અમને મદદ કરો, નહીં તો 20 હજાર લોકો બેરોજગાર થઇ જશે : જેટ એરવેઝના પાયલટોની બેંકોને અપીલ

કોઇ મદદ ન મળે તો મંગળવારે જેટ એરવેઝની બોર્ડની બેઠક મળશે, આગામી પગલા અંગે નિર્ણય લેવાશે 

નવી દિલ્હી, તા.15 એપ્રિલ, 2019, સોમવાર

જેટ એરવેઝની સ્થિતિ ડામાડોળ છે જેથી અનેક પાયલટોની રોજગારી છીનવાઇ જાય તેમ છે. જેટ એરવેઝે છેલ્લા સાડા ત્રણ માસથી પગાર ન આપ્યો હોવાનો આરોપ પાયલટ લગાવી રહ્યા છે. જેને પગલે હવે પાયલટો હતડાળ અંગે પણ નિર્ણય લઇ શકે છે. 

સોમવારે હડતાળ અંગે જાહેરાતનો પાયલટોએ નિર્ણય લીધો હતો જોકે હવે તેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ પાયલટો હડતાળની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો છે ત્યારે જેટ એરવેઝ દ્વારા પણ બેઠકોનો દોર શરૃ કરી દેવામાં આવ્યો છે.  જેટ એરવેઝના ચીફ એક્ઝિક્યૂટિવ વિનય દુબેએ જણાવ્યું હતું કે મંગળવારે જેટ એરવેઝના બોર્ડની બેઠક યોજાશે જેમાં ભવિષ્યમાં કેવા કેવા પગલા લેવા તે અંગે નક્કી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે દરેક લોકોને ખ્યાલ છે કે અમે હાલ ફંડની મદદ માગી રહ્યા છીએ.

 બેંકો અમારી આ માગ પર વિચારણા કરશે તેવી અમને આશા છે. રાહત માટેનું ફંડ અમારી પાસે નથી આવ્યું તેને કારણે જ વિમાનોની ઉડાન રદ કરી તેનો સમયગાળો અમે લંબાવ્યો છે. બેંકો દ્વારા અત્યાર સુધીમાં ૩૦૦ કરોડની સહાય મળી ચુકી છે જ્યારે કંપનીને વધુ રકમની જરુર હોવાનું જણાવે છે. એક તરફ બેંકો પર એનપીએ વધી રહ્યું છે જ્યારે બીજી તરફ જેટ એરવેઝને મદદ માટે પણ બેંકો પર દબાણ થઇ રહ્યું છે. 

કંપનીની સાથે જેટ એરવેઝના પાયલટોએ પણ બેંકોને ફંડ આપવાની વિનંતી કરી છે. આ ઉપરાંત વડા પ્રધાન મોદીને પણ મદદની ગુહાર લગાવી છે. જો મદદ ન મળી તો આશરે ૨૦ હજાર પાયલટો, કર્મચારીઓ નોકરી ગૂમાવી શકે છે. પાયલટોના સંગઠન નેશનલ એવીએટર ગાઇડ (એનએજી)ના વાઇસ ચેરમેન અદીમ વલીઆનીએ જણાવ્યું હતું કે અમે એસબીઆઇને અપીલ કરીએ છીએ કે તે અમારી મદદ માટે તાત્કાલીક ૧૫૦૦ કરોડ રૃપિયાની સહાયની જાહેરાત કરે. હાલ એસબીઆઇ અને જેટ એરવેઝના અધિકારીઓ વચ્ચે બેઠકો ચાલી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XdLCGs
via Latest Gujarati News

Post a Comment

0 Comments