પાક. હજુ આતંકીઓની લાશો ગણવામાં વ્યસ્ત છે અને વિપક્ષો મારી પાસે પુરાવા માગે છે : મોદી


કોરાપુટ/મહેબૂબનગર, તા.29 માર્ચ, 2019, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં ચૂંટણીપ્રચાર કર્યો હતો. મોદીએ વિપક્ષોને નિશાન બનાવીને કહ્યું હતું કે એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન લાશો ગણવામાં વ્યસ્ત છે, પરંતુ વિપક્ષો મારી પાસે પુરાવા માગી રહ્યા છે. મોદીએ મતદારોને ન્યૂ ઈન્ડિયા માટે મત આપવાની અપીલ કરી હતી.

ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં અલગ અલગ સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત હવે અવકાશમાં પણ ચોકીદારી કરવા સક્ષમ બની ગયું છે. જે કામ ભારતમાં દશકાઓથી નહોતું થયું તે તેમની સરકારે પાંચ વર્ષમાં કરી દેખાડયું છે.

મોદીએ મતદારોને કહ્યું હતું કે મેં તમારી સેવામાં કોઈ જ કસર છોડી નથી. રસ્તા અને રેલવેની સુવિધા વધુ બહેતર બની છે અને નવા ભારતનું નિર્માણ થયું છે એવો દાવો કરીને તેમણે કહ્યું હતું કે ન્યૂ ઈન્ડિયા માટે મને મત આપો.

એર સ્ટાઈક મુદ્દે વિપક્ષો ઉપર નિશાન સાધતા મોદીએ કહ્યું કે સપૂતોને બદલે કોંગ્રેસ સબૂતોમાં વધુ રસ ધરાવે છે. પાકિસ્તાન હજુ ય લાશો ગણવામાં વ્યસ્ત છે અને બીજી તરફ વિપક્ષો પુરાવા માગી રહ્યા છે. મોદીએ મતદારોને સવાલ પૂછયા હતા કે શું તમે એવી સરકાર ઈચ્છો છો કે માથું નમાવીને બેસી રહે? કે પછી એવી સરકાર કે જે દુશ્મનના ઘરમાં ઘૂસીને વાર કરી શકે?

લોકસભાની સાથે સાથે જ્યાં વિધાનસભાની પણ ચૂંટણી થવાની છે એવા રાજ્ય ઓડિશામાં વડાપ્રધાને અંતરિક્ષની સિદ્ધિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે હવે ભારત અવકાશમાં પણ ચોકીદારી કરવા સક્ષમ બની ગયું છે.

વિપક્ષોને આ સફળતા બહુ નાની લાગે છે, પરંતુ આખા વિશ્વએ ભારતની પ્રશંસા કરી છે. મોદીએ કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે વિજ્ઞાાનીઓ ને સૈનિકના જવાનો ઉપર શંકા કરનારી પાર્ટીએ ૬૦ વર્ષમાં દેશને ગરીબી સિવાય કંઈ જ આપ્યું નથી.

તેલંગણામાં મોદીએ તેમની સરકારની યોજનાઓની ઉપલબ્ધિઓ ગણાવીને કહ્યું હતું કે દેશમાં ૪૦ લાખ ઘરોમાં ગેસ પહોંચાડયો છે, આઠ લાખ પરિવારોને ઘર આપ્યું છે અને ૨૪ લાખ ઘરને વીજળીનું જોડાણ આપ્યું છે. મોદીએ કહ્યું કે મેં હંમેશા તમારી સેવા કરી છે ને હજુ ય એવી જ સેવા કરવા તત્પર છું.

બીજી તરફ તેલંગણામાં મોદીએ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવને નિશાન બનાવતા કહ્યું કે ચંદ્રશેખર રાવ એટલા માટે મંત્રીમંડળનું વિસ્તરણ નથી કરતા કારણ કે કોઈ જ્યોતિષીએ તેમની લોકસભામાં હાર થશે એવું અત્યારથી જ કહી દીધું છે. ચંદ્રશેખર જ્યોતિષીઓમાં ભારે વિશ્વાસ કરે છે એટલે પ્રજાહિતના કામો અટવાઈ પડે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TL99MB
via Latest Gujarati News

Post a Comment

0 Comments