મમતા બેનર્જીએ પાર્ટીના નામમાંથી 'કોંગ્રેસ' હટાવ્યું, 'તૃણમૂલ'નો નવો લોગો જાહેર


નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2019, શનિવાર

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(INC)માંથી અધિકૃત રીતે અલગ થયાના ૨૧ વર્ષ બાદ મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીએ પોતાના લોગોમાંથી કોંગ્રેસનું નામ દૂર કરી દીધું છે. આ સાથે જ પાર્ટીનો નવો લોગો જાહેર કરવામાં આવ્યો છે જેમાં લીલા રંગથી 'તૃણમૂલ' લખેલું છે. 

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની પાર્ટી અંગે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે પાર્ટીના નામ તૃણમૂલ કોંગ્રેસમાંથી 'કોંગ્રેસ'ને દૂર કરી દીધું છે.

૧૯૯૮માં કોંગ્રેસથી અલગ થઈને પોતાની નવી પાર્ટી બનાવનારા મમતા બેનર્જીએ ફરી એકવાર કોંગ્રેસ સાથેના સંબંધો પર કાતર ફેરવી છે. આશરે ૨૧ વર્ષ બાદ મમતાની પાર્ટીએ તેમના પક્ષના લોગો 'તૃણમૂલ કોંગ્રેસ'માંથી 'કોંગ્રેસ' શબ્દને દૂર કર્યો છે. 

મમતાની પાર્ટીએ પોતાનો નવો લોગો જાહેર કર્યો છે જેમાં પાર્ટીનું નામ ફક્ત 'તૃણમૂલ' જ જોવા મળે છે. પાર્ટીના નવા લોગોમાં આસમાની બેકગ્રાઉન્ડમાં લીલા કલરથી તૃણમૂલ લખેલું છે જેના ઉપર બે ફૂલ બનેલા છે.

પાર્ટીના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આગામી એક સપ્તાહ સુધી આ નવા લોગોનો પ્રયોગ કરવામાં આવશે. પાર્ટીના એક નેતાએ જણાવ્યા મુજબ સમય બદલાઈ રહ્યો છે અને ૨૧ વર્ષ બાદ પાર્ટી પોતાના નવા નામ સાથે આવી રહી છે. 

પાર્ટીએ પોતાના તમામ પોસ્ટર, બેનર અને સંચાર સામગ્રીઓમાંથી કોંગ્રેસનું નામ હટાવી લીધું છે. રાજ્યના મુખ્યમંત્રી, તેમના ભત્રીજા અભિષેક બેનર્જી અને તૃણમૂલ નેતા ડેરેક ઓ બ્રાયને પોતાના સોશિયલ મીડિયા પેજ પર નવો લોગો રાખી દીધો છે અને પક્ષના અધિકૃત ફેસબુક અને ટ્વિટર પેજ પર પણ નવો લોગો રાખી દેવામાં આવ્યો છે. જોકે હાલમાં ચૂંટણી પંચ ખાતે પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નામથી જ રજિસ્ટર રહેશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uas6fW
via Latest Gujarati News

Post a Comment

0 Comments