PM મોદીની બાયોપિક રીલિઝ અંગે ECના નિર્ણયને પડકારતી અરજીની 15 એપ્રિલે સુનાવણી


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર

ચૂંટણી પંચે વડાપ્રધાન નરન્દ્ર મોદીના જીવન પરથી બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ની રીલિઝ પર રોક લગાવવાનો આદેશ આપેલો છે. ચૂંટણી પંચના આ આદેશને બાયોપિકના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને આગામી ૧૫ એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી હાથ ધરશે. 

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યા મુજબ સોમવારે બાયોપિકના નિર્માતાઓએ દાખલ કરાવેલી અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે. 

ચૂંટણી પંચે ફિલ્મ રીલિઝના એક દિવસ પહેલા બુધવારે એટલે કે ૧૦મી એપ્રિલે આ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ રાજકીય હસ્તિ કે વ્યક્તિના ઉદ્દેશ્યોની પૂર્તિ કરે તેવી ફિલ્મોને ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં ન દર્શાવી શકાય તેમ કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કોંગ્રેસી કાર્યકર્તાની અરજી કે જેમાં મોદીની બાયોપિકના પ્રદર્શન પર રોક લગાવવા માંગ કરાઈ હતી તેની સુનાવણી દરમિયાન આ મામલે નિર્ણય લેવા માટે ચૂંટણી પંચ યોગ્ય મંચ હોવાનું કહ્યું હતું.

વડાપ્રધાન મોદીની બાયોપિક અગાઉ પાંચ એપ્રિલના રોજ દેશભરમાં રીલિઝ થવાની હતી પરંતુ ફિલ્મ રીલિઝ મામલે વિવાદ સર્જાતા નિર્માતાઓએ લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીની સાથે જ ૧૧મી એપ્રિલે ફિલ્મ રીલિઝ કરવા નિર્ણય લીધો હતો.

જો કે આ ફિલ્મને હજુ સુધી સેન્સર બોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપવામાં નથી આવેલું તથા જ્યાં સુધી સેન્સરની પ્રક્રિયા પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી આ ફિલ્મને મોટા પડદા પર રીલિઝ ન કરી શકાય. અભિનેતા વિવેક ઓબેરોયને મોદીની ભૂમિકામાં દર્શાવતી આ ફિલ્મમાં બોમન ઈરાની, દર્શન કુમાર, વહીદા રહેમાન, મનોજ જોશી અને બરખા બિષ્ટ-સેનગુપ્તાએ પણ અભિનય કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G8RTfH
via Latest Gujarati News

Post a Comment

0 Comments