via Latest Gujarati News
0 Comments