ઓનલાઇન ખરીદારો સામે રૂ.200 કરોડની છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ


નોઇડાની ટીમે 14 લાખ લોકોના ડેટા સાથે ગેંગના માસ્ટર માઇન્ડની ધરપકડ કરી

(પીટીઆઈ) નોઈડા, તા.1 એપ્રિલ, 2019, સોમવાર

એસટીએફની નોઈડાની ટીમે ડેટા હેક કરીને ઓનલાઈન શોપિંગ અને વીમા કંપનીના નામે પ્રલોભન આપીને આશરે ૨૦૦ કરોડ રુપિયાની ઠગાઈ કરી ચુકેલી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના માસ્ટર માઈન્ડને નોઈડાના સેક્ટર-૧૪૨માં આવેલી ઓફિસમાંથી ૧૪ લાખ લોકોના અનઅધિકૃત ડેટા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. 

બોગસ કોલ સેન્ટર્સને ઠગાઈ માટે લોકોના ડેટા પૂરા પાડનારી એક ખાનગી કંપનીના માલિક નંદન રાવ પટેલની યુપી એસટીએફ ટીમે ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ આરોપી પહેલા હેકરની મદદથી શોપિંગ કંપનીઓની વેબસાઈટ હેક કરાવીને ડેટાની ચોરી કરતો હતો અને તેને આગળ ઠગાઈ કરનારા કોલ સેન્ટર્સને મોંઘા ભાવે વેચી દેતો હતો. એસટીએફના એસપી વિક્રમ સિંહે જણાવ્યા મુજબ દેશભરમાંથી ગ્રાહકોના ડેટા હેક કરીને ઠગાઈ કરવા અંગેની ફરિયાદો મળી રહી હતી.

લોકોની ફરિયાદ હતી કે ઠગાઈ કરનારી ગેંગ ઓનલાઈન શોપિંગ કરનારાઓને લકી ડ્રોમાં કારનું ઈનામ મળ્યાની, ઈનકમ ટેક્સ, જીએસટી રજિસ્ટ્રેશનની માહિતી ભેગી કરવા સહિતની વિવિધ લાલચો આપીને તેમના કાર્ડની ડિટેઈલ મેળવી લેતી હતી અને રુપિયા પોતાના બેંક ખાતાઓ કે યુપીઆઈ એપ્સમાં ટ્રાન્સફર કરી લેતી હતી. 

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે પ્રશાંત ગર્ગ અને ઈશુ વંશલ દ્વારા ઓનલાઈન શોપિંગ કંપનીઓની વેબસાઈટથી એપ્લિકેશન અને સોફ્ટવેરને હેક કરાવીને તેમના ગ્રાહકોના ડેટાની ચોરી કરતો હતો. તેના બદલામાં બંને હેકરને પ્રતિ ડેટા બેથી ત્રણ રુપિયા આપવામાં આવતા હતા.

ત્યાર બાદ તે ડેટાને દિલિપ, અનુજ, અરુણપાલ વગેરેને પ્રતિ ડેટા પાંચથી છ રુપિયા લેખે આગળ વેચતો હતો. તે લોકો ડેટાને દિલ્હી એનસીઆર સહિત બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબમાં સંચાલિત બોગસ કોલ સેન્ટર્સને વેચતા હતા. આવા કોલ સેન્ટર્સ લોકોને ફોન કરીને તેમના કાર્ડની ડિટેઈલ મેળવી રુપિયા ટ્રાન્સફર કરી લેતા હતા. 

આરોપી નંદને જણાવ્યું કે તે બેંક કર્મચારીઓ સાથે મળીને ખોટા નામ, સરનામા વડે ખોલાયેલા બોગસ ખાતાઓ ભાડા પર લેતો હતો. આ જ રીતે પેટીએમ, ક્યુઆર કોડ, ફોન પે, તેજ અને ભીમ એપના એકાઉન્ટ પણ ભાડેથી લેતો હતો. આવા એકાઉન્ટ્સમાં છેતરપિંડીના રુપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. બેંકના કર્મચારીઓ આવા રુપિયાઓને પોતાનું કમિશન કાપીને તેમને પહોંચાડતા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UdCvsb
via Latest Gujarati News

Post a Comment

0 Comments