નવા ઘઉંની આવક શરૂ થવા સાથે આયાત ડયૂટી વધારીને 40 ટકા કરવા સરકારની દરખાસ્ત

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ, 2019, બુધવાર

ઘઉંના નવા પાકના આગમનને ધ્યનમાં રાખી આયાત પર અંકૂશ રાખવા સરકાર ઘઉં પરની આયાત ડયૂટી જે હાલમાં ૩૦ ટકા છે તે વધારીને ૪૦ ટકા કરવા વિચારણા કરી રહી છે. આયાત ડયૂટીમાં વધારો થવાથી ફલોર મિલરોને એફસીઆઈ પાસેથી ઘઉં ખરીદવાની ફરજ પડશે, એમ સરકારી સુત્રો જણાવી રહ્યા છે.

એફસીઆઈ પોતાની પાસેના સ્ટોકસને વેચવા કાઢવાની તૈયારીમાં છે. આયાત ડયૂટી વધારવાની દરખાસ્તને સેક્રેટરીઓની પેનલે ગયા સપ્તાહમાં મંજુર કરી હતી, હવે ચૂંટણી પંચ તેને ટૂંક સમયમાં લીલીઝંડી આપશે એમ જણાય રહ્યું છે.

વર્તમાન સરકાર ૩.૮૫થી ૪ કરોડ ટન ઘઉંની ખરીદી કરવા યોજના ધરાવે છે, જેને લઈને એફસીઆઈ પાસેનો સ્ટોકસ મેના અંત સુધીમાં ૫.૮૦ કરોડ ટન પર પહોંચી જવાની ધારણાં છે. 

નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતે ૫૭.૫૦ લાખ ટન ઘઉંની આયાત કરી હતી, જ્યારે પછીના વર્ષમાં આ આંક ૧૨ લાખ ટન રહ્યો હતો. ૨૦૧૮-૧૯માં આયાત ડયૂટી વધારાતા આયાત પર અંકૂશ મેળવવામાં સરકારને સફળતા મળી હતી એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. 

૨૦૧૮-૧૯ના ક્રોપ યર (જુલાઈથી જુન) દરમિયાન ભારતનું ઘઉંનું ઉત્પાદન ૯.૯૧ કરોડ ટન રહેવા ધારણાં છે. હાલમાં ઘઉંની ખાસ આયાત થતી નથી અને આયાત ડયૂટીમાં વધારો થવા બાદ સ્થિતિમાં સુધારો થવા શકયતા નથી. 

કેટલાક ઘઉં આધારિત પ્રોડકટસ માટે ફલોર મિલરો ખાસ કરીને દક્ષિણના રાજ્યોના મિલરો  ઘઉંની આયાત કરતા હોય છે, જો કે આયાતનો વધુ પડતો આધાર ભાવ પર પણ રહેતો હોય છે, એમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DxpJdA
via Latest Gujarati News

Post a Comment

0 Comments