મસૂદને બચાવીએ છીએ એનો અર્થ એમ નથી કે આતંકવાદને સમર્થન આપીએ છીએ!: ચીન


(પીટીઆઈ) બેઈજિંગ, તા.29 માર્ચ, 2019, શુક્રવાર

યુએન દ્વારા મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવનો ચીને વિરોધ કર્યો તે પછી અમેરિકાએ ચીનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ચીન સતત આતંકવાદને સમર્થન આપે છે. તે પછી ચીને જવાબમાં કહ્યું હતું કે મસૂદને બચાવીએ છીએ એનો અર્થ એમ નથી કે અમે આતંકવાદને સમર્થન કરીએ છીએ.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગેંગ શુઆંગે અમેરિકાનું નામ લીધા વગર કહ્યું હતું કે ચીન ઉપર એવો આરોપ છે કે મસૂદ અઝહરને બચાવીએ છીએ તેનો અર્થ એવો થયો કે ચીન આતંકવાદને સમર્થન આપે છે. પરંતુ હકીકત એ છે કે પ્રતિબંધના પ્રસ્તાવ ઉપર ટેકનિકલ હોલ્ટ મૂકવાથી કોઈ દેશ આતંકવાદનો સમર્થન હોવાનું કેવી રીતે કહી શકાય? એવી વિચિત્ર દલીલ કરીને ચીને મસૂદ ઉપર હોલ્ટ મૂક્યો તેનો બચાવ કર્યો હતો.

અમેરિકાએ ફરી વખત યુએનમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો નવો પ્રસ્તાવ મૂક્યો છે. તે પછી અમેરિકાએ કહ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદને બચાવીને ચીન ખરેખર તો આતંકવાદને સમર્થન આપે છે. ચીન એકતરફ કહે છે કે તે હંમેશા આતંકવાદ વિરૃદ્દની લડાઈમાં  સમગ્ર વિશ્વની સાથે છે, પરંતુ જ્યારે આતંકવાદી સંગઠનના વડા ઉપર પ્રતિબંધની વાત આવે છે ત્યારે ચીન વિટો વાપરીને તેને બચાવી લે છે.

તે મુદ્દે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું હતું કે શું ખરેખર ચીન આતંકવાદને સમર્થન આપે છે? જવાબમાં ચીની પ્રવક્તાએ કહ્યું હતું : 'જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક મસૂદ આતંકવાદી છે એમ કહીને યુએનની સિક્યુરિટી કાઉન્સિલ તેના ઉપર પ્રતિબંધ મૂકવા ઈચ્છે છે અને ચીન જ્યાં સુધી તેનો બરાબર સ્ટડી નહીં કરે અને જ્યાં સુધી તેની સામે સંતોષકારક પુરાવા નહીં મળે ત્યાં સુધી કોઈ જ નિર્ણય ઉપર નહીં આવે. તે માટે ચીને એ પ્રતિબંધના પ્રસ્તાવને ટેકનિકલ હોલ્ટ ઉપર મૂક્યો છે. શું કોઈ પ્રતિબંધના પ્રસ્તાવ ઉપર ટેકનિકલ હોલ્ટ રાખવાથી કોઈ દેશ આતંકવાદનો સમર્થક ગણાય જાય?'



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UjB4I0
via Latest Gujarati News

Post a Comment

0 Comments