મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાની પ્રક્રિયામાં હકારાત્મક પ્રગતિનો ચીનનો દાવો


બેઈજિંગ, તા.1 એપ્રિલ, 2019, સોમવાર

ચીને આતંકવાદી મસૂદ અઝહર ઉપર યુએનમાં પ્રતિબંધ મૂકવાના સંદર્ભમાં પ્રથમ વખત હકારાત્મક વલણ બતાવીને કહ્યું હતું કે મસૂદ ઉપર કાર્યવાહી કરવાની પ્રક્રિયા હકારાત્મક રીતે આગળ વધી રહી છે. અમેરિકા-બ્રિટન-ફ્રાન્સે નવેસરથી પ્રસ્તાવ મૂક્યો તે પછી ચીન ઉપર દબાણ વધ્યું છે.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર થાય તેવા પ્રયાસો પૂરજોશમાં શરૃ થયા છે. 

અમેરિકાએ મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે યુએનમાં પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ચીને વિટો પાવર વાપરીને મસૂદને બચાવ્યો હતો અને પ્રસ્તાવ ઉપર ટેકનિકલ હોલ્ટ મૂક્યો હતો. તે પછી અમેરિકાએ બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને નવેસરથી મસૂદ ઉપર પ્રતિબંધ મૂકવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. એના કારણે ચીન ચોમેરથી ઘેરાઈ ચૂક્યું છે.

મસૂદને બચાવવા માટે ચીન છેલ્લાં એક દશકામાં ચાર વખત વિટો પાવર વાપરી ચૂક્યું છે અને આ વખતે ચીન સિવાયના યુએનના કાયમી ચાર સભ્યો સભ્યોએ મસૂદને બચાવવા પાછળના મજબૂત કારણો માગ્યા છે. એ માટે ચીને બે સપ્તાહનો હોલ્ટ મૂકાવ્યો હતો અને તેના કારણો એકઠાં કરવાની મથામણ આદરી હતી. હવે ચીને પ્રથમ વખત મસૂદ ઉપર પ્રતિબંધની બાબતે હકારાત્મક નિવેદન આપ્યું હતું.

 ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે એક નિવેદનમાં કહ્યું હતું કે મસૂદને આતંકવાદી જાહેર કરવાનો યુએનમાં પ્રસ્તાવ મૂકાયો તે પછી ચીન તમામ પક્ષોના સંપર્કમાં છે અને મસૂદને આતંકવાદી જાહેર કરવાના સંદર્ભમાં ખૂબ હકારાત્મક કાર્યવાહી થઈ રહી છે.

જોકે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકાના વલણની ટીકા કરતા કહ્યું હતું કે અમેરિકા આખી પ્રક્રિયા જાણે છે તે છતાં નવેસરથી પ્રસ્તાવ મૂકીને અમેરિકાએ ખોટું ઉદાહરણ બતાવ્યું છે. મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવમાં ટેકનિકલ હોલ્ટ મૂકાવ્યો તે પછી ચીને પ્રથમ વખત હકારાત્મક પ્રક્રિયા થઈ રહી હોવાનું નિવેદન આપ્યું હતું. ચીનની પરવા કર્યા વગર અમેરિકાએ બીજી વખત પ્રતિબંધની પ્રક્રિયા હાથ ધરી હોવાથી ચીન ઉપર પણ દબાણ વધ્યું છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UsAckc
via Latest Gujarati News

Post a Comment

0 Comments