કોરોના મહામારીના પગલે વિશ્વભરમાં લોકડાઉનના અમલ બાદ આર્થિક મોરચે ઘણા બધા પરિવર્ત જોવા મળ્યા છે. આ પરિવર્તનની અસર નાના-મોટા ધંધા-રોજગાર સહિત વિવિધ ઉદ્યોગો ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી છે. આવો જ એક ઉદ્યોગ છે ફૂટવેર. કોરોના સંક્રમણના પગલે વૈશ્વિક સ્તરે ફૂટવેર ઇન્ડસ્ટ્રીમાં પણ વિવિધ ગતિવિધીઓ જોવા મળી છે. આ ગતિવિધીઓના હાથ ધરાયેલા અભ્યાસનું તારણ એવું દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ભારત ફૂટવેર ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.
કોરોના મહામારી બાદ વિશ્વના વિવિધ દેશો ચીનથી અળગા થઇ રહ્યા છે. જેના કારણે ચીન સાથેના તેમના વિવિધ વેપાર-ઉદ્યોગો સંદર્ભના સંબંધો પર પણ પ્રતિકૂળ અસર થવા પામી છે. વિવિધ ઉદ્યોગોની આ યાદીમાં ફૂટવેર ઇન્ડસ્ટ્રી પણ સામેલ છે. કોરોના મહામારી બાદ વિશ્વની આગેવાન ફૂટવેર કંપનીઓએ ચીન તરફથી મોં ફેરવીને ભારત તરફ નજર દોડાવી છે. આ ગતિવિધી જોતા ફૂટવેરની નિકાસ બજારમાં ચીનની મોનોપોલીનો અંત આવશે તેવું ગણિત મંડાઈ રહ્યું છે.
સંક્રમણ બાદ ચીનમાં શ્રમિકોના વેતનમાં વધારો થતા ફૂટવેરના ઉત્પાદનમાં ચીનની તુલનાએ ભારતમાં ઓછો ખર્ચ થાય છે. જેના પગલે વિશ્વની આગેવાન ફૂટવેર કંપનીઓેએ ભારત તરફ નજર દોડાવી છે અને વાટાઘાટો પણ આરંભી હોવાનું જાણવા મળે છે.
ઉપલબ્ધ સરકારી ડેટા અનુસાર વિશ્વમાં ફૂટવેરના ઉત્પાદનમાં ભારતમાં ૧૦.૭ ટકા ઉત્પાદન થાય છે. ફૂટવેર ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમાંકે આવે છે. પરંતુ વિશ્વના નિકાસ બજારમાં ભારતનો હિસ્સો માત્ર ૧.૮ ટકા જ છે. જ્યારે ચીનનો હિસ્સો ૬૪ ટકા છે. ૨૦૧૮માં ફૂટવેરનું વૈશ્વિક નિકાસ બજાર ૧૪૨ અબજ ડોલર એટલે કે રૂ ૧૦.૫૦ લાખ કરોડથી વધુનું હતું.
૨૦૧૯માં ભારતનાં ફૂટવેર બજારનું મુલ્ય ૧૦.૬ અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. ૮૦ હજાર કરોડ જેટલું હતું. ૨૦૨૪ સુધીમાં તે વધીને ૧૫.૫ અબજ ડોલર થવાની શક્યતા છે.
કાઉન્સીલ ઓફ લેધર એક્સ્પોર્ટના જણાવ્યા મુજબ ચીનમાં ફૂટવેર ઉત્પાદનમાં વ્યસ્ત શ્રમિકોની માસિક મજૂરી પ્રતિમાસ ૫૫૦/૬૦૦ ડોલર પહોંચી ગઇ છે. જ્યારે ભારતમાં આ ક્ષેત્રની મજૂરી ૧૬૦/૧૮૦ ડોલર છે. વીજળી અને પાણીના દર પણ ચીનની તુલનાએ ભારતમાં ઓછા છે. જો કે, ચીનની તુલનાએ ભારતમાં વ્યાજદર ઉંચા છે. આમ, આ એક મુદ્દાને બાદ કરતા અન્ય તમામ પરિબળો સાનુકુળ રહેતા વિશ્વના આગેવાન ફૂટવેર ઉત્પાદકો ભારત તરફ વળે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે. જે જોતા ભારત વૈશ્વિક સ્તરે ફૂટવેર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/323dG3Y
via Latest Gujarati News
0 Comments