બિહારમાં તેજ પ્રતાપ રાજદ માટે વિલન બન્યો લાલુ-રાબડી મોરચાના નામે નવો પક્ષ બનાવશે


પટણા, તા.1 એપ્રિલ, 2019, સોમવાર

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે આજે કહ્યું હતું કે તેઓ એક નવો જ રાજકીય મોરચો બનાવશે જેનું નામ લાલુ-રાબડી મોરચો હશે. તેમણે કહ્યું હતું કે જો તેમની વાત માનવામાં નહીં આવે તો તેઓ આવું કોઇ પણ પગલું ભરી શકે છે. 

જો કે તેજસ્વી યાદવે આવી કોઇ વાતનો ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તેજ પ્રતાપ પરિવાર અને પક્ષથી નારાજ છે.તેમણે જીદ કરી હતી કે બે બેઠકો તેમના ખાસ માણસોને ફાળવવામાં આવે.

રાજદના નેતા શિવાનંદ તિવારીએ કહી દીધું હતું કે તેજ પ્રતાપના કારણે લોકો અમારી પર હસે છે. ચૂંટણી પર પણ તેની અસર પડી શકે છે.તેમણે આગ્રહ કર્યો હતો કે લાલુ અને રાબડી દેવી તેમના પુત્રને સમજાવે નહીંતર પક્ષને નુકસાન થશે. રાબડી દેવીએ તેજ પ્રતાપને ફોન કરી પોતાની જીદ છોડવા સમજાવ્યો હતો, પરંતુ તે માનવા જ તૈયાર નથી. તેજ પ્રતાપના સસરા ચંદ્રીકા રાયને સારણ બેઠક ફાળવાતા તેઓ નારાજ થયા હતા.

રાજદમાં પહેલાં તો જહાનાબાદ બેઠકને લઇ વિવાદ ઊભો થયો હતો.હવે તેઓ સારણ બેઠક તેમના સસરાને ફાળવાતા ધમકી આપે છે કે  જો રાજદમાંથી અન્ય કોઇ ઊભો રહેશે તો હું તેની વિરૃધ્ધ ઊભો રહીશ. તેજ પ્રતાપે ધમકીની ભાષામાં કહ્યું હતું કે સારણ બેઠક શરૃઆતથીજ લાલુ પ્રસાદના પરિવારની રહી છે, ત્યાંથી કોઇ અન્ય વ્યક્તિ ઊભી રહી જ ના શકે.

જહાંનાબાદ ઉપરાંત તેજ પ્રતાપ શિવહર બેઠક અંગે પણ નારાજ છે. તેમણે જહાંનાબાદમાંથી ચંદ્ર પ્રકાશ યાદવને ફોર્મ ભરી દેવા કહ્યું હતું. જો કે અહીંથી રાજદના સત્તાવાર ઉમેદવાર છે સુરેન્દ્ર યાદવ. તેજ પ્રતાપે શિવહરમાંથી ઉંગેશ નામની કોઇ વ્યક્તિને ટિકિટ આપવા જીદ કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V6RrF6
via Latest Gujarati News

Post a Comment

0 Comments