નક્સલવાદીઓથી પ્રભાવિત વિસ્તારની નમ્રતા જૈને UPSCમાં 12મો ક્રમ મેળવ્યો


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

છત્તીસગઢના દાંતેવાડા જિલ્લાની ૨૫ વર્ષીય યુવતી નમ્રતા જૈને સંઘ લોક સેવા આયોગ(યુપીએસસી) દ્વારા લેવામાં આવેલી સિવિલ સેવાની પરીક્ષામાં ૧૨મો નંબર મેળવ્યો છે. નમ્રતા જ્યાંથી આવે છે તે દાંતેવાડા જિલ્લો નક્સલવાદીઓથી પ્રભાવિત સૌથી ખરાબ વિસ્તાર છે. 

દાંતેવાડા જિલ્લાના ગીદમ પ્રાંતની રહેવાસી નમ્રતા જૈને ૨૦૧૬ની સિવિલ સેવા પરીક્ષામાં ૯૯મો નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ તેની પસંદગી ભારતીય પોલીસ સેવા(આઈપીએસ) માટે કરવામાં આવી હતી અને હાલમાં તે હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાંથી પ્રશિક્ષણ મેળવી રહી છે. નમ્રતાએ જણાવ્યું કે આઠમા ધોરણમાં તે પોતાની શાળામાં આવેલા એક મહિલા અધિકારીથી ખૂબ પ્રભાવિત થઈ હતી અને ત્યારથી તેણે ભવિષ્યમાં કલેક્ટર બનવાનો નિર્ણય લીધો હતો. 

નમ્રતાએ જણાવ્યા મુજબ થોડા સમય પહેલા નક્સલીઓએ તેના વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ કર્યો હતો. આ દુર્ઘટનાએ તેને સિવિલ સેવામાં જોડાઈને ગરીબોની સેવા કરવાની અને માઓવાદીઓથી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસના કામો કરવાની પ્રેરણા આપી હતી. ભારતીય પ્રશાસનિક સેવા(આઈએએસ)માં પસંદગીની આશા ધરાવતી નમ્રતા પોતાના રાજ્યના લોકોની સેવા કરવા માંગે છે અને તેના મતે દાંતેવાડાનો વિકાસ કરવાથી નક્સલવાદનો સફાયો કરવામાં મદદ મળશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ICQNMd
via Latest Gujarati News

Post a Comment

0 Comments