કઠોળની આયાતમાં શરૂ થયેલો ઘટાડો વર્તમાન નાણાં વર્ષમાં પણ ચાલુ રહેવાની સંભાવના

મુંબઈ, તા. 24 એપ્રિલ, 2019, બુધવાર

નાણાં વર્ષ  ૨૦૧૬-૧૭માં ૬૬ લાખ ટન પરથી કઠોળની આયાત ૨૦૧૮-૧૯માં ઘટીને ૨૫ લાખ ટન રહી હતી અને વર્તમાન નાણાં વર્ષમાં પણ તેમાં ઘટાડો થવાની અપેક્ષા છે. કેટલાક વર્ષોે પહેલા જ્યારે ઘરઆંગણે કઠોળના ભાવ ઊંચકાયા હતા ત્યારે, તેની આયાત પણ વધીને ૬૬ લાખ ટન રહી હતી.

ભારતના કઠોળના પાક ઉપરાંત આયાતને કારણે ભારતની બજારોમાં કઠોળનો ભરાવો થતા કઠોળના ભાવ ટેકાના ભાવથી નીચે ચાલી ગયા હતા જેને કારણે કઠોળનો વધુ પાક લેવાનું ખેડૂતોને માથે પડયું હતું. જોકે ખેડૂતોના અસંતોષને ધ્યાનમાં રાખી આયાત પર કેટલાક પ્રતિબંધો લવાયા હતા. 

એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા) દ્વારા એકત્રિત કરાયેલા આંકડા પ્રમાણે, એપ્રિલ ૨૦૧૮થી ફેબુ્રઆરી ૨૦૧૯ દરમિયાન ભારતની કઠોળની આયાત ૨૪.૩૭ લાખ ટન રહી હતી, જે સંપૂર્ણ વર્ષના અંતે ૨૫ લાખ ટન આવવાની ધારણાં છ ે.

વર્તમાન વર્ષમાં ચોમાસુ સામાન્ય રહેવાની આવી પડેલી આગાહીને ધ્યાનમાં રાખતા નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં કઠોળનું ઉત્પાદન વધવાની શકયતાને કારણે તેની આયાતમાં ૬૫ ટકાથી વધુ ઘટાડો જોવાઈ રહ્યો છે. ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે ૬.૫૦ લાખ ટન કઠોળની આયાત કરવા લાઈસન્સ જારી કરવા નોટિફિકેશન્સ બહાર પાડયું છે. દ્વીપક્ષી વેપાર કરાર હેઠળ ભારત મોઝામ્બિક ખાતેથી ૧,૭૫,૦૦૦ ટન કઠોળની આયાત કરવા ધારે છે. આમ વર્તમાન નાણાં વર્ષમાં કઠોળની કુલ આયાત ૮.૨૫ લાખ ટન રહેવા અંદાજ છે. 

ગયા વર્ષે ભાવ ઘટી જતા વર્તમાન વર્ષમાં ખેડૂતો કઠોળનું વધુ વાવેતર કરતા કદાચ ખચકાશે. કઠોળની આયાતમાં ઘટાડા પાછળનું કારણ સરકાર તથા ખાનગી ટ્રેડરો પાસે મોટી માત્રામાં સ્ટોકસ હોવાનું જણાવાઈ રહ્યું છે. જો કે ખેડૂતો દ્વારા લેવાતા પાકનો આધાર વરસાદની શરૂઆત અને પ્રગતિ કેવી થાય છે તેના પર વધુ રહેતો હોય છે માટે આ વખતે કઠોળનો પાક ઓછો લેવાશે તેવું કહેવું હાલમાં વહેલુ ગણાશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W3jBkM
via Latest Gujarati News

Post a Comment

0 Comments