
નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
ભારતીય બેંકોના ૯ હજાર કરોડ રૃપિયા લઇને ફરાર દારૃના ઉદ્યોગપતિ વિજય માલ્યાએ પોતાના પ્રત્યાર્પણની વિરુદ્ધ અપીલ કરવા અંગે ફરીથી અરજી કરી છે. માલ્યાએ યુકે હાઇકોર્ટમાં રિન્યુઅલ અરજી દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ૬૩ વર્ષીય કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડા માલ્યાએ પ્રત્યાર્પણના આદેશની વિરુદ્ધ અપીલ દાખલ કરવા માટેની મંજૂરી મેળવવા માટેની પ્રથમ અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
અરજી ફગાવવામાં આવ્યા પછી માલ્યને રિન્યુઅલ અરજી દાખલ કરવા માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
કોર્ટના અધિકારીએ જણાવ્યું છે કે માલ્યા તરફથી રિન્યુઅલ અરજી મળી છે અને ટૂંક સમયમાં તેના પર સુનાવણી કરવામાં આવશે. બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવીદે માલ્યાના પ્રત્યાર્પણના કોર્ટના આદેશ પર ફેબુ્રઆરીમાં હસ્તાક્ષર કર્યા હતાં.
૯૦૦૦ કરોડ રૃપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા વિજય માલ્યાને ભારતમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ અગાઉ આઠ એપ્રિલે ન્યાયમૂર્તિ વિલિયમ ડેવિસે પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ અપીલ કરવાની માલ્યાની પ્રથમ અરજી ફગાવી દીધી હતી. વિજય માલ્યાને રિન્યુઅલ અરજી માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
આ અગાઉ એસબીઆઇના વકીલે લંડનની કોર્ટમાં જણાવ્યું હતું કે માલ્યાના વકીલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તેમનો અસીલ પોેતાના મહિનાનો ખર્ચ ઘટાડી ૨૯,૫૦૦ પાઉન્ડ એટલે કે ૨૬ લાખ રૃપિયા કરવા તૈયાર છે.
હાલમાં માલ્યા દર સપ્તાહે ૧૮,૩૦૦ પાઉન્ડ એટલે કે ૧૬ લાખ રૃપિયા ખર્ચ કરે છે.
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના બ્રિટનની આઇસીઆઇસીઆઇ બેંકના ખાતામાં જમા ૨,૬૦,૦૦૦ પાઉન્ડ પર એસબીઆઇ સહિતની ભારતીય બેંકોની નજર છે કે જેમણે વિજય માલ્યાની કંપનીઓને લોન આપી હતી. ઉલ્લેખનીય છે કે માલ્યા આ લોનની રકમ ભરપાઇ કર્યા વગર જ બ્રિટન ભાગી ગયા હતાં.
એસબીઆઇના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે માલ્યા હાલમાં ઠાઠથી જીવન પસાર કરી રહ્યો છે. તે કોઇ આર્થિક કટોકટી કે મુશ્કેલ સમયથી પસાર થઇ રહ્યો નથી. તેની સ્થિતિ એવી નથી કે તે રસ્તા પર આવી ગયો છે. માલ્યા પાસે આવકના અનેક સ્ત્રોેત છે. કિંગફિશર બીયર યુરોપ લિમિટેડથી તેને દર મહિને ૭૫૦૦ પાઉન્ડની આવક થાય છે. પરિવારની સંપત્તિમાંથી પણ તેને નિયમિત આવક થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GdInbj
via Latest Gujarati News
0 Comments