
થોડા દિવસ પહેલાં યુએઈએ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હતું
ગયા મહિને દક્ષિણ કોરિયાએ સીઓલ શાંતિ પુરસ્કાર આપ્યો હતો, યુએનના ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડથી સન્માન થયું હતું
નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનીત કર્યા છે. બંને દેશોના સંબંધો મજબૂત બનાવવા બદલ પુતિને મોદીને રશિયાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ સેન્ટ એન્ડ્રુ આપવાની જાહેરાત કરી હતી.
રશિયામાં નાગરિકોને અપાતો સેન્ટ એન્ડ્રુ એવોર્ડ સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ વર્ષે રશિયન પ્રમુખ પુતિને એ એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવાની જાહેરાત કરી છે. રશિયન પ્રમુખ પુતિનના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાંથી આ માહિતી આપવામાં આવી હતી.
તે પછી નરેન્દ્ર મોદીએ રીટ્વીટ કરીને પુતિન અને રશિયન નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે આ ગૌરવપૂર્ણ સન્માન માટે રશિયાનો આભાર અને બંને દેશોની ભાગીદારી સતત વધે એવા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા.
રશિયન પ્રમુખે કહ્યું હતું કે ભારત-રશિયાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસો કરવા બદલ મોદીને આ એવોર્ડ અપાશે.
રશિયાનો આ એવોર્ડ મેળવનારા મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે. રશિયાએ આ અગાઉ ચીની પ્રમુખ જિનપિંગને આ એવોર્ડથી સન્માનીત કર્યા હતા.
છેલ્લાં છ માસમાં મોદીના નામે આ ચોથું આંતરરાષ્ટ્રીય સન્માન નોંધાયું છે. અગાઉ થોડા દિવસ પહેલાં યુએઈએ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન જાયદ આપ્યું હતું. તો ગયા મહિને મોદીની દક્ષિણ કોરિયાની મુલાકાત વખતે દક્ષિણ કોરિયાએ સીઓલ શાંતિ પુરસ્કારથી મોદીને નવાજ્યા હતા. થોડા મહિનાઓ પહેલાં સંયુક્ત રાષ્ટ્રસંઘે ફ્રાન્સના પ્રમુખ અને વડાપ્રધાન મોદીને સંયુક્ત રીતે ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ આપ્યો હતો. યુએને બંને નેતાઓની પર્યાવરણલક્ષી જાગૃતિને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર આપ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UyrcLA
via Latest Gujarati News
0 Comments