અખિલેશ યાદવે ભાજપના IT સેલને 'ઈન્ટરનેટ ટેરરિસ્ટ સેલ' ગણાવ્યું


નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2019, શનિવાર

સપા પ્રમુખ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી જુઠાણું ફેલાવવામાં માહેર છે તેવો આરોપ લગાવ્યો છે. અખિલેશે જણાવ્યા મુજબ ભાજપનું આઈટી સેલ હકીકતે ઈન્ટરનેટ ટેરરિસ્ટ સેલ છે અને તે જુઠાણું ફેલાવવાનું કામ કરે છે માટે તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. 

મહાન સમાજવાદી નેતા અને સ્વતંત્રતા સેનાની રામ મનોહર લોહિયાની જયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, 'અમને એ દિવસો યાદ છે જ્યારે લોહિયા અને આંબેડકર દેશને નવી દિશા આપવા માંગતા હતા. મુલાયમ સિંહ યાદવ અને કાશીરામ પણ એ જ રસ્તે ચાલ્યા હતા અને હવે હું અને માયાવતી તે રસ્તે છીએ.' તેમણે વડાપ્રધાન મોદીએ લોહિયા વિશે લખેલા બ્લોગની ટીકા કરી હતી અને મોદીએ સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા માટે કશું ન કર્યું હોવાથી ભાજપ રાષ્ટ્રવાદ અંગેનું પ્રમાણપત્ર કોઈને ન આપી શકે તેમ જણાવ્યું. 

સપા પ્રમુખ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટી જુઠાણું ફેલાવવામાં માહેર છે. ભાજપનું આઈટી સેલ હકીકતે ઈન્ટરનેટ ટેરરિસ્ટ સેલ છે અને તે જુઠાણું ફેલાવવાનું કામ કરે છે માટે તેના વિરુદ્ધ પગલાં લેવાવા જોઈએ. વધુમાં ભાજપ જાતિગત આધાર પર સમાજમાં ધૃણા ફેલાવવાનું કામ કરે છે તેવો આરોપ લગાવીને લોકો ભાજપને જવાબ આપવા તૈયાર હોવાનું કહ્યું. તેમણે પુલવામા હુમલામાં ગુપ્ત સ્તરે થયેલી ચુક અંગે સરકારે કોઈ જવાબ ન આપ્યો હોવાની ફરિયાદ પણ કરી હતી. 

મોદી પોતાને દેશના ચોકીદાર ગણાવી રહ્યા છે તેના પર કટાક્ષ કરતા અખિલેશે કહ્યું કે પહેલા આપણા પાસે એક ચાવાળો હતો હવે ચોકીદાર છે માટે ચાવાળાનું પદ ખાલી પડયું છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે છેલ્લા બે વર્ષમાં કોઈ કામ નથી કર્યું. સાથે જ તેમણે યોગીજીને વધુ કાર્યક્રમો યોજીને લોકોને હનુમાનજીની જાતિ અંગે જણાવવા અને આર્થિક સંકટ દૂર કરવા હનુમાન ચાલિસાનો પાઠ કરવાની સલાહ આપવા જણાવ્યું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JDCKIe
via Latest Gujarati News

Post a Comment

0 Comments