પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો : 21ના મોત, 50 ઘાયલ


(પીટીઆઇ) કરાચી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર

પાકિસ્તાનના અશાંત મનાતા પ્રાંત બલુચિસ્તાનના એક ભરચક બજારમાં  શિયા હઝારા સમુદાયને નિશાન બનાવી એક આત્મઘાતીએ કરેલા હુમલામાં ૨૧ લોકોના મોત થયા હતા અને ૫૦ ઉપરાંત ઘાયલ થયા હોવાનું પોલીસે કહ્યું હતું. 

વડા પ્રધાન ઇમરાન ખાને આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને તપાસનો ઓર્ડર કર્યો હતો. આ હુમલો ક્વેટાના ભરચક બજાર વિસ્તાર હઝાગાગંજમાં સવારે આશરે ૭:૩૫ મિનિટે કરાયો હતો જ્યારે હઝારા સમુદાયના લોકો તેમજ અન્ય વેપારીઓ ફળફળાદી અને શાકભાજી  ખરીદવા આવે છે. પોલીસ અધિકારી અબ્દુલ રઝ્ઝાક ચીમાએ કહ્યું હતું કે  વેપારીઓ જ્યારે ફળફળાદી અને શાકભાજીને ટ્રકમાં ભરી રહ્યા હતા ત્યારે હઝારા સમુદાયને નિશાન બનાવીને હુમલો કરાયો હતો.

જો કે ગૃહ મંત્રી ઝિઆઉલ્લાહ લેનગોવે પત્રકાર પરિષદમાં આ હુમલો કોઇ ખાસ સમુદાયને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યો હોવાનો ઇનકાર કર્યો હતો.'અમારૃં અનુમાન છે કે કોઇ ખાસ સમુદાયને નિશાન બનાવ્યો નહતો. માર્યા ગયેલાઓમાં મારી  બલોચ અને ફ્રન્ટીયર કોર્પોસ્ના જવાનો પણ સામેલ હતા'. તેમણે હુમલાને આત્મઘાતી ગણાવ્યો હતો.

અધિકારીઓએ કહ્યું હતું કે ૨૧ લોકો માર્યા ગયા હતા અને અન્ય ૫૦ ઘાયલ થયેલા. એધી વેેલફેર ટ્રસ્ટના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે તેમણે ૨૧ મૃત્યુદેહ ગણ્યા હતા. માર્યા ગયેલાઓમાં ઓછામાં ઓછા આઠ લોકો હઝારા સમુદાયના હતા.

સુરક્ષા દળોને ભય હતો કે માર્યા ગયેલાઓની સંખ્યા વધુ હોઇ શકે છે. વિસ્ફોટના કારણે આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું હતું. હુમલાની કોઇ જુથે જવાબદારી લીધી નહતી. પોલીસે કહ્યું હતું કે વિસ્ફોટ પછી વિસ્તારની અને વેપારીઓની સુરક્ષામાં વધારો કરાયો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VOAgYY
via Latest Gujarati News

Post a Comment

0 Comments