મોદીના હમશકલે લખનૌ બેઠક પર રાજનાથસિંહ સામે ઝંપલાવતા કુતૂહલ સર્જાયું


નેતા અને અભિનેતાઓના હમશકલની પણ એક અનોખી દુનિયા છે. લોકો તેમને કુતુહલતાપૂર્વક જોઇને હાથ મિલાવતા હોય છે. કયારેક જે તે સેલિબ્રેટીને મળતો આવતો ચહેરો જ તેમની ઓળખાણ અને આવકનું સાધન બની જાય છે. આવા જ એક અભિનંદન પાઠક કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હમશકલ છે.

ઉત્તરપ્રદેશના સહરાનપુરના હમશકલે પાંચ વર્ષ પહેલા 2014ના લોકસભા ઇલેકશનમાં ખૂબજ ચાહના મેળવી હતી. મોદીની શકલમાં હાવભાવ ભેળવીને તેમણે ભાજપનો ખૂબ પ્રચાર કર્યો હતો.  હવે બન્યું છે એવું કે પાંચ વર્ષ પછી આ હમશકલ ભાજપથી નારાજ હોવાથી તેઓ લખનૌ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ રાજનાથસિંહ સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું છે. આમ તો તેઓ ઉત્તરપ્રદેશના કોઇ સ્થાનિક પક્ષ વતી ઉભા રહેવાના હતા પરંતુ છેવટે અપક્ષ ઉભા રહયા છે. ઉમેદવારી પત્ર ભરવા ગયા ત્યારે બળાપો ઠાલવ્યો કે હું જુમલાબાજ નથી અને હું કયારેય જુઠું બોલવામાં માનતો નથી. તેમનો દાવો છે કે સરકારે જે અચ્છે દિનના વાયદા કર્યા હતા તે પૂરા થયા નથી. આથી ભાજપના ઉમેદવારની સામે ચૂંટણી લડવા તૈયાર થયા છે. ભાજપની ચૂંટણી રેલીઓમાં મોદીના મહોરાવાળા પ્રશંસકોની ભીડ જોવા મળે છે પરંતુ આ હમશકલ ભાજપ સામે જ ઉમેદવારી નોંધાવીને કુતુહલ સર્જયું છે. અભિનંદન અગાઉ પણ 1999માં લોકસભા ચૂંટણી લડી ચૂકયા છે. 2012માં તેમણે વિધાનસભાની ચૂંટણી પણ લડયા હતા. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G9BA2d
via Latest Gujarati News

Post a Comment

0 Comments