
નવી દિલ્હી, તા.1 એપ્રિલ, 2019, સોમવાર
પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘુસીને એરસ્ટ્રાઇક કરી હતી. જોકે સામેપક્ષે પાકિસ્તાની એરફોર્સે પણ બીજા દિવસે ભારતીય સરહદમાં પ્રવેશીને હવાઇ હુમલાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળ રહ્યું હતું કેમ કે ભારતીય એરફોર્સે પાકિસ્તાનના પ્લેનને તોડી પાડયું હતું.
તે સમયે ભારતીય એરફોર્સે પાક. વિમાનનો કાટમાળ દેખાડીને એ પુરવાર કર્યું હતું કે પાકિસ્તાને આ હુમલા માટે જે વિમાનનો ઉપયોગ કર્યો હતો તેને અમેરિકા પાસેથી લેવામાં આવ્યું હતું. જોકે પાકિસ્તાને આ દાવાને તે સમયે નકાર્યા હતા. પણ હવે આ વાતનો સ્વીકાર કર્યો છે.
પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે જ્યારે આ એફ-૧૬ વિમાન માટે કરારો થયા હતા ત્યારે અમેરિકાએ એ શરત મુકી હતી કે આ વિમાનનો ઉપયોગ માત્ર અને માત્ર આતંકવાદીઓ વિરુદ્ધના ઓપરેશનમાં જ કરવામાં આવે. ભારતના ખુલાસા બાદ અમેરિકાએ પણ પાકિસ્તાન પાસેથી આ સમગ્ર મામલે રિપોર્ટ માગી સ્પષ્ટતા કરવા કહ્યું હતું. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાને સ્વીકાર કર્યો છે કે ભારતીય એરફોર્સના વિમાનો તોડી પાડવા માટે અમે જે હવાઇ હુમલો કર્યો હતો તેમાં એફ-૧૬ વીમાનોનો જ ઉપયોગ કર્યો હતો.
પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે જણાવ્યું હતું કે ૨૭મી ફેબુ્રઆરીએ એલઓસી પાસે પાકિસ્તાની સૈન્ય દ્વારા જે હવાઇ કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં એફ-૧૭ અને એફ-૧૬ બન્ને વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે દાવો કર્યો હતો કે પાકિસ્તાનને પોતાની સુરક્ષા માટે કોઇ પણ હથિયારો કે વિમાનોનો ઉપયોગ કરવાનો અધિકાર છે. બીજી તરફ આ ખુલાસા બાદ પાકિસ્તાન વિરુદ્ધ અમેરિકા કોઇ કાર્યવાહી કરી શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TOmDHx
via Latest Gujarati News
0 Comments