(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 09 એપ્રિલ, 2019, મંગળવાર
કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૧૯ના અંતના ચોથા ત્રિમાસિક અને સંપૂર્ણ નાણાકીય વર્ષના પરિણામોની સીઝન શરૂ થઈ રહી હોવા સાથે લોકસભા ચૂંટણીની ઘડી આવી પહોંચતાં ફરી કોની સરકાર રચાશે એ મામલે તાજેતરના સર્વેમાં ફરી એનડીએ સરકાર રચાવાના પરંતુ આ વખતે ભાજપને પૂર્ણ બહુમત નહીં મળીને સાથી પક્ષોના ટેકા સાથે જ સરકાર રચવી પડશે એવા ઓપિનીયન પોલને લઈ શેરોમાં આરંભિક સાવચેતીમાં ધોવાણ બાદ ફંડોની આજે એકાએક ઘટયામથાળેથી મોટી તેજી થઈ હતી. ફોરેન ફંડોની શેરોમાં ફરી બેંકિંગ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં આજે એકાએક ઘટયામથાળેથી ખરીદી કરી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર ૩૮ પૈસા નબળો પડીને રૂ.૬૯.૨૯ થઈ જવા સામે ક્રુડ ઓઈલમાં લીબિયામાં આંતરવિગ્રહની પરિસ્થિતિએ આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડના વધીને બેરલ દીઠ ૭૧ ડોલરની સપાટી કુદાવી જતાં ફંડોએ શેરોમાં આરંભમાં ખરીદીમાં સાવચેતી બતાવી હતી. જે છેલ્લે બેંકિંગ શેરોની સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓટોમોબાઈલ, મેટલ, ફાર્મા, આઈટી શેરોમાં લેવાલ બનતાં અંતે ૨૩૮.૬૯ પોઈન્ટ વધીને ૩૮૯૩૯.૨૨ અને નિફટી સ્પોટ ૬૭.૪૫ પોઈન્ટ વધીને ૧૧૬૭૧.૯૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ફરી ૩૯૦૦૦ની સપાટી કુદાવવાની તૈયારીમાં : ઇન્ટ્રાડે વધીને ૩૮૯૭૮
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૭૦૦.૫૩ સામે ૩૮૭૩૦.૯૩ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બાદ ઈન્ફોસીસ, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, કોટક મહિન્દ્રા બેંક, એશીયન પેઈન્ટસ સહિતમાં વેચવાલીએ ૧૦૧.૮૧ પોઈન્ટ ઘટીને નીચામાં ૩૮૫૯૮.૭૨ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી બે-તરફી વધઘટમાં લાંબો સમય અથડાતો રહીને છેલ્લે ફંડોની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ખરીદી નીકળતાં અને ફાર્મા શેરોમાં સન ફાર્મા સહિતમાં લેવાલી થતાં અને ટાટા સ્ટીલ, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં આકર્ષણે એક તબક્કે વધીને ૩૮૯૭૮.૯૯ સુધી પહોંચી અંતે ૨૩૮.૬૯ પોઈન્ટ વધીને ૩૮૯૩૯.૨૨ બંધ રહ્યો હતો.
નિફટી નીચામાં ૧૧૫૭૦ થઈ ૧૧૬૮૩ સુધી પહોંચી અંતે ૬૭ પોઈન્ટ વધીને ૧૧૬૭૨
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૬૦૪.૫૦ સામે ૧૧૬૧૨.૦૫ મથાળે ખુલીને આરંભમાં ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાઈટન, એશીયન પેઈન્ટસ, ઈન્ફ્રાટેલ, યુપીએલ, ઓએનજીસી સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૧૫૬૯.૭૦ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને બેંકિંગ શેરોમાં યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, એચડીએફસી લિમિટેડ તેમ જ ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકી, આઈશર મોટર્સ સહિતમાં આકર્ષણે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી સાથે વેદાન્તા, ઝી, આઈઓસી, બીપીસીએલ સહિતમાં લેવાલીએ વધીને ૧૧૬૮૩.૯૦ સુધી પહોંચી અંતે ૬૭.૪૫ પોઈન્ટ વધીને ૧૧૬૭૧.૯૫ બંધ રહ્યો હતો.
એપ્રિલ નિફટી ફયુચર ૧૧,૬૭૪ થી વધીને ૧૧,૭૪૬ : બેંક નિફટી ફયુચર ૩૦,૩૫૯
નિફટી એપ્રિલ ફયુચર ૧,૦૭,૯૧૯ કોન્ટ્રેકટસમાં રૂ.૯૪૬૪.૦૨ કરોડના કામકાજે ૧૧,૬૭૪.૯૦ સામે ૧૧,૭૦૭.૭૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૬૩૨ થઈ વધીને ૧૧,૭૫૦.૦૫ સુધી જઈ અંતે ૧૧,૭૪૬.૭૫ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧,૩૫,૯૬૯ કોન્ટ્રેકટસમાં રૂ.૮૧૮૮.૯૯ કરોડના કામકાજે ૩૦,૦૧૦.૯૫ સામે ૩૦,૦૩૦.૦૫ મથાળે ખુલીને નીચામાં ૨૯,૮૯૦.૧૦ થઈ વધીને ૩૦,૩૫૯.૨૫ સુધી પહોંચી અંતે ૩૦,૩૫૯.૨૫ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો ૨૫,એપ્રિલ એક્સપાઈરીનો કોલ ૨૬.૨૫ સામે ૨૫.૯૫ મથાળે ખુલીને નીચામાં ૧૮.૬૫ થઈ વધીને ૩૫.૫૦ સુધી પહોંચી અંતે ૩૩.૯૫ રહ્યો હતો. નિફટી ૧૧,૪૦૦નો પુટ ૫.૭૦ સામે ૪.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૭.૮૦ થઈ ઘટીને ૨.૧૫ સુધી આવી અંતે ૨.૬૦ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો લેવાલ : એક્સીસ, ફેડરલ, ઈન્ડસઈન્ડ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે ફરી લેવાલ બન્યા હતા. યશ બેંક રૂ.૧૦.૬૦ વધીને રૂ.૨૭૦.૬૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૭૫ વધીને રૂ.૩૯૬.૯૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૦૫ વધીને રૂ.૧૩૨, એક્સીસ બેંક રૂ.૯.૨૫ વધીને રૂ.૭૬૩.૫૫, ફેડરલ બેંક રૂ.૧.૧૦ વધીને રૂ.૯૮.૨૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૬.૪૦ વધીને રૂ.૧૭૬૮.૧૫,સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૩૫ વધીને રૂ.૩૧૫.૧૫, એચડીએફસી બેંક રૂ.૧.૧૦ વધીને રૂ.૨૨૯૦, બિરલા મની રૂ.૨.૫૦ વધીને રૂ.૫૨.૦૫, કેનેરા બેંક રૂ.૧૨.૧૫ વધીને રૂ.૨૮૬.૩૦, ડીએચએફએલ રૂ.૬.૩૦ વધીને રૂ.૧૬૭.૩૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૬૦ વધીને રૂ.૧૦૨.૧૫, અલ્હાબાદ બેંક રૂ.૫૩.૨૫, બંધન બેંક રૂ.૭.૮૦ વધીને રૂ.૫૫૧.૯૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૫૪.૭૦, પીએફસી રૂ.૧.૪૦ વધીને રૂ.૧૨૦.૬૦, રેપકો હોમ રૂ.૪.૨૦ વધીને રૂ.૪૫૪.૫૫, ઉજ્જિવન રૂ.૨.૬૦ વધીને રૂ.૩૨૫.૨૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં આકર્ષણ : અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, બજાજ ઓટો, હીરો, મારૂતી વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોની લેવાલી રહી હતી. અશોક લેલેન્ડ રૂ.૪.૨૫ વધીને રૂ.૯૧.૪૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૨૮.૬૦ વધીને રૂ.૭૩૯.૩૫, ટાટા મોટર્સ રૂ.૫.૩૫ વધીને રૂ.૨૦૬, બજાજ ઓટો રૂ.૬૬ વધીને રૂ.૨૯૧૮.૫૦, આઈશર મોટર્સ રૂ.૩૬૪.૫૫ વધીને રૂ.૨૦,૯૮૭.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૩૯.૪૫ વધીને રૂ.૨૬૨૬.૫૫, મારૂતી સુઝુકી રૂ.૯૮.૫૦ વધીને રૂ.૭૨૧૮.૩૫, ભારત ફોર્જ રૂ.૩.૨૦ વધીને રૂ.૫૦૬.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧.૫૦ વધીને રૂ.૬૬૬.૬૦ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ : કોલ ઈન્ડિયા, વેદાન્તા, નાલ્કો વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. કોલ ઈન્ડિયા રૂ.૪.૯૫ વધીને રૂ.૨૩૮.૨૫, વેદાન્તા રૂ.૩.૩૫ વધીને રૂ.૧૯૦.૧૫, હિન્દાલ્કો રૂ.૨.૫૦ વધીને રૂ.૨૧૬.૭૫, નાલ્કો રૂ.૫૬.૫૦, ટાટા સ્ટીલ રૂ.૨.૭૫ વધીને રૂ.૫૫૧.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧.૨૫ વધીને રૂ.૨૮૫.૦૫, જેએસડબલ્યુ સ્ટીલનું ક્રુડ સ્ટીલનું ઉત્પાદન વર્ષ ૨૦૧૮-૧૯માં ત્રણ ટકા વધીને ૧૬૭ લાખ ટન થયાનું જાહેર થતાં શેર રૂ.૧.૨૦ વધીને રૂ.૨૯૧.૮૫ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં પેનેશિયા બાયોટેકમાં રૂ.૯૯૫ કરોડના પિરામલ ફંડના રોકાણ નિર્ણયે ઉછળ્યો
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડો, ખેલંદાઓનું આકર્ષણ રહ્યું હતું. પેનેશિયા બાયોટેકમાં પિરામલ એન્ટરપ્રાઈસીઝ અને બેઈન કેપિટલ ક્રેડિટ દ્વારા પ્રમોટેડ રીસર્જન્સ ફંડ દ્વારા રૂ.૯૯૨ કરોડ સુધીનું રોકાણ કરવાનું જાહેર કરાતાં શેર રૂ.૧૯.૩૦ વધીને રૂ.૨૦૦.૪૫, ટોરન્ટ ફાર્મા રૂ.૭૧.૫૦ વધીને રૂ.૧૮૬૫, મર્ક રૂ.૧૪૩.૭૫ વધીને રૂ.૩૯૫૨.૧૦, લુપીન રૂ.૧૬.૮૫ વધીને રૂ.૮૦૯.૨૫, બાયોકોન રૂ.૧૨.૫૫ વધીને રૂ.૬૧૯.૫૦, જેબી કેમિકલ રૂ.૭.૧૦ વધીને રૂ.૩૫૨.૫૫, દિવીઝ લેબ રૂ.૩૦.૩૦ વધીને રૂ.૧૭૧૫, અપોલો હોસ્પિટલ રૂ.૨૧.૧૫ વધીને રૂ.૧૨૫૮.૨૫, સન ફાર્મા રૂ.૭.૬૫ વધીને રૂ.૪૬૯.૭૫, સિપ્લા રૂ.૬ વધીને રૂ.૫૩૧.૬૦ રહ્યા હતા.
ક્રુડ ૭૧ ડોલરની સપાટી કુદાવી : આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ વધ્યા
ક્રુડ ઓઈલમાં લીબિયામાં આંતરવિગ્રહની પરિસ્થિતિથી વૈશ્વિક ક્રુડનો પુરવઠો ઘટવાના અંદાજ વચ્ચે બ્રેન્ટ ક્રુડના ભાવ ૭૧ ડોલરની સપાટી કુદાવી જવા છતાં આજે રૂપિયા સામે અમેરિકી ડોલર ૩૮ પૈસા નબળો પડીને રૂ.૬૯.૨૯ થઈ જતાં ઓઈલ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. આઈઓસી રૂ.૩.૧૦ વધીને રૂ.૧૫૫.૧૫, બીપીસીએલ રૂ.૪.૯૦ વધીને રૂ.૩૫૬.૧૦, એચપીસીએલ રૂ.૩.૨૫ વધીને રૂ.૨૫૬.૨૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૪૫ વધીને રૂ.૨૪૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫.૯૫ વધીને રૂ.૧૩૩૫.૩૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૨ વધીને રૂ.૩૪૩.૭૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત વ્યાપક વેચવાલી : ૧૭૩ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સાવચેતીમાં ફંડો, ખેલંદાઓએ સતત વ્યાપક ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૯૯ અને વધનારની સંખ્યા ૧૧૪૨ રહી હતી. ૧૭૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FIIની કેશમાં રૂ.૧૨૧૨ કરોડની ખરીદી, ફયુચર્સમાં રૂ.૪૪૦ કરોડની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૨૧૨.૩૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૭૮૪.૨૯ કરોડની ખરીદી સામે રૂ.૩૫૭૧.૯૪ કરોડની વેચવાલી રહી હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૪૪૦કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૨૧૧.૬૨ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૨૨૭.૯૮ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૮૮.૬૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૭૦૦.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૩૮૮.૭૧ કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uVqSqL
via Latest Gujarati News
0 Comments