ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન વિકાસ દર ઘટીને 0.1 ટકા : 20 મહિનાની નીચી સપાટી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર

ફેબ્રુઆરીમાં મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ઉત્પાદન ઘટતા ઓદ્યોગિક ઉત્પાદનના વિકાસનો દર ઘટીને ૦.૧ ટકા રહ્યો છે. જે ૨૦ મહિનાની નિમ્ન સપાટી છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન(આઇઆઇપી)ને આધારે ગણવામાં આવતા ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર ફેબ્રુઆરી, ૨૦૧૮માં ૬.૯ ટકા હતો.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ) દ્વારા આજે ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. એપ્રિલ, ૨૦૧૮થી ફેબ્રુઆરી, ૨૦૧૯ સુધીમાં સરેરાશ ઔદ્યોગિક ઉત્પાદન ચાર ટકા રહ્યું છે. જે અગાઉના નાણાકીય વર્ષના ૪.૩ ટકા કરતા ઓછું છે. 

આ અગાઉ જૂન, ૨૦૧૭માં ફેબ્રુઆરી, ૨૦૧૯ કરતા ઓછો વિકાસ દર રહ્યો હતો. 

આઇઆઇપીમાં ૭૭.૬૩ ટકા ભારાંક ધરાવતા મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસ ફેબ્રુઆરી મહિનામાં ૦.૩ ટકા રહ્યો હતો. જે ગયા વર્ષે સમાન ગાળામાં ૮.૪ ટકા હતો. કેપિટલ ગુડ્ઝ સેક્ટરના ઉત્પાદનનો વિકાસ દર પણ ઘટીને ૮.૮ ટકા રહ્યો છે. 

બીજી તરફ રિટેલ ફુગાવા ક્ષેત્રે પણ સરકારને નિષ્ફળતા સાંપડી છે. માર્ચમાં રિટેલ ફુગાવો વધીને ૨.૮૬ ટકા થયો છે. ફેબ્રુઆરી, ૨૦૧૯માં રિટેલ ફુગાવો ૨.૫૭ ટકા હતો. જ્યારે માર્ચ, ૨૦૧૮માં રિટેલ ફુગાવો ૪.૨૮ ટકા હતો. 

જો કે એક બાબત નોંધનીય છે કે છેલ્લા આઠ મહિનાથી રિટેલ ફુગાવો ચાર ટકાથી ઓછો રહ્યો છે. માર્ચ મહિનામાં ફળોના ભાવમાં ૫.૮૮ ટકા અને શાકભાજીના ભાવમાં ૪.૯૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UdTTIH
via Latest Gujarati News

Post a Comment

0 Comments