રિફાઈન્ડ પામ ઓઈલની આયાત વધતા દેશની ખાદ્ય તેલની ઈમ્પોર્ટ 26 ટકા વધી

નવી દિલ્હી,તા. 15 એપ્રિલ, 2019,સોમવાર

મલેશિયા ખાતેથી રિફાઈન્ડ પામ ઓઈલની આયાતમાં વધારો થતાં ભારતની ખાદ્ય તેલની આયાત માર્ચમાં ૨૬ ટકા વધીને ૧૪.૪૬ લાખ ટન રહી હતી. રિફાઈન્ડ પામ ઓઈલની આયાતમાં થઈ રહેલા વધારા પ્રત્યે ચિંતા વ્યકત કરતા સોલવન્ટ એકસટ્રેકટર્સ' એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)એ ક્રુડ તથા રિફાઈન્ડ ઓઈલ પરની ડયૂટી વચ્ચેનો તફાવત વધારવો જોઈએ એવી માગણી કરી હતી જેથી ખેડૂતો તથા ખાદ્ય તેલના પ્રોસેસરોના હિતોનું રક્ષણ થઈ શકે.

પ્રાપ્ત આંકડા પ્રમાણે, માર્ચ ૨૦૧૯માં ખાદ્ય તેલની આયાત વધીને ૧૩,૯૩,૨૫૫ ટન્સ રહી હતી જે ૨૦૧૮ના માર્ચમાં ૧૧,૨૨,૬૮૫ ટન્સ રહી હતી. નોન-એડિબલ ઓઈલની આયાત ૨૩૩૬૬ ટન પરથી બે ગણી વધીને ૫૩,૩૦૨ ટન રહી હતી. 

૧લી જાન્યુઆરી ૨૦૧૯થી અમલી બને તે રીતે નાણાં મંત્રાલયે, પામ ઓઈલ પરની ઈમ્પોર્ટ ડયૂટીમાં ઘટાડો કર્યો છે અને મલેશિયા ખાતેથી આયાત થતાં પામોલિન પર ૧૦ ટકા પરથી  ૫ ટકા કરીને ક્રુડ તથા પામ ઓઈલ વચ્ચેનો ડયૂટીનો તફાવત ઘટાડયો છે. 

અપેક્ષા પ્રમાણે જ ભારતમાં મલેશિયા ખાતેથી આરબીડી (રિફાઈન્ડ, બ્લીચ્ડ અને ડીઓડરાઈઝડ)નો માલભરાવો થયો છે. મલેશિયા ખાતેથી આયાત થતાં ક્રુડ પામ ઓઈલ (સીપીઓ)અને પામોલિન વચ્ચેનો ડયૂટી તફાવત ઘટાડી નંખાતા આરબીડીની આયાત  જે ડિસેમ્બર ૨૦૧૮માં ૧,૩૦,૦૦૦ ટન હતી તે  માર્ચ ૨૦૧૯માં વધીને ૩,૦૦,૦૦૦ ટન રહી હતી એમ પણ સીના સુત્રોએ જણાવ્યું હતું. 

આને કારણે રાયડાના ભાવ પર પણ ગંભીર પ્રતિકૂળ અસર પડી હોવાનો તેમણે દાવો કર્યો હતો. ભાવ ઘટતા રાયડાના ખેડૂતોની આવકમાં ઘટાડો નોંધાયો છે. 

સીપીઓ તથા આરબીડીની ડયૂટી વચ્ચે જાન્યુઆરી પહેલા જે ૧૦ ટકાનો તફાવત હતો તે ફરી લાગુ કરવા પણ માગણી કરવામાં આવી છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PdIxU3
via Latest Gujarati News

Post a Comment

0 Comments