
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર
ચૂંટણીની ગરમાગરમીમાં આજે એક નવો જ મુદ્દો વિવાદના કેન્દ્રમાં આવી ગયો હતો અને તે હતો એક બ્લેક બોક્સ. કર્ણાટકમાં પ્રચાર માટે ગયેલા વડા પ્રધાનના હેલિકોપ્ટરમાંથી એક બોક્સ પણ ઉતારવામાં આવ્યો હતો જેને એક ખાનગી કારમાં લઇ જવામાં આવ્યો હતો જે વડા પ્રધાનનના કાફલાની સાથે હતી જ નહીં. કોંગ્રેસે આજે આ મુદ્દા અંગે એક વિડીયો પણ જારી કર્યો હતો જેમાં કોઇ વ્યક્તિ બ્લેક બોક્સ લઇ જતી દેખાય છે.
અત્રે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસને પ્રવકતા આનંદ શર્માએ કહ્યું હતું કે દેશ જાણવા ઇચ્છે છે કે એ બોક્સમાં શું હતું. કોંગ્રેસે આ મુદ્દાને લઇને ચૂંટણી પંચમાં ફરીયાદ કરી હતી.
બોક્સને લઇ જતો વિડીયો કોંગ્રેસના એક નેતાએ જારી કર્યો હતો. કોંગ્રેસે સવાલ કર્યા હતા કે બતાવ એ બોક્સમાં શું હતું? શર્માએ કહ્યું હતું કે મોદી ચિત્રદુર્ગમાં સભા સંબોધવા ગયા હતા ત્યારે વાયુસેનાના જે હેલિકોપ્ટરમાં તેઓ આવ્યા હતા તેમાં આ બ્લેક બોક્સ હતો.
તેમણે આક્ષેપ કર્યો હતો કે બોક્સમાં રોકડ રકમ હોવા અંગે અમને શંકા છે. જે કારમાં એ બોક્સને લઇ જવામાં આવ્યો હતો તે મોદીના કાફલાની કાર પણ નહતી.
તો પછી સવાલ એ છે કે એ કાર કોની હતી?'જો બોક્સમાં રોકડ રકમ ન હતી તો શું હતું, તેની તપાસ થવી જોઇએ. દેશના લોકોને જાણ તો થાય કે વડા પ્રધામ પોતાની સાથે હેલિકોપ્ટરમાં શું શું લઇ જાય છે'એમ શર્માએ કહ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ચૂંટણી પંચ ટુંક સમયમાં તેની તપાસ કરશે.
શર્માએ કહ્યું હતું કે 'અમે જોયું કે મોદીના હેલિકોપ્ટરની સાથે અન્ય ત્રણ ચોપર પણ હતા. લેન્ડીંગ પછી બ્લેક બોક્સને બહાર કાઢી તરત જ એક ખાનગી કારમાં લઇ જવામાં આવ્યો હતો' તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના કર્ણાટક એકમે ચૂંટણી પંચમાં ફરીયાદ લખાવી દીધી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UhPFj7
via Latest Gujarati News
0 Comments