કોરોનાની રસીની આશાએ વિશ્વ શેરબજારમાં તેજી જ તેજી


યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારના ફુત્સીમાં 335 પોઈન્ટ, જર્મનીના ડેક્ષમાં 732 પોઈન્ટ અને ફ્રાંસના કેક 40 ઈન્ડેક્સમાં 405 પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા

ઘરઆંગણે સોનાના ભાવોમાં રૂ.2000, ચાંદીમાં રૂ.3500નું ગાબડું :  ક્રૂડ ઓઈલમાં 9 થી 10 ટકા ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર

વિશ્વને હચમચાવનારા કોરોના વાઈરસ સામે ફાઈઝર ઈન્ક. અને બાયોએનટેક એસઈ દ્વારા શોધાયેલી વેક્સિન 90 ટકા સફળ હોવાના અને અત્યાર સુધીની આ સૌથી સફળ વેક્સીન નીવડવાના દાવા વચ્ચે આજે વૈશ્વિક શેર બજારોમાં તેજીના નવા વિક્રમો સર્જાયા હતા.

અમેરિકી શેર બજારોમાં સાંજે ખુલતા બજારે ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં 1610 પોઈન્ટનો તોતીંગ ઉછાળો આવી નવી 29933.83ની વિક્રમી ઊંચાઈ જોવાઈ હતી. આ સામે વૈશ્વિક સોનાના ભાવોમાં વિશ્વ બજારમાં 70 થી 75 ડોલરનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે ક્રૂડ ઓઈલના ભાવો વિશ્વ બજારમાં બેરલ દીઠ 9 થી 10 ડોલર ઉછળી આવ્યા હતા. 

વૈશ્વિક બજારોમાં એસ એન્ડ પી 500 અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ ઓલ ટાઈમ નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા. આ વેક્સિનની સફળતાના દાવાના સમાચારે વૈશ્વિક બજારોમાં ટ્રાવેલ શેરો અને સ્મોલ કે શેરોમાં તોફાની તેજી આવી હતી.

આ સાથે બોન્ડસના દરોમાં ગાબડાં પડયા હતા. ડાઉ જોન્સ ઈન્ડેક્સ આજે એક તબક્કે 1600 પોઈન્ટથી વધુ ઉછળી આવી 29933.83ની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયા બાદ મોડી સાંજે 1250 પોઈન્ટનો ઉછાળો બતાવતો હતો. જ્યારે નાસ્દાક ઈન્ડેક્સ 149 પોઈન્ટ ઉછળીને 12044ની સપાટીએ મૂકાતો હતો.

જ્યારે યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી 335 પોઈન્ટનો ઉછાળો, જર્મનીનો ડેક્ષ 732 પોઈન્ટનો ઉછાળો અને ફ્રાંસનો કેક 40 ઈન્ડેક્સ 405 પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા. એશીયાના દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 514 પોઈન્ટનો ઉછાળો અને હોંગકોંગનો હેંગસેંગ 303 પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા. 

દિવાળીના તહેવાર નજીક આવ્યા છે, ત્યારે કોરોના પ્રતિરોધક વેક્સિન પોઝિટીવ સંકેત આવતાં વિશ્વ બજારમાં આજે મોડી સાંજે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો હતો. જેના પગલે ઘર આંગણે પણ કિંમતી ધાતુઓના ભાવ મોડી સાંજે આંખના પલકારામાં નોંધપાત્ર ધબડકાએ ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.

જ્યારે  એક બાજુ વૈશ્વિક સ્તરે શેર બજારો ઉછળી રહ્યા હતા, ત્યારે સોનાના ભાવ ઔંસ દીઠ 70 થી 75 ડોલર ઝડપથી ગબડી 1900 ડોલરની સપાટી તોડી 1875 થી 1880 ડોલરની સપાટીએ ઊતરી ગયાના સમાચાર મળ્યા હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પણ ઔંસ દીઠ 25.62 ડોલરથી ગબડી 24.31 ડોલર મોડી સાંજે બોલાઈ રહ્યા હતા.

વિશ્વ બજાર ગબડતાં ઘર આંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી નીચી આવી છે. તેના પગલે દેશના ઝવેરી બજારોમાં મોડી સાંજે ભારે વેચવાલી નીકળતાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ.2000નો કડાકો બોલાઈ ગયો હોવાનું અને ચાંદીના ભાવમાં કિલો દીઠ રૂ.3500નો કડાકો બોલાઈ ગયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ જીએસટી વગર 10 ગ્રામના ગબડી 99.50ના રૂ.50,200 અને 99.90ના રૂ.50,350 બોલાઈ રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલો દીઠ તૂટીને રૂ.62,500 બોલાયા હતા. આ સાથે જીએસટી સાથેના ભાવ જો કે આ બન્ને કિંમતી ધાતુઓમાં આ ભાવથી ત્રણ ટકા ઊચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં વેક્સિનના સારા સમાચાર પાછળ કોમોડિટીઝ બજારોમાં જ્યારે સોનાના ભાવો ગબડી રહ્યા હતા, ત્યારે સામે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી 9 થ ી 10 ટકા ઉછળ્યાના સમાચાર મળ્યા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ વધી બેરલ દીઠ મોડી સાંજે 40.95 ડોલર અને બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી 43 ડોલરને આંબી ગયા હતા.

વેક્સિનના પગલે આગળ ઉપર વૈશ્વિક સ્તરે જો વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે તો વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલની માંગમાં નોંધપાત્ર વૃદ્વિ થવાની આશાએ વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલ ઉછળતાં ઘર આંગણે મોડી સાંજે ક્રૂડ ઓઈલના વાયદા બજારમાં તેજીની સર્કિટ અમલી બની હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eK0OVN
via Latest Gujarati News

Post a Comment

0 Comments