
નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કર્યો હતો. અહીં તેમણે ભાજપની રેલીને સંબોધતી વેળાએ ઓમર અબ્દુલ્લા, મેહબુબા મુફ્તી પર પ્રહારો કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે કેટલાક લોકોના હાથમાં કાશ્મીરની જનતાને ગુલામ બનાવીને ન રાખી શકાય.
વડા પ્રધાન મોદીએ આ નિવેદન કાશ્મીરના પક્ષ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને ધ્યાનમાં રાખીને કર્યો હતો. ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરમાં અલગ વડા પ્રધાન પદ આપવામાં આવે તેવી માગણી કરી હતી. આ ઉપરાંત મેહબુબા મુફ્તીએ પણ આર્ટિકલ ૩૭૦ને હટાવવાની ભાજપની માગનો જે જવાબ આપ્યો હતો તેને લઇને પણ મોદીએ વળતો પ્રહાર કર્યો હતો.
મોદીએ જણાવ્યું હતું કે અબ્દુલ્લા અને મુફ્તી પરિવારોએ રાજ્યમાં ત્રણ દસકામાં રાજ્યની સ્થિતિ પાયમાલ કરી નાખી. જોકે રાજ્યના સારા ભવિષ્ય માટે હવે આ લોકોને સત્તાથી દુર રાખવા અતી જરુરી છે. દરમિયાન મોદીએ પાકિસ્તાનને પણ પડકાર ફેક્યો હતો, તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના પરમાણુ બોમ્બની હવા નીકળી ગઇ, હિંદુસ્તાન આતંકીઓના ઘર પાકિસ્તાનમાં ઘુસીને તેને મારશે. મોદીએ જણાવ્યું હતું કે આ નવુ હિંદુસ્તાન છે, આતંકીઓને તેના ઘરમાં ઘૂસીને મારીશું. મોદીએ આ દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા હતા.
મોદીએ કહ્યું હતું કે દેશમાં કેટલાક લોકો મોદી વિરોધમાં એટલા ડુબી ગયા છે કે તેમને રાષ્ટ્રવાદ એક ગાળ હોવાનું લાગી રહ્યું છે. મહામિલાવટ અને તેમના રાગદરબારી અવાર નવાર સવાલો પૂછે છે કે મોદી રાષ્ટ્રીય સુરક્ષાની વાત કેમ કરે છે. ગઇ કાલે જલિયાવાલ બાગના શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપ રાષ્ટ્રપતિ અમૃતસર ગયા હતા. જોકે તેમના આ કાર્યક્રમમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન ગાયબ હતા. તેમણે આ કાર્યક્રમનો બહિષ્કાર એટલા માટે કર્યો કેમ કે તેઓ કોંગ્રેસ પરિવારની ભક્તિ કરી રહ્યા છે.
આંબેડકરના બંધારણને કારણે જ આજે ચાવાળો વડાપ્રધાન બની શકે છે : મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આંબેડકરના કારણે આજે દેશમાં એક ચા વાળો પણ વડા પ્રધાન બની શકે છે. વિપક્ષ જ્યારે મોદી પર બંધારણને હાની પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યું છે ત્યારે મોદીએ જણાવ્યું હતું કે આજે એક ચા વાળો તમારી સામે વડા પ્રધાન બનીને ઉભો છે તેનું કારણ બાબા સાહેબ આંડેકરે રચેલુ બંધારણ છે. મોદીએ ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં રેલીને સંબોધતા જણાવ્યું હતું કે દેશમાં બાબા સાહેબનું બંધારણ અમલમાં છે તેથી જ આજે તમારી સમક્ષ એક ચા વાળો પણ વડા પ્રધાન બની શક્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GlVGaJ
via Latest Gujarati News
0 Comments