યોગી અને આઝમ આજથી 72 કલાક, મેનકા અને માયાવતી 48 કલાક પ્રચાર નહીં કરી શકે


માયાવતીએ મુસ્લિમોને મતો વિભાજિત ન કરી ગઠબંધન માટે એકતરફી મતદાન કરવાની અપીલ કરી હતી

યોગીએ કહ્યું હતું કે જો કોંગ્રેસ, સપા અને બસપાને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગ બલી પર વિશ્વાસ છે

આઝમખાને જયાપ્રદા અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી જ્યારે મેનકાએ મુસ્લિમોને મતદાન કરવા ધમકી આપી હતી

નવી દિલ્હી, તા.15 એપ્રિલ, 2019, સોમવાર

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓના વિવાદિત નિવેદનોથી નારાજ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ટીકા કરી હતી. જેના પગલે ચૂંટણી પંચે કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રીમો માયાવતીના પ્રચાર અનુક્રમે ૭૨ કલાક અને ૪૮ કલાક પ્રતિબંધ મૂકી દીધો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ હવે જયા પ્રદા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા છે. 

માયાવતી અને યોગી પરનો પ્રતિબંધ આવતીકાલે સવારે ૬ વાગ્યાથી અમલમાં આવશે.  ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન માયાવતી અને યોગી આદિત્યનાથના વિવાદિત નિવેદનો અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમે ચૂંટણી પંચે પ્રશ્ર કર્યો હતો કે તમે વિવાદિત નિવેદનો આપનારા નેતાઓ સામે અત્યાર સુધી કંઇ કાર્યવાહી કરી છે?

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની નેતૃત્ત્વ ધરાવતી ખંડપીઠે ચૂંટણી પ્રચાર દરમિયાન જાતિ અને ધર્મને આધાર બનાવી નફરત ફેલાવતા ભાષણોને રોકવા માટે પંચ પાસે મર્યાદિત સત્તા હોવાના નિવેદનની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચના એક પ્રતિનિધિને આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 

સુનાવણી દરમિયાન ખંડપીઠે પંચના વકીલ પાસે નફરત ફેલાવનારા નિવેદનો આપનારા યોગી આદિત્યનાથ અને માયાવતી સામે કરાયેલી કાર્યવાહીની વિગતો માગી હતી. 

તેના જવાબમાં ચૂંટણી પંચના વકીલે જણાવ્યું હતું કે બંને નેતાઓ વિરુદ્ધ નોટીસ જારી કરવામાં આવી છે. સુપ્રીમે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે અમને તેમની વિરુદ્ધ કરાયેલી કાર્યવાહીનો વિગતો આપો.

માયાવતીએ સાત એપ્રિલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ માને છે કે હમે જીતીએ ન જીતીએ પણ ગઠબંધન હારવું જોઇએ. તેથી જ કોંગ્રેસે એવી જાતિ અને ધર્મના લોકોના ઉભા રાખ્યા છે કે ભાજપને ફાયદો થાય. તેમણે મુસ્લિમ સમુદાયને પોતાના મતો વિભાજિત ન કરવા અને એકતરફી મતદાન કરવાની અપીલ કરી હતી.

યોગીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસ, સપા અને બસપાને અલી પર વિશ્વાસ છે તો અમને પણ બજરંગ બલી પર વિશ્વાસ છે. બીજી તરફ રામપુરમાં એક રેલીને સંબોધતા આઝમ ખાને જયાપ્રદા પર અશ્લીલ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે તેમની હકીકત સમજવામાં તમને ૧૭ વર્ષો લાગ્યા પણ હું તો ૧૭ દિવસમાં જ સમજી ગયો હતો કે તેમના નીચેનો અન્ડરવેઅર ખાકી રંગનો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GstK43
via Latest Gujarati News

Post a Comment

0 Comments