વિવિધ સ્તરે પાકને મોટાપાયે નુકસાનઃ કૃષિ આવકને ફટકો


- જે વિસ્તારમાં ઓછું નુકસાન થયું છે તે વિસ્તારના ખેડૂતો દ્વારા મોટાપાયે ટેકાના ભાવે ખરીફ પાકનું વેચાણ

- દેશના કુલ ૧૪.૩૭ લાખ ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીનો લાભ મળ્યો છે 

- સરકાર દ્વારા રાહતની જાહેરાત પરંતુ નુકસાનની તુલનાએ આ રાહત ઘણી ઓછી

કૃષિ થકી થતી આવકમાં વધારો થાય તે હેતુસર સરકાર દ્વારા વિવિધ જણસોના ટેકાના ભાવમાં વધારા સહિતના અન્ય શ્રેણીબધ્ધ પગલા ભરાયા છે. આ ઉપરાંત તાજેતરના ભૂતકાળમાં કૃષિ ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં રાખીને ત્રણ મહત્ત્વના બિલને પણ લીલીઝંડી અપાઈ છે. આમ, સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવા હાથ ધરાયેલી આ કવાયતની બીજી તરફ દેશમાં વિવિધ કારણોસર વિવિધ સ્તરે અનેક પાકને મોટાપાયે નુકસાન થતા કૃષિ આવકને જબરજસ્ત ફટકો પડયો છે. ચોમાસાની સીઝનમાં અતિશય વરસાદ અને થોડા સમય પહેલા થયેલા પાછોતરા વરસાદના કારણે વિવિધ પાક પર પ્રતિકૂળ અસર થવા પામી છે. જેમાં મુખ્યત્વે કપાસ, મગફળી, મગ, તુવેર, મકાઈ, ડાંગરને મોટાપાયે નુકસાન થયું છે. આ સિવાયના અન્ય પાકને પણ વત્તે ઓછે અંશે નુકસાન થયું છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે.

ભારે વરસાદ સહિતના અન્ય કારણોસર દેશના વિવિધ ભાગોમાં કૃષિ ક્ષેત્રને નુકસાન થયું છે. તેમાંય વળી ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં ભારે વરસાદના કારણે ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ આ રાજ્યોમાં અંદાજે ૩૦ લાખ હેકટરથી પણ વધુ જમીન પરના ઉભા પાકને મોટાપાયે નુકસાન થતા તેમની રૂટીન આવક સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. વિવિધ સ્તરે પાકને નુકસાન થતા આ વિસ્તારના ખેડૂતોને તો ડબલ ફટકો પડયો છે.

કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ભારે વરસાદ અને ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે પાકમાં જીવાતના પ્રમાણમાં મોટાપાયે વધારો થયો છે. કેટલાક સ્થળોએ તો ભારે વરસાદ અને પુરની સ્થિતિના કારણે પાક જ ધોવાઈ ગયો છે. આમ, જે વિસ્તારોમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે તે વિસ્તારના ખેડૂતોને તો ૫૦થી ૭૦ ટકા જેટલું નુકસાન થયું છે. જો કે, સરકાર દ્વારા આ મુદ્દે રાહતની જાહેરાત કરાઈ છે. પણ આ રાહત નુકસાનની તુલનાએ ઘણી ઓછી છે. આમ, આ રાહતથી ખેડૂતોને રાહત થાય એમ નથી. તેમની આવક પર તો જબરજસ્ત ફટકો પડેલો જ છે.

જો કે, જે વિસ્તારોમાં પાકને ઓછું અથવા નહીવત નુકસાન થયું છે તે વિસ્તારના ખેડૂતોએ મોટી સંખ્યામાં ટેકાના ભાવે ખરીફ પાકનું વેચાણ કર્યું છે.

વર્તમાન ખરીફ મોસમમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તથા રાજ્ય સરકારની એજન્સીઓએ  ગયા વર્ષની સરખામણીએ અત્યારસુધી ૨૬ ટકા વધુ ખરીદી કરી છે. રૂપિયા ૩૨૧૯૬  કરોડના ખર્ચે કુલ ૧૭૦.૫૩ લાખ ટન્સ પેડ્ડીની ખરીદી કરાઈ હોવાનું સરકારી નિવેદનમાં  જણાવાયું હતું. ગયા વર્ષના ૨૭ ઓકટોબર સુધીમાં ૧૩૪.૮૫ લાખ ટન્સ પેડ્ડીની ખરીદી કરાઈ હતી.

કોરોના મહામારી વચ્ચે પણ મોટી સંખ્યાના ખેડૂતો માલ વેચવા આવી રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. 

ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, તામિલનાડૂ, ચંડીગઢ, કેરળ તથા ગુજરાત રાજ્યોમાં ચોખાની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. ૧૧૪.૯૭ લાખ ટન્સ સાથે સૌથી વધુ ખરીદી પંજાબમાં થઈ છે. 

દેશના કુલ ૧૪.૩૭ લાખ ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીનો લાભ મળ્યો છે, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું. પેડ્ડી ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં કપાસની ખરીદી પણ શરૂ થઈ છે. 

કોરોના વચ્ચે દેશમાં વર્તમાન વર્ષમાં ખરીફ ઉત્પાદન વિક્રમી રહેવાની ધારણાં રખાઈ રહી છે. આ વર્ષ દેશભરમાં ચોમાસુ સારુ રહેતા તેને પરિણામે ખરીફ તથા રવી પાક ઊંચો ઉતરવાની ધારણાં રખાઈ રહી છે. 

૨૭ ઓકટોબર સુધીમાં કપાસની ૪.૪૨ લાખ ગાંસડીની રૂપિયા ૧૨૯૯.૫૧ કરોડના ખર્ચે ખરીદી ુપાર પડી છે. જેનો ૮૪ હજારથી વધુ ખેડૂતોએ લાભ લીધો છે. અન્ય ખરીફ પાક જેમ કે તેલીબિયાં, કોપરા અને કઠોળની પણ ખરીદી ચાલી રહી હોવાનું નિવેદનમાં જણાવાયું હતું. 

વર્તમાન વર્ષમાં વિક્રમી પાક ઉપરાંત ટેકાના ઊંચા ભાવને પરિણામે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળવાની સંભાવના રખાઈ રહી છે, જે કોરોનાની મહામારી વચ્ચે દેશના અર્થતંત્રને ટેકો પૂરો પાડશે તેવી અપેક્ષા છે. 

આમ, ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્ર, માટે કહીં ખુશી કહીં ગમ જેવા માહોલનું નિર્માણ થયું છે. દેશના અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. તો બીજી તરફ કેટલાક સ્થળે ટેકાના ઊંચા ભાવે વેચાણ જોવા મળ્યું છે. જોકે આમ છતાં ઓવરઓલ ચાલુ વર્ષે કૃષિ આવકને જબરજસ્ત ફટકો તો પડયો જ છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mL0mtk
via Latest Gujarati News

Post a Comment

0 Comments