ગુરૂગ્રામમાં ક્રિકેટ રમવા મુદ્દે તકરાર: મુસ્લિમ પરિવારને દબંગોએ ઘરમાં ઘૂસીને માર્યા


નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2019, શનિવાર

હરિયાણાના ગુરુગ્રામમાં હોળીના દિવસે એક ખૂબ જ શરમજનક ઘટના બની હતી. ક્રિકેટ રમવાના કારણે શરુ થયેલી એક મામૂલી તકરારે બહું મોટું સ્વરુપ ધારણ કર્યું હતું અને દબંગોએ મુસ્લીમ પરિવાર પર હુમલો કરીને મહિલાઓને પણ માર માર્યો હતો. 

હોળીના તહેવાર વખતે દક્ષિણ ગુરુગ્રામના ભોંડસી ભૂપસિંહ નગર વિસ્તારમાં એક મામૂલી વિવાદને લઈને મુસ્લીમ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી મોહમ્મદ દિલશાદે જણાવ્યા મુજબ હોળીના દિવસે તેમના ઘરની સામે આવેલા ખાલી પ્લોટમાં તેમના ભાઈ અને પરિવારના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા.

તે સમયે થોડા યુવકો મોટરસાઈકલ પર ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમને ક્રિકેટ રમતા રોક્યા હતા જેથી બંને પક્ષે બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારબાદ બાઈક પર આવેલા યુવાનોએ પોતાના ૧૦-૧૫ જેટલા સાથીઓને પણ ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા. 

યુવકોએ ક્રિકેટ રમતા લોકો પર લાકડી, હોકી સ્ટીક અને પાઈપ વડે હુમલો કર્યો હતો જેથી તેઓ દોડીને ઘરમાં ભાગ્યા હતા. જો કે હુમલાખોરો ઘરમાં પણ ઘૂંસી આવ્યા હતા અને બારી-બારણા વગેરેની તોડફોડ કરીને ઘરની મહિલાઓ સહિત ૧૦-૧૨ લોકોને માર માર્યો હતો.

ફરિયાદમાં બોલાચાલી થઈ તે યુવકો નશાની હાલતમાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ઘરમાંથી ૨૫,૦૦૦ રુપિયા લૂંટયા હોવાનું પણ જણાવાયું છે. તેમણે ઘરના લોકોને કથિતરુપે પાકિસ્તાન જતા રહેવાની પણ ધમકી આપી હતી. 

સામા પક્ષે હુમલાખોરોએ તેમના પર પથ્થરમારો કરાયો હોવાનું જણાવ્યું છે અને તે પૈકીના અમુક દવાખાનામાં દાખલ થઈ ગયા છે. મુસ્લીમ પરિવારે મદદ માટે અનેક વખત પોલીસને ફોન કર્યો હોવા છતા તરત મદદ ન મળી હોવાની ફરિયાદ કરી છે.

આ ઘટના અંગે પણ રાજકારણ શરુ થઈ ગયું છે અને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ અશોક તંવરે ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા છે. જ્યારે કેજરીવાલે મોદીને નિશાના પર લઈને તેમની સરખામણી હિટલર સાથે કરતા લખ્યું છે કે, હિટલર પણ સત્તા માટે આવું જ કરતો હતો. હિટલરના ગુંડાઓ લોકોને મારતા અને પોલીસ પીડિત વિરુદ્ધ જ કેસ નોંધતી હતી. મોદી પણ સત્તા માટે હિટલરના રસ્તે ચાલી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CCI5tw
via Latest Gujarati News

Post a Comment

0 Comments