નિરવ મોદી પ્રકરણની અસર : જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં ગયા વર્ષે 3 ટકા ઘટાડો

મુંબઈ, તા. 20 એપ્રિલ, 2019, શનિવાર

ધિરાણ ખેંચ, જીએસટી રિફન્ડ મેળવવામાં ઢીલ તથા પોલિશ્ડ ડાયમંડસ પર ઊંચી ઈમ્પોર્ટ ડયૂટીને કારણે ગયા નાણાં વર્ષ (૨૦૧૮-૧૯)માં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં ૩.૧૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વર્તમાન નાણાં વર્ષમાં પણ સ્થિતિમાં સુધારો થવાની ઉદ્યોગના આગેવાનો શકયતા જોતા નથી.

જેમ્સ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા એકત્રિત કરાયેલા આંકડા પ્રમાણે  વિતેલા નાણાં વર્ષમાં ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસનો આંક ૩૯.૬૮ અબજ ડોલર રહ્યો હતો જે ગયા નાણાં વર્ષમાં ૪૦.૯૬ અબજ ડોલર રહ્યા હતો.

જો કે ભારત ખાતેથી કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ ૨૩.૮૨ અબજ ડોલર સાથે લગભગ સ્થિર રહી હતી. ૨૦૧૭-૧૮માં આ આંક ૨૩.૭૨ અબજ ડોલર રહ્યો હતો. 

દેશની કુલ મરચંડાઈઝડ નિકાસમાં ૧૩ ટકા  હિસ્સો ધરાવતા શ્રમ લક્ષી એવા જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની નિકાસમાં ઘટાડો ચિંતાજનક બની શકે છે એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. ગયા વર્ષમાં નિરવ મોદી-પીએનબી કૌભાંડ પ્રકરણ બાદ બેન્કો જ્વેલરી ઉદ્યોગને ધિરાણ પૂરા પાડવામાં સખતાઈ વાપરી રહી છે. 

ભારતનું જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે જે તાત્કાલિક હાથ ધરવા રહ્યા એમ કાઉન્સિલના એક હોદ્દેદારે જણાવ્યું હતું. જીએસટી રિફ્ન્ડ મળવામાં ઢીલને કારણે ઉદ્યોગ વર્કિંગ કેપિટલની ખેંચનો પણ સામનો કરી રહ્યું છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XvigmW
via Latest Gujarati News

Post a Comment

0 Comments