
રાહુલ ગાંધી તેમની પરંપરાગત બેઠક અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે. ભારતમાં બબ્બે બેઠક પરથી ચૂંટણી લડવાના ઉદાહરણો અનેક છે. દેવી લાલ તો એક વખત ચાર બેઠક પરથી લડયા હતા અને ચારેય હારી ગયા હતા!
અમેઠી કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. રાહુલ ગાંધી ત્યાંથી ચૂંટાતા આવ્યા છે. આ વખતે તેમણે દક્ષિણ ભારત તરફ ધ્યાન આપ્યું છે. અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની બેઠક વાયનાડ પણ તેમણે ચૂંટણી લડવા પસંદ કરી છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસી એમ બે બેઠક પરથી ચૂંટણી લડયા હતા, બન્ને પર જંગી માર્જિનથી જિત્યા હતા.
૧૯૫૧ના રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે કોઈ પણ ઉમેદવાર એકથી વધુ બેઠક પરથી એક દ સમયે, ચૂંટણી લડી શકે છે. અલબત્ત, બેથી વધારે બેઠક પરથી એક સાથે ચૂંટણી લડી શકાતી નથી. એ કાયદાની જ વળી એક કલમ પ્રમાણે બન્ને બેઠક પરથી વિજેતા થયા પછી કોઈ પણ એક બેઠક પરિણામના દસ દિવસમાં ખાલી કરી દેવી પડે. એટલે કે ત્યાંથી રાજીનામુ આપી દેવું પડે.
એક ઉમેદવારે એક જ બેઠક પરથી ચૂંટણી લડવી એવો પ્રસ્તાવ ચૂંટણી પંચે ૨૦૧૦માં રજૂ કર્યો હતો. સરકારે એ નામંજૂર કર્યો હતો. એક સમયે તો એક ઉમેદવાર એકથી વધુ ગમે તેટલી બેઠક પરથી લડી શકતો હતો. કોઈ મર્યાદા ન હતી. કાયદામાં સુધારો થયો એટલે હવે બે બેઠક સુધીની મર્યાદા આવી છે. બાકી તો ભૂતકાળમાં તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપક એન.ટી. રામરાવ ૧૯૮૫માં એક સાથે ત્રણ બેઠક પરથી લડયા હતા, ગુદીવાડા, હિન્દુપુર અને નાલગોન્ડા.
પછી હિન્દુપુર બેઠક રાખીને બાકીની બે ખાલી કરી દીધી હતી. એ રીતે ૧૯૯૧માં હરિયાણાના નાયબ મુખ્યમંત્રી અને મોટા ગજાના જાટ નેતા દેવી લાલ સિકર, રોહતક અને ફિરોઝપુર એમ ત્રણેય બેઠક પરથી ઉભા રહ્યા હતા. એ ત્રણેય લોકસભાની બેઠક હતી. સાથે સાથે તેઓ વિધાનસભાની ઘિરાઈ બેઠક પરથી પણ લડયા હતા. એ રીતે એક જ વખતે તેઓ ચાર ચૂંટણી લડયા હતા. રસપ્રદ રીતે ચારેય બેઠક હારી ગયા હતા.
ઉમેદવારો બબ્બે બેઠક પરથી ચૂંટણી લડે તેનાથી કેટલીક સમસ્યા સર્જાય છે. ધારો કે તેઓ બંને બેઠકો પરથી જીતે કે કોઈ એક જ બેઠક પરથી જીતે, બંને કિસ્સામાં એક બેઠક પર પેટાચૂંટણી આવે એ તો નિશ્ચિત જ હોય છે.
તો શું સરકારી તિજોરી પર અકારણ જ એ ખર્ચ નાંખવા દેવાનો? એટલે એવુ સૂચન પણ થયું હતુ કે જે ઉમેદવાર બે બેઠક પરથી લડે તેણે બીજી બેઠક પર સરકાર ચૂંટણી પ્રક્રિયા માટે જે ખર્ચ કરે એ પોતાના ખિસ્સામાંથી આપવો જોઈએ. જોકે બધો ખર્ચ તો નહીં પરંતુ વિધાનસભા માટે ૫ લાખ અને સંસદ માટે ૧૦ લાખ ચૂકવવા એવી જોગવાઈ પાછળથી ઉમેરાઈ છે.
૨૦૧૪માં સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ પણ આ વખતે આઝમગઢ અને મનીપુર એમ બે બેઠક પરથી લડયા હતા. ચૂંટણીનો ઇતિહાસ તપાસીએ આવા અનેક ઉદાહરણો મળી રહે તેમ છે. દેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી હોય કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોય.લાલુપ્રસાદ યાદવ હોય કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હોય. આ તમામ મોટા કહેવાતા નેતાઓ ભૂતકાળમાં બબ્બે બેઠક પર ચૂંટણી લડી ચૂક્યા છે.
ઈન્દિરા ગાંધીએ ૧૯૮૦માં આંધ્રપ્રદેશની મેડક સીટ પરથી જયપાલ રેડ્ડીને ૨.૧૯ લાખ મતોથી હરાવ્યા હતા જ્યારે રાયબરેલીથી વિજયારાજે સિંધિયાને ૧.૭૩લાખ મતોથી હરાવ્યા હતા. ત્યારબાદ મેડક બેઠક પરથી સાંસદપદ ચાલુ રાખીને તેમણે રાયબરેલી સીટ છોડી દીધી હતી.
૧૯૯૯માં સોનિયા ગાંધી પણ બે સીટ પરથી લડયા હતા. અમેઠીમાં તેમણે ભાજપના સંજયસિંહને ત્રણ લાખથી મતોથી હરાવ્યા હતા અને એ જ વખતે કર્ણાટકાના બેલ્લારીથી તેમણે ભાજપાના સુષ્મા સ્વરાજને પણ ૫૬ હજાર મતોથી હરાવ્યા હતા. બંને બેઠકો પરથી ભારે સરસાઈથી વિજયી બન્યા બાદ સોનિયાએ બેલ્લારીની સીટ છોડી દીધી હતી.
ભાજપમાં તો વડા પ્રધાન પદના દાવેદાર મોટે ભાગે બે બેઠક પરથી લડવાનું પસંદ કરે છે. ૧૯૫૭માં વાજયેપી ૩૨ વર્ષના યુવાન હતા. ત્યારે ઉત્તર પ્રદેશની બલરામપુર, મથુરા અને લખનૌ એ ત્રણેય બેઠક પરથી તેમણે નસિબ અજમાવ્યુ હતુ. ત્યારે તેઓ બલરામપુરથી વિજયી થયા હતા, લખનૌમાં બીજા ક્રમના ઉમેદવાર રહ્યા હતા, જ્યારે મથુરામાં ડિપોઝિટ ગુમાવી હતી.
એ પછી વાજપેયીએ ૧૯૯૬માં લખનૌ અને ગાંધીનગરથી ઉમેદવારી કરી હતી. લખનઉમાં તેમણે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજબબ્બરને ૧.૧૮ લાખ મતોથી હરાવ્યા હતા જ્યારે ગાંધીનગરમાં પણ તેઓ જંગી બહુમતિથી જીત્યા હતા. પછીથી તેમણે ગાંધીનગરની બેઠક છોડી દીધી હતી. અટલ બિહારી વાજપેયી ઉપરાંત એલ.કે. અડવાણી પણ બે સીટ પરથી લડયા હતા. તેઓ ગાંધીનગરની સીટ પર જીત્યા હતા. જ્યારે દિલ્હીથી હારી ગયા હતા. હવે તો એ દિલ્હી કાયમ માટે હારી ચૂક્યા છે.
ઈન્ડિયન ગ્રીન પાર્ટી
૨૦૧૮માં દિલ્હીમાં એક પક્ષની સ્થાપના થઈ, ઈન્ડિયન ગ્રીન પાર્ટી. એ પક્ષનો ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણનો છે. હવે ચૂંટણી આવી એટલે બીજા નાના રાજકીય પક્ષો સાથે ગ્રીન પાર્ટી પણ સક્રીય થઈ છે. સંપૂર્ણપણે પર્યાવરણને સમર્પિત હોય એવી આ ભારતની પહેલી પોલિટિકલ પાર્ટી છે. વૈશ્વિક પર્યાવરણીય ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ દર વર્ષે નીચે ઉતરતો જાય છે. એટલે કે ભારતમાં પર્યાવરણની ચિંતા થતી નથી, નિકંદન નીકળે છે. એ સંજોગોમાં પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરવું એ આ પક્ષનો ઉદ્દેશ છે.
આ વખતે આ પક્ષે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતુ, પરંતુ સમયસર ચૂંટણી પંચે માન્યતા આપી ન હતી. એટલે હવે આ વખતે ગ્રીન પાર્ટીના ગ્રીન ઉમેદવારો ચૂંટણી લડી શકશે નહીં. પણ જે ઉમેદવારો ગ્રીન વિચારસરણી ધરાવતા હશે એટલે કે પર્યાવરણ સંરક્ષણના વાયદા કરશે તેને આ પક્ષ સમર્થન આપશે. જોકે હાલ તો સમર્થન પણ પુના શહેર પૂરતું જ મર્યાદિત છે.
પંજાબના ખેડૂતોની નારાજગી
આખા દેશમાં ખેડૂતો માટે વીમા યોજના શરૂ થઈ છે. આ યોજના તો જાણે બહુ મોટી છે, પરંતુ તેનો મહત્તમ લાભ વીમા કંપનીઓને મળે છે, ખેડૂતોને નહીં. વીમાના નામે ખેડૂતોને ક્યાંક પાંચ રૂપિયા તો ક્યાંક પચ્ચીસ રૂપિયાના ચેક આપવામાં આવે છે. એટલે ખેડૂતોનું જાણે કોઈ મહત્ત્વ જ ન હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. પંજાબના ખેડૂતો આ વખતે પણ કેન્દ્ર સરકારની નીતિ-રીતિથી ખફા છે. પંજાબમાં કુલ ૧૩ બેઠક છે, જેમાંથી ૨૦૧૪માં ભાજપને બે સીટ મળી હતી.
કેન્દ્રમાં યુપીએના સ્થાને એનડીએ સરકાર આવી તો પણ પંજાબના ખેડૂતોને કેન્દ્ર તરફથી મળતી મદદમાં ફેર પડયો નથી. એટલે પંજાબના મતદારો ભાજપથી નારાજ હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. આમ પણ ૨૦૧૪ના મોદી મેજિક પછી વિવિધ રાજ્યોમાં ચૂંટણી થઈ ત્યારે પંજાબ એક જ એવુ રાજ્ય હતું, જેણે કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી આપી હતી. હવે આ ચૂંટણીમાં પંજાબના ખેડૂતો કઈ તરફ ઢળે એ જોવું રહ્યુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UyOSzh
via Latest Gujarati News
0 Comments