વ્યાજમાફી યોજનામાં પાક કે ટ્રેક્ટર લોન કવર નહિ થાય


- મોરેટોરિયમ પિરિયડમાં પણ હપ્તા ભરવાનું ચાલુ રાખનારાઓને પણ વ્યાજના વ્યાજ જેટલી રકમની રાહત તેમના ખાતામાં જમા આપવામાં આવશે

વેપાર ઉદ્યોગની માફક ખેડૂતોને પણ કોરોનાના કહેરની અસરને કારણે સરકાર તરફથી રાહત આપવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સરકારે રૂા. ૨ કરોડ સુધીનું ધિરાણ લેનારાઓને માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૦ના ગાળામાં હપ્તા ચૂકવવામાં રાહત આપી છે. છ હપ્તા ન ચૂકવનારાઓ પાસે વ્યાજનું વ્યાજ માગતા હોબાળો મચી ગયો છે. તેમાંય સરકારે રાહત આપવી પડી છે. આ રાહત આપી તે અંગે પણ આવનારા દિવસોમાં વિવાદ થાય તો નવાઈ પામવા જેવું નહિ હોય. જોકે સરકારે મુદ્દલ પર લાગતા વ્યાજ પરના વ્યાજમાં રાહત આપી તેમાં ખેડૂતો દ્વારા લેવામા્ં આવેલી પાક લોન કે પછી ટ્રેક્ટર લોનને આવરી લેવામાં આવી નથી. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓને આ રાહત યોજના હેઠળ આવરી લેવામાં ન આવી હોવાનું નાણાં મંત્રાલયે જાહેર કરી દીધું છે. રિઝર્વ બેન્કે ૨૭મી માર્ચે મોરેટોરિયમની જાહેરાત કરી હતી.

રૂા. ૨ કરોડની લોનના છ માસ સુધી હપ્તા ભરવામાં રાહત આપવામાં આવી તે પછી તેના વ્યાજ પર વ્યાજ ભરવાનું આવતા થયેલા વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં સરકારે જાહેર  કર્યું છે કે વ્યાજ પર વ્યાજ ચૂકવવાની જે વાત છે તેમાં ૨૯મી ફેબ્રુઆરીએ ક્રેડિટ કાર્ડના બાકી ચૂકવવાના નાણાંનું વ્યાજ લાગશે, પરંતુ તે વ્યાજ પર વ્યાજ ભરવું પડશે નહિ. તેના પર ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી કંપનીઓએ કાર્ડધારક સાથે વ્યાજના દર અંગે કરેલા કરાર પ્રમાણે વ્યાજ ચૂકવવું જ પડશે. વ્યાજ પરના વ્યાજની માફી યોજના ખાસ કરીને છ અલગ અલગ સેક્ટરને લાગુ કરવામાં આવેલી છે.

આ સેક્ટરમાં કૃષિ કે તેને સંલગ્ન એક્ટિવિટિઝનો સમાવેશ થતો નથી. તેથી કૃષિ ધિરાણ કે ટ્રેક્ટર લોનને માટે આ જોગવાઈ લાગુ પાડી શકાય જ નથી. આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા આઠ જુદાં જુદાં સેક્ટરમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો દ્વારા લેવામાં આવેલી લોન-એમએસએમઈ લોન, શિક્ષણ માટેની લોન, હાઉસિંગ લોન, કન્ઝયુમર ડયૂરેબલ્સ ખરીદવા માટે લીધેલી લોન, ક્રેડિક કાર્ડના બાકી રહેલા ચૂકવણા, ઓટોમોબાઈલ લોન-કાર કે અન્ય વાહન માટે લીધેલી લોન, પ્રોફેશનલ્સ દ્વારા લેવામાં આવેલી પર્સનલ લોન, કન્ઝમ્પશન લોન જેવા આઠ સેક્ટરની લોનને વ્યાજના વ્યાજની માફી યોજનામાં આવરી લેવાયેલી છે.

રૂા. ૨ કરોડ સુધીની લોનના બાકી હપ્તા પર વ્યાજનું વ્યાજ ન લેવામાં આવે અને દરેક ખાતેદારને પાંચમી નવેમ્બરથી તેનો લાભ મળતો થાય તેની તકેદારી રાખવા દેશની દરેક બેન્કોને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સૂચના આપી દીધી છે. મુદ્દલ પરના વ્યાજ અને વ્યાજની રકમ પર વ્યાજ વચ્ચેના ગાળાની રકમ સરકારે પોતે ચૂકવી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની સરકારે આ અગાઉ જ જાહેરાત કરી દીધી છે. ૨૯મી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં બેન્કના ચોપડે બાકી બોલતા નાણાં માટે જ આ યોજના લાગુ કરવામાં આવી છે. પહેલી માર્ચ ૨૦૨૦થી માંડીને ૨૧મી ઓગસ્ટ ૨૦૨૦ સુધીના ૧૮૪ દિવસના વ્યાજના વ્યાજની માફી આપવાનો નિર્ણય લેવામા્ં આવ્યો છે. આ રકમ લોન લેનારના ખાતામાં જમા કરી દેવામાં આવશે.

રૂા. ૨ કરોડ સુધીના લોન ધારકોને વ્યાજનું વ્યાજ માફ આપવાની આ યોજના હેઠળ ધિરાણ આપનારી સંસ્થાએ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેની રકમનો ગાળો લોન લેનાર ખાતેદારના ખાતામાં જમા કરી આપવાની રહેશે. ધિરાણ લેનારે તેના હપ્તા આંશિક રીતે ચૂકવ્યા છે, કે પૂર્ણપણે ચૂકવ્યા છે તેને ધ્યાનમાં લીધા વિના તેમણે આ રકમ જમા આપી દેવાની રહેશે. લોન લેનારાઓએ મોરેટોરિયમની સિસ્ટમનો પૂર્ણ કે આંશિક લાભ લીધો છે તેને ધ્યાનમાં લીધા વિના તેમણે લોન લેનારના ખાતામાં ઉપરોક્ત તફાવતની રકમ જમા કરાવવાની રહેશે. મોરેટોરિયમને ગણતરીમાં લીધા વિના પોતાના હપ્તા જમા કરાવવાનું ચાલુ રાખનારાઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો તેમને વ્યાજ પરના વ્યાજની રકમના ગાળાનો તફાવત તેમના ખાતામાં જમા મળશે.

આ યોજના પાછળ ભારત સરકારે કુલ મળીને રૂા. ૬૫૦૦ કરોડનો ખર્ચબોજ વેંઢારવો પડશે. સૌથી વધુ રોજગારી નિર્માણ કરતાં નાના અને મધ્યમ ઉદ્યોગોના હિતમાં સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ખેડૂતો આ મુદ્દે અમે રહી ગયા, અમે રહી ગયાની બૂમરાણ ન મચાવે તે પણ એટલું જ જરૂરી છે. સરકાર પોતાનાથી બનતું બધું જ કરી રહી છે. વેપાર હોય કે ઉદ્યોગ હોય દરેકને માત્ર ને માત્ર વધુને વધુ લાભ મેળવી લેવો છે. આ માનસિકતા પણ ઉચિત તો નથી જ નથી.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TKF1U8
via Latest Gujarati News

Post a Comment

0 Comments