
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.29 માર્ચ, 2019, શુક્રવાર
કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરોને 'મેં ભી ચોકીદાર' લખેલા કપમાં ચા વેચવામાં આવી હતી. એક મુસાફરે આ અંગે ફરિયાદ કરતા રેલવેએ તે કપ પાછા ખેંચાવ્યા હતા અને સેવા આપનાર ઠેકેદારને આચાર સંહિતાના ભંગ બદલ એક લાખ રુપિયાનો દંડ કર્યો હતો.
શતાબ્દી એક્સપ્રેસમાં 'મેં ભી ચોકીદાર' લખેલા કપમાં ચા વેચવામાં આવતા ફરી એક વખત રેલવે પર આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો હતો જો કે બાદમાં રેલવેએ પોતાની મંજૂરી વગર આ કપનો ઉપયોગ થયો હોવાનું જાહેર કર્યું હતું. કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ પોતાને જે કપમાં ચા આપવામાં આવી તેના પર 'મેં ભી ચોકીદાર'નું વિજ્ઞાાપન હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ સમાચાર ટ્વિટર પર વાયરલ થતા રેલવેએ તે કપ પાછા ખેંચાવી લીધા હતા અને ઠેકેદારને દંડ કર્યો હતો. રેલવેેના પ્રવક્તાએ જણાવ્યા મુજબ આઈઆરસીટીસીની પૂર્વ મંજૂરી વગર જ કપ માટે વિજ્ઞાાપન લેવામાં આવ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશન નામના એક એનજીઓએ કપ માટે વિજ્ઞાાપન આપ્યા હતા.
રેલવેએ ડયુટી પ્રભારીઓ પાસેથી આ લાપરવાહી અંગે જવાબ માંગ્યો છે જ્યારે સેવા આપનાર ઠેકેદારને એક લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે અને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ રેલવે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોવાળી ટિકિટો આપવાનો આરોપ લાગ્યો હતો જેને રેલવેએ અજાણતા થયેલી ભૂલ ગણાવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TFO5aA
via Latest Gujarati News
0 Comments