મોદી-શાહને હરાવવા કેજરીવાલ કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર હોવાનો સંકેત


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સાથે જોડાણ કરવા અંગે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે દેશને મોદી અને શાહથી બચાવવા તેમનો પક્ષ ગમે તે ભોગ આપવા તૈયાર છે. હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં ઇવીએમ ખોડકાઇ જવાના મુદ્દે ચર્ચા કરવા એત્રે ભેગા થયેલા વિરોધ પક્ષોની બેઠક પછી તેમણે એક પત્રકાર પરિષદમાં આ મુજબ કહ્યું હતું.

'દેશ પર જોખમ છે. દેશને બચાવવા અમે ગમે તે કરવા તૈયાર છીએે. આપણા દેશને મોદી અને શાહની તાનાશાહીથી બચાવવા અમારા પ્રયાસો ચાલુ દ રહેશે'એમ કેજરીવાલે કહ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે જો કે આ અંગે સીધી રીતે કોઇ જ જવાબ આપ્યો નહતો અને માત્ર એટલું જ કહ્યું હતું કે હવે બોલ કેજરીવાલની કોર્ટમાં છે.'તમે એમને જ જોડાણ અંગે પૂછો. તેઓ વધારે સારી રીતે જાણે છે'એમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસના એક અન્ય નેતા અને પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે 'કોંગ્રસના વલણને તમે જાણો છે. દિલ્હીમાં જોડાણ લગભગ થઇ જ ગયું હતું, પરંતુ તેને અન્ય રાજ્યો સાથે જોડવું અયોગ્ય છે. કોંગ્રેસ અને આપના જોડાણ અંગે છેલ્લા કેટલાક દિવસોથી મથામણ ચાલે છે. દિલ્હી અને હરિયાણામાં બેઠકની વહેંચણી અંગે કોઇ રસ્તો ના નીકળતા સમાધાનની મંત્રણા અટકી ગઇ હતી.

કોંગ્રેસના દિલ્હીના પ્રભારી પીસી ચાકો શુક્રવારે કહ્યું હતું કે આપ દ્વારા અવ્યવહારૃ રસ્તો અપનાવવામાં આવતા કોંગ્રેસ દિલ્હીમાં એકલા હાથે જ ચૂંટણી લડશે. પરંતુ આપના એક અન્ય નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે તેઓ દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર છે. માત્ર દિલ્હી પુરતું જ સમાધાન નહીં કરે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZaJvF7
via Latest Gujarati News

Post a Comment

0 Comments