
અગાઉ ગેરકાયદે વિદેશી નાણા રાખવા બદલ ૧૪.૪૦ લાખનો દંડ ફટકાર્યો હતો
નવી દિલ્હી, તા.1 એપ્રિલ, 2019, સોમવાર
જમ્મુ કાશ્મીરના અલગાવવાદીઓ વિરુદ્ધ એજન્સીઓ અને સરકારી વિભાગો દ્વારા કાર્યવાહી કરવામા આવી રહી છે, આ અલગાવાદીઓ પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇ અને આતંકીઓની સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
આ સ્થિતિ વચ્ચે આઇટી વિભાગે કાશ્મીરના અલગાવવાદી સૈયલ અલી શાહ ગીલાનીનુ દિલ્હી સ્થિત મકાન જપ્ત કરી લેવામાં આવ્યું છે. ગીલાનીએ ૩.૬૨ કરોડ રૃપિયાના ટેક્સની ભરપાઇ નહોતી કરી જેને પગલે તેની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ગીલાનીએ ૩.૬૨ કરોડ રૃપિયા ચુકવવાના હતા, જોકે તેમાં તે નિષ્ફળ રહેતા તેના આ ઘરને હાલ સીલ કરીને જપ્ત કરવામાં આવ્યું છે. આ અંગે ૨૯મી માર્ચે આઇટી વિભાગે ઓર્ડર પણ જારી કર્યો હતો.
આ મકાન દિલ્હીના માલવીયા નગરમાં આવેલુ છે જેને ટેક્સ રિકવરી ઓફીસરે સીલ કરી દીધુ હતું આ ટીઆરઓને સંપત્તી જપ્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
ગયા મહિને જ ઇડીએ ગીલાની પર ૧૭ વર્ષ જુના એક કેસમાં ૧૪.૪૦ લાખ રૃપિયાની પેનલ્ટી ફટકારી હતી. ૨૦૦૨માં ગીલાનીના ઘરમાંથી ગેરકાયદે નાણા મળી આવ્યા હતા, આશરે ૧૦ હજાર ડોલર મળી આવ્યા હતા, વિદેશી ધન એક્સચેંજના કાયદાનો ગીલાનીએ ભંગ કર્યો હતો. જે બદલ તેની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે અગાઉ એવા પણ અહેવાલો હતા કે ગીલાનીએ પાકિસ્તાન પાસેથી પૈસા લઇને કાશ્મીરમા યુવાઓને પૈસા આપીને પથ્થરબાજ બનાવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક અલગાવવાદીઓ પાસેથી પાકિસ્તાની કરન્સી પણ મળી આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CNgzcT
via Latest Gujarati News
0 Comments