
નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2019, શનિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ મૈ ભી ચોકીદાર કેમ્પેઇન ચલાવી રહ્યા છે જ્યારે બીજી તરફ ચોકીદાર મુદ્દે જ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ઘેર્યા છે. રાહુલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી માત્ર અનિલ અંબાણીના ચોકીદાર છે અને પોતાના આ માનિતા ઉધ્યોગપતિને કરોડો રુપિયાની લહાણી માટે જ રફાલ સોદામાં મોટુ કૌભાંડ આચર્યું છે.
નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં મિત્રો શબ્દનો ઉપયોગ કરતા હતા, જેને ટાંકીને રાહુલે જણાવ્યું હતું કે મોદી અન્યોને મિત્રો કહે છે જ્યારે મેહુલ ચોક્સી, નિરવ મોદી, અનિલ અંબાણીને ભાઇ કહે છે. મોદીએ મિત્રોના પૈસા આ ભાઇઓને આપી દીધા છે. બિહારના પૂર્ણિયામાં રેલીને સંબોધતી વેળાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી પહેલા કહેતા હતા કે મને વડા પ્રધાન બનાવો અને હવે કહે છે કે અમે બધા ચોકીદાર છીએ.
રાહુલે સવાલ કર્યો હતો કે ચોકીદાર ગરીબોને ત્યાં હોય કે અમિરોને ત્યાં? મોદી ચોકીદાર છે પણ ગરીબોના નહીં પણ અનિલ અંબાણીના છે. રાહુલે જણાવ્યું હતું કે તમે કેવા લોકોના ઘરોની બહાર ચોકીદાર જોયા છે? શું કોઇ ગરીબ કે આમ આદમીના ઘરની બહાર ચોકીદાર હોય છે? આ આમ આદમી પોતાના ઘર અને સ્થળની સુરક્ષા જાતે જ કરી શકે છે.
મોદીએ દરેક ગરીબના ખાતામાં ૧૫ લાખ જમા કરાવવાનું વચન આપ્યું હતું, સાથે પાંચ વર્ષમાં બે કરોડ નોકરીના વાયદા પણ કર્યા હતા. ખેડૂતોના દેવા માફીનું પણ વચન મોદીએ આપ્યું હતું. શું મોદીએ ક્યારેય પણ આમ જનતાને એ કહ્યું કે કેમ આ વચનો તેમણે પુરા નથી કર્યા? યુવાઓ, ખેડૂતો અને આમ નાગરીકો માટે મોદીએ કઇ કર્યું છે? છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં કઇ જ નથી થયું, આજે ચોકીદાર ચેર હૈ સૌથી પ્રખ્યાત સુત્ર બની ગયું છે અને મોદીના સુત્ર અચ્છે દિન આને વાલે હૈની જગ્યા આ ચોકીદાર ચોર હૈ સુત્રએ લઇ લીધી છે.
યેદિયુરપ્પાએ ભાજપના નેતાઓેને પૈસા આપ્યા હોવાના દાવા થઇ રહ્યા છે તેને ટાંકીને રાહુલે જણાવ્યું હતું કે ભાજપના બધા જ નેતાઓ મોદી, રાજનાથ, જેટલી ચોર છે. કોંગ્રેસે પણ માગણી કરી હતી કે યેદિયુરપ્પાએ જે ખુલાસા કર્યા છે તેની લોકપાલ દ્વારા તપાસ થવી જોઇએ. અમે પણ ૨૦૧૭માં યેદિયુરપ્પા અને અનંતકુમાર વચ્ચેની વાતચીતનો ઓડિયો જાહેર કર્યો હતો તેવો દાવો કોંગ્રેસે કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HE21QP
via Latest Gujarati News
0 Comments