
જેટ એરવેઝની ફ્લાઇટો હજુ 16મી સુધી ઉડાન નહીં ભરે, સસ્પેંશનનો સમયગાળો વધાર્યો, અનેક રુટ પર રિઝર્વેશન પણ બંધ
પાયલટો જ નહીં એન્જિનિયર, મેનેજમેન્ટ સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો પગાર પણ નથી ચુકવાયો
કિંગફિશર બાદ વધુ એક એરલાઇન્સ ડુબવાની તૈયારીમાં
નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર
દેવા તળે ડૂબેલી જેટ એરવેઝની નાવડી હવે ડામાડોળ થઇ રહી છે અને ગમે ત્યારે ડૂબી શકે છે. દેવામાં ડૂબેલા ખેડૂતો વર્ષોથી સરકાર પાસેથી સહાય માગી રહ્યા છે પણ કોઇ ખાસ ધ્યાન નથી અપાઇ રહ્યું. જ્યારે જેટ એરવેઝને કરોડોની લહાણી બેંકો દ્વારા થઇ રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે જેટ એરવેઝના પાયલટો પણ આક્રામક અંદાજમાં આવી ગયા છે અને પગાર ન મળતા હવે કામથી અળગા રહેવાની તૈયારી કરી લીધી છે અને આ અંગે સોમવારે નિર્ણય લેવામા આવશે. સોમવારથી ૧૧૦૦ પાયલટો જેટ એરવેઝની ફ્લાઇટની ઉડાન ભરવાનું બંધ કરી દેવાનુ એલાન કરી શકે છે. જો એક સાથે આટલા પાયલટો હડતાળ પર ઉતરી જશે તો એરલાઇન્સ ભીસમાં આવી શકે છે.
પાયલટોની માગણી છે કે જેટ એરવેઝે ઘણા સમયથી અમારો પગાર નથી ચૂકવ્યો, માટે જ્યાં સુધી હવે પગાર ન ચૂકવે ત્યાં સુધી ફ્લાઇટ ન ઉડાવવી કે કેમ તે અંગે સોમવારે નિર્ણય લઇશું. પાયલટોની આ આંદોલનકારી નિર્ણયની જાણકારી નેશનલ એવીએશન ગાઇડ(એનએજી)એ કરી હતી. એનએજી દેશની એરવેઝના પાયલટોનું એક સંગઠન છે જેમાં જેટ એરવેઝના પાયલટો પણ જોડાયેલા છે. જાન્યુઆરી મહિનાથી જેટ એરવેઝના પાયલટ, એન્જિનિયરો, મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓને પગાર નથી મળ્યો. આ ઉપરાંત માર્ચ મહિનામાં અન્ય કેટેગરીના કર્મચારીઓને પણ પગાર નથી મળ્યો.
એનએજી સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે આજની તારીખમાં પણ અમને પગાર નથી મળ્યો, સાડા ત્રણ મહિનાથી અમે પગારની રાહ જોઇ રહ્યા છીએ. અને અમને એ પણ ખ્યાલ નથી કે ક્યારે આ પગાર અમને મળશે. માટે અમે હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. પાયલટો પહેલી એપ્રીલથી જ હડતાળ પર ઉતરી જવાના હતા જોકે હવે તેમણે ૧૫ દિવસ વધુ રાહ જોઇ હતી તેમ છતા કંપની તરફથી કોઇ યોગ્ય પ્રતિભાવ ન મળતા સોમવારથી હડતાળ શરૃ કરવામાં આવે તેવી પુરી શક્યતાઓ છે જો એમ થાય તો ૧૧૦૦ પાયલટ એક સાથે જેટ એરવેઝની ફ્લાઇટ નહીં ઉડાવે.
બીજી તરફ જેટ એરવેઝએ પોતાની સાર્ક અને એશિયન દેશોમાં ચાલતી ફ્લાઇટ્સને હાલ સસ્પેન્ડ કરી દીધી છે અને તેનો સમયગાળો ૧૬મી સુધી લંબાવી દીધો છે. તેથી હજુ ૧૬મી સુધી જેટની કોઇ ફ્લાઇટ ઉડાન નહીં ભરે. આ ઉપરાંત એમ્સ્ટરડન અને લંડન હિથ્રો તેમજ પેરીસની ફ્લાઇટને પણ ૧૬મી એપ્રીલ સુધી રદ કરી દેવામાં આવી છે. મંુબઇ-લંડન, મંુબઇ-એમ્સ્ટરડમ-મંુબઇ અને બેંગલોર-એમ્સ્ટરડમ ફ્લાઇટ્સનું રિઝર્વેશન ૧૮મી એપ્રીલ સુધી બંધ કરી દીધુ છે. આ ઉપરાંત ફ્લાઇટ્સ કેન્સલની જાણકારી ૪૮ કલાક પહેલા આપવા જેટને મંત્રાલયે આદેશ આપ્યો છે.
જેટને મદદ માટે બેંકો પર સરકાર તરફથી દબાણ થઇ રહ્યું હોવાના અહેવાલો
જેટ એરવેઝને બેંકોની લહાણી, ૧૦૦૦ કરોડનું ઇમર્જન્સી ફંડ આપશે
નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર
એક તરફ જેટ એરવેઝ ખાડામાં થઇ રહી છે જ્યારે બીજી તરફ બેંકો દ્વારા જેટને ઇમર્જન્સી ફંડિંગની વિચારણા ચાલી રહી છે. એસબીઆઇની આગેવાનીમાં બેંકોનું જે સમૂહ છે તે જેટ એરવેઝને તાત્કાલીક ધોરણે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ફંડ આપવાની તૈયારીમાં છે. જોકે આ પૈસા ત્યારે આપવામાં આવશે જ્યારે જેટ એરવેઝ પોતે ક્યારે ફ્લાઇટ્સ ઓપરેશન શરૃ કરશે અને પૈસાનો ઉપયોગ ક્યા હેતુ માટે કરશે તેનો રિપોર્ટ આપે. પીએમઓ દ્વારા પણ જેટ એરવેઝને નુકસાનમાંથી બહાર કાઢવાના પ્રયાસો જારી છે. જોકે એક તરફ જેટ એરવેઝ ખાડામાં ચાલી રહી છે અને બીજી તરફ બેંકો નાણાકીય મદદ કરવાની તૈયારીમાં છે ત્યારે એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે દેવામાં ડૂબેલા ખેડૂૂતો માટે સરકાર પાસે કોઇ મદદ નથી અને દેવામાં ડુબેલી જેટ એરવેઝને મદદ કરવા માટે ઇમર્જન્સી બેઠકો બોલાવાઇ રહી છે. અને બેંકો પર પણ કરોડોની લહાણી માટે દબાણ કરાવાઇ રહ્યું છે.
નિષ્ણાંતો એવા પણ સવાલો ઉઠાવી રહ્યા છે કે જો જેટ એરવેઝ પૈસા પરત ન કરી શકી તો તેવી સ્થિતિમાં એનપીએ વધશે તેનું શુ? અને વિજય માલ્યાની કિંગ ફિશર એરલાઇન્સ કંપની જેવી સ્થિતિ ઉભી નહીં થાય તેની પણ શું ખાતરી? અગાઉ જ બેંકો પર એનપીએનું ભારણ વધી રહ્યું છે અને અગાઉ જે લોનો ઉધ્યોગપતિઓને આપી તેને પરત લેવામાં ફાફા પડી રહ્યા છે ત્યારે હવે બેંકો વધુ એક બોજ લેવા માટે જઇ રહી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zblu0Q
via Latest Gujarati News
0 Comments