વાર્ષિક પત્રક તથા અન્ય સુધારાઓની સરળ સમજૂતી


GST કાયદા હેઠળ નવા નિયમો દ્વારા ફેરફારો કરવામાં આવ્યા છે. એક તરફ વેપારી આલમ ઈ-ઈન્વોયસ માટે જંગી પ્રયત્નો કરી રહી છે ત્યારે બીજી બાજુ જૂના કાયદા એટલે ગુજરાત વેટ કાયદા હેઠળ આકારણીને લઈને ખૂબ જ ઉતાવળ અને દબાણ કરીને પૂર્ણ કરવામાં આવી રહી છે. રૂબરૂ બોલાવીને પણ હાજરી ન લખવી અને મુદતની વિનંતી ફગાવી કાઢવી એ જાણે એક ધોરણ બની ગયો છે. આનાથી અપીલ વધવાની અને જંગી વસૂલાત અને તે પછીની ટાંચની પ્રવૃત્તિથી સૌ કોઈ વાકેફ છે. ખેર આ બધાની વચ્ચે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના માટે વાર્ષિક પત્રક અને ઓડિટ રિકન્સિલિયેશનની મુદત ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ વધારવાનું ઉમદા પગલું ભરવામાં આવ્યું છે. આજના લેખમાં GST કાયદા હેઠળ અન્ય સુધારાઓ જે વિવિધ નોટીફીકેશન દ્વારા સૂચવવામાં આવ્યા છે તેની સરળ સમજૂતી આપવામાં આવે છે.

૨૦૧૯-૨૦નું વાર્ષિક પત્રક તથા ઓડિટ

જેમ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂા. ૫ કરોડની મર્યાદા હતી વાર્ષિક પત્રક તથા ઓડિટ રિકન્સિલિયેશન ભરવા માટે તે મર્યાદા નાણાંકિય વર્ષ ૧૯-૨૦ માટે અમલમાં રહેશે. વધુમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના વાર્ષિક પત્રકમાં કેપિટલ ગુડઝની વેરાશાખ અલગ બતાવવી ફરજિયાત રહેશે અને અન્ય માલ-સેવાનો વેરાશાખને અલગ બતાવવાને બદલે ઈન્પુટના ખાનામાં બતાવી શકાશે. બીજો અગત્યનો સુધારો સૂચવવામાં આવ્યો છે જે અન્વયે  GSTR9 ના પત્રકના ટેબલ ૪ થી ૭માં અગાઉના નાણાંકિય વર્ષના વ્યવહાર દર્શાવવાના નથી અને જે નાણાકીય વર્ષ માટે વાર્ષિક પત્રક ભરવામાં આવતું હોય તેની જ વિગત બતાવવાની રહેશે. વધુમાં GSTR9 ફોર્મના ટેબલ ૮એ માં GSTR2A ફોર્મની વિગત સ્વમેળે એકત્રીત થઈને તા. ૧ નવેમ્બર ૨૦૨૦ ના રોજની વિગત પ્રમાણે આવશે. જ્યારે નાણાકીય વર્ષ ૧૭-૧૮ ના વાર્ષિક પત્રક ભરવાનો સમય હતો તે વખતે સરકારશ્રી દ્વારા પ્રેસ રિલિઝ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે ચોપડા પ્રમાણે વાર્ષિક પત્રકના આંકડા બતાવવાના રહેશે અને હાલમાં નોટીફિકેશન નં. ૭૯ સેન્ટ્રલ ટેક્ષ તા. ૧૫-૧૦-૨૦ દ્વારા કઈ અજુગતું જ જાહેર કર્યું. જ્યારે નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧ના GSTR 3A માં કોઈ રકમ નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ની ભરાઈ હોય તો જ તે રકમને વાર્ષિક પત્રકના ભાગ V માં બતાવવાની થશે.

 હવે જો કોઈ રકમ ભરવાની રહી જ ગઈ હોય તો શું તેને વાર્ષિક પત્રકમાં બતાવવાની જ નહીં અને બાકી ભરણું કેવી રીતે બતાવવું તે બાબતે ચોખવટની જરૂર છે. દર વખતે પત્રકનો નમૂનો બદલવાથી વિગતો અને માહિતી એકત્રીત કરવામાં ખૂબ જ સમય અને વિવિધ આંકડાકીય ગણત્રીઓ સાચવવાની જથામણ થાય અને આ તમામ ગણત્રીઓ ખાતાના અધિકારી કેટલા અંશે સમજી શકશે તેની કોઈને ખબર નથી. દર વર્ષના વાર્ષિક પત્રકની અલગ સૂચના આવશે એટલે કે દરેક વર્ષની આકારણીમાં એકડે એક પાપડ શેક અને વેપારીની કફોડી હાલત થવાની. જે પ્રમાણે વાર્ષિક પત્રકની વિગત બદલાશે તેમ GSTR9C માં પણ રિકન્સિલિયેશન બદલવાના રહેશે.

અન્ય સુધારાઓ

૧. જેટલી નોટીસ-કાર્યવાહીની મુદત ૨૦ માર્ચ ૨૦ આવતી હોય તેવા તમામ માટે ૩૧ ઓક્ટોબર ૨૦ મુદત ગણાશે.

૨. શોકોઝ નોટિસની સાથે ઉપસ્થિત સંભવિત માંગણાની રકમ આપવી ફરજીયાત હતી. પરંતુ હવે આવી વિગત જે નમૂનો DRCO1 એમાં આપવી હવે મરજિયાત કરવામાં આવેલ છે. આ સુધારાથી શોકોઝનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને અમર્યાદિત સત્તા હેઠળ બેફામ શોકોઝ નોટિસનો નિવેડો આવે તેમાં કોઈ નવાઈ નહીં.

૩. સતત બે સમયના પત્રક ન ભરનાર ડિફોલ્ટરને ઈ-વે બીલ બનાવા સુવિધા મળશે નહીં અને આ જોગવાઈ ફેબુ્રઆરી ૨૦થી ઓગષ્ટ ૨૦ના સમય માટેના ફોર્મ ન ભરવા માટે ૨૦-૩-૨૦થી ૧૫-૧૦-૨૦ના સમયગાળામાં લાગુ પડશે નહીં.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35ShzKp
via Latest Gujarati News

Post a Comment

0 Comments