(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 20 એપ્રિલ, 2019, શનિવાર
ભારતમાં ૨૦૧૮-૧૯ના નાણાંવર્ષમાં સોનાની આયાત આશરે ૩ ટકા ઘટી ૩૨.૮૦ અબજ ડોલર થઈ છે. આના પગલે ઘરઆંગણે કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ કાબુમાં રહેવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૧૭-૧૮માં આવી આયાત ઘટયા પછી માર્ચમાં ૩૧થી ૩૨ ટકાવધી ૩.૨૭ અબજ ડોલર થયાના નિર્દેશો મળ્યા છે. ક્રૂડતેલમાં ઓપેકના દેશો તથા સાથી દેશોએ હાલ ઉત્પાદન ઘટાડયું છે તથા આ ઉત્પાદન ઘટાડો કદાચ ૨૦૧૯ના અંત સુધી ચાલુ રાખવામાં આવે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. જૂન મહિનામાં ક્રૂડ ઉત્પાદક દેશોની મિટિંગ મળવાની છેતથા આ મિટિંગમાં ઉત્પાદન કાપ વિષયક નિર્ણય કરવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.
મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલીયન બજાર શનિવારને કારણે સત્તાવાર બંધ હતી. બંધ બજારે ખાસ વેપારો ન હતા. ભાવ અથડાતા હતા. જોકે કરન્સી બજારમાં બંધ બજારે આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૬૯.૩૯થી ૬૯.૪૦ વાળા વધુવધી રૂ.૬૯.૪૪થી ૬૯.૪૫ બોલાયા હતા. વિશ્વ બજારમાં ડોલરના પ્રવાહો મક્કમ હતા. અમેરિકામાં તાજેતરમાં જોબગ્રોથના આંકડા સારા આવ્યા પચી જોબલેસ કલેઈમ્સમાં પણ નોંધપાત્ર ઘટાડો થતાં ત્યાં જોબ માર્કેટ ખાસ્સી સ્ટ્રોન્ગ બની ગઈ છે.
ઉપરાંત રિટેલ સેલમાં પણ ખાસ્સી વૃદ્ધી થતાં આવા આંકડામાં ત્યાં દોઢ વર્ષનો નવો રેકોર્ડ સર્જાયાના વાવડ હતા. આના પગલે વિશ્વ બજારમાં ડોલરના ભાવ ઉંચા રહેતાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવ હાલ દબાણ હેઠળ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં સપ્તાહના અંતે સોનાના ભાવ ઘટી ઔંશના ૧૨૭૫.૫૦થી ૧૨૭૫.૬૦ ડોલર હતા.
સોનામાં વિશ્વ બજારમાં હાલ ચાર મહિનાની નવી નીચી સપાટી જોવા મળી છે. સોના પાછળ ચાંદીના ભાવ પણ નરમ હતા તથા ચાંદીના ભાવ ઔંશના ૧૫.૦૩થી ૧૫.૦૪ ડોલર બોલાયા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૩૧૪૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૩૧૫૫૦ આસપાસ બોલાયા હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૩૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૦૦૦થી ૧૧૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ જોકે વધી ઔંશના ૯૦૦ જેટલા વટાવી ૯૦૩થી ૯૦૩.૧૦ ડોલર હતા. જ્યારે પેલેડીયમના ભાવ વધી ઔંશના ૧૪૨૫.૧૦થી ૧૪૨૫.૨૦ ડોલર હતા. પેલેડીયમમાં૨૦૧૯ તથા ૨૦૨૦માં સપ્લાય ડેફીસીટ સર્જાવાની શક્યતા બતાવી રહ્યા હતા. ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી બ્રેન્ટક્રૂડના બેરલદીઠ ઉંચામાં ૭૨ ડોલર નજીક બોલાતા થયાના વાવડ હતા. ન્યુયોર્કના ભાવ વધી ફરી ૬૪ ડોલરને આંબી ગયા છે.
ક્રૂડતેલ ઉંચુ જેવા છતાં સોનાના ભાવ દબાણ હેઠળ રહેતાં વિશ્વ બજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. કોપરમાં ન્યુયોર્ક વાયદો ઉંચા મથાળેથી આશરે ૧.૫૦થી ૧.૬૦ ટકા ગબડતાં તેની પાછળ લંડન બજારમાં પણ સપ્તાહનાઅંતે કોપરના ભાવ ઘટી ટનના ૬૫૦૦ ડોલરની અંદર બોલાતા થયાના નિર્દેશો હતા. એલ્યુ.નો ભાવ છેલ્લે ૧૮૬૭ ડોલર, જસતના ૨૭૬૭ ડોલર તથા ટીનના છેલ્લે ૨૦૨૬૫ ડોલર આસપાસ રહ્યા હતા.
અમેરિકાએ મળતા સમાચાર મુજબ ક્રૂડ ઓઈલ રિફાનરીઓ દ્વારા એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં મેઈન્ટેનન્સના કારણે કામગીરી ધીમી પાડી દેવાના છે. ઘણી રિફાઈનરીઓ બંધ પણ પાડશે એવા સમાચાર હતા. આના પગલે ત્યાં પ્રથમ તબક્કે રિફાઈનરીઓમાં થતા ઉત્પાદનમાં આશરે ૮થી ૯ ટકાનો ઘટાડો થયો છે. આની અસર વિશ્વ બજારમાં હવેપછી ક્રૂડતેલના ભાવ પર દેખાવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IwhSRY
via Latest Gujarati News
0 Comments