તેલંગણાના નિઝામાબાદમાં 185 ઉમેદવારે ફોર્મ ભરતા ઇવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન


મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવના પુત્રી કવિતા આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે 

(પીટીઆઇ) હૈદરાબાદ, તા.29 માર્ચ, 2019, શુક્રવાર

તેલંગણાના નિઝામાબાદમાં ૧૭૦ ખેડૂતો સહિત ૧૮૫ ઉમેદવારોએ ફોર્મ ભરતા ચૂંટણી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઇવીએમ)ને બદલે બેલેટ પેપરથી કરવામાં આવશે. આ બેઠક પર તેલંગણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવના પુત્રી કે કવિતા ચૂંટણી લડી રહ્યાં છે. 

૧૮૫ ઉમેદવારો માટે બેલેટ યુનિટની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોવાથી ચૂંટણી પંચે બેલેટ પેપરથી ચૂંટણી આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ રાજ્યના સત્તાધારી પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિની નિષ્ફળ નીતિઓનો વિરોધ  કરવા માટે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. 

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે હળદર અને લાલ જુવારના ટેકાના ભાવ સુનિશ્ચિત કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ખેડૂતો હળદર બોર્ડની રચના કરવાની પણ માગ કરી રહ્યાં છે. 

ગુરૃવારે ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખ હતી. છેલ્લી તારીખ પસાર થઇ ગયા પછી તેલંગણામાં કુલ ૪૪૩ ઉમેદવાો મેદાનમાં છે જે પૈકી સૌથી વધુ ૧૮૫ ઉમેદવારો નિઝામાબાદમાં છે. 

તેલંગણાના મુખ્ય ચૂંટણી અધિકારી રજતકુમારે જણાવ્યું હતું કે નિઝામાબાદમાં ૧૮૫ કાયદેસરના ઉમેદવાર હોવાથી અહીં ઇવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવશે. 

૧૭ લોકસભા બેઠકો ધરાવતા તેલંગણામાં ૧૧ એપ્રિલે ચૂંટણી થવાની છે. આ અગાઉ રજતકુમારે જણાવ્યું હતું કે નિઝામાબાદમાં ઉમેદવારોની સંખ્યા ૬૪થી વધારે હોવાથી ચૂંટણી ઇવીએમને બદલે બેલેટ પેપરથી કરવામાં આવશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YztWqk
via Latest Gujarati News

Post a Comment

0 Comments