વોશિંગ્ટન, તા. 15 એપ્રિલ, 2019,સોમવાર
૨૦૧૮માં અમેરિકા ખાતે ભારતની સ્ટીલની નિકાસ ૪૯ ટકા ઘટીને ૩૭.૨૦ કરોડ ડોલર રહી હતી જ્યારે એલ્યુમિનિયમ નિકાસ ૫૮ ટકા વધીને ૨૨.૧૦ કરોડ રહી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
૨૦૧૮માં અમેરિકાની સ્ટીલ તથા એલ્યુમિનિયમની આયાત અનુક્રમે ૨૯.૫૦ અબજ ડોલર તથા ૧૭.૬૦ અબજ ડોલર રહી હતી. છેલ્લા એક દાયકામાં સ્ટીલની આયાતમાં મૂલ્ય અને કવોન્ટિટીની દ્રષ્ટિએ ઘણી જ વધઘટ રહી છે જયારે એલ્યુમિનિયમની આયાતમાં સામાન્ય રીતે વધારો જોવાયો છે.
અમેરિકા ખાતે સ્ટીલની આયાતમાં સૌથી વધુ ઘટાડો જે દેશો ખાતેથી થયો છે તેમાં સાઉથ કોરિયા (-૪૩ કરોડ ડોલર, -૧૫ ટકા), તુર્કિ (-૪૧.૩૦ કરોડ ડોલર, -૩૫ ટકા) તથા ભારત (-૩૭.૨૦ કરોડ ડોલર, - ૪૯ ટકા)નો સમાવેશ થાય છે. જ્યારે યુરોપ (+૫૬.૭૦ કરોડ ડોલર, +૨૨ ટકા) મેક્સિકો (+૫૦.૮૦ કરોડ ડોલર, +૨૦ ટકા) અને કેનેડા (+૪૦.૪૦ કરોડ ડોલર, +૧૯ ટકાનો) ખાતેથી નોંધપાત્ર વધારો થયો છે, એમ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે.
જ્યારે ચીન (-૭૨.૯૦ કરોડ ડોલર, -૪૦ ટકા), રશિયા (-૬૭.૬૦ કરોડ ડોલર, - ૪૨ ટકા) અને કેનેડા (-૨૯.૪૦ કરોડ ડોલર, - ૪ ટકા) ખાતેથી એલ્યુમિનિયમની આયાતમાં સૌથી વધુ ઘટાડો થયો છે. બીજી બાજુ યુરોપ ખાતેથી (+ ૩૯.૫૦ કરોડ ડોલર, +૯ ટકા), ભારત (૨૨.૧૦ કરોડ ડોલર, +૫૮ ટકા) અને ઓમાન (+૧૮.૬૦ કરોડ ડોલર, +૨૦૦ ટકા) ખાતેથી વધારો થયો છે.
જે દેશોને કાયમ માટે ટેરિફસમાંથી મુક્તિ આપવામાં આવી છે તે દેશો ખાતેથી ૨૦૧૮માં અમેરિકાની કુલ સ્ટીલ આયાતમાંથી ૧૮.૪૦ ટકા થઈ હતી. એલ્યુમિનિયમની બાબતમાં આ આંક ૪.૪૦ ટકા રહ્યો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ તથા એલ્યુમિનિયમની આયાત પર નવા ટેરિફ્સ લાગુ કર્યા હતા. અન્ય ક્ષેત્રો હાલમાં વિચારણા હેઠળ છે. સ્ટીલ તથા એલ્યુમિનિયમના વધુ પડતા વૈશ્વિક પૂરવઠા જે ચીનને કારણે થઈ રહ્યો છે તે અમેરિકા માટે હાલમાં ચિંતાનો વિષય રહ્યો છે. અમેરિકાએ ભારતના સ્ટીલ તથા એલ્યુમિનિયમ પ્રોડકટસ પર પણ અનુક્રમે ૨૫ ટકા અને ૧૦ ટકા ડયૂટી લાગુ કરી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pk5TYl
via Latest Gujarati News
0 Comments