ફેસબુકે લોકસભા ચૂંટણીના પગલે 687 નકલી એકાઉન્ટ્સ અને પેજ ડિલિટ કર્યા


નવી દિલ્હી, તા.1 એપ્રિલ, 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયામાં રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. એ દરમિયાન ફેસબુકે નકલી માહિતી ફેલાવતા ૬૮૭ એકાઉન્ટ્સ અને પેજ ડિલિટ કર્યા હોવાની માહિતી આપી હતી. ડિલિટ કરાયેલા મોટાભાગના પેજ અને એકાઉન્ટ્સ કોંગ્રેસના કાર્યકરો સાથે કનેક્ટ હોવાનું જણાયું હતું.

ફેસબુક સાઈબર સિક્યુરિટી પોલિસીના વડા નાથનેલ ગ્લેચિયરે કહ્યું હતું કે ભારતમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેસબુકે નકલી એકાઉન્ટ અને પેજ ઉપર કાર્યવાહી કરી હતી. જે ફેસબુક એકાઉન્ટ અને પેજ ઉપર અવિશ્વસનીય રાજકીય માહિતી પોસ્ટ કરવામાં આવી હતી તેની સામે ફેસબુકે કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહીના ભાગરૃપે ફેસબુકે ૬૮૭ એકાઉન્ટ અને પેજને ડિલિટ કરી દીધા હતા. ફેસબુકે એક નિવેદનમાં કહ્યું હતું કે જે એકાઉન્ટ  ડિલિટ કર્યા હતા, તેમાં મોટાભાગના અવિશ્વસનીય માહિતીનો ફેલાવો કરતા હતા અને સંવેદનશીલ મુદ્દે એમાં ચર્ચા કરવામાં આવી હતી. ફેસબુકે દાવો કર્યો હતો કે જે એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તેમાંથી મોટાભાગના એકાઉન્ટ અને પેજ કોંગ્રેસના આઈટી સેલ સાથે જોડાયેલા લોકોના હતા.

ફેસબુકે કહ્યું હતું કે આ પેજ અને એકાઉન્ટમાં અવિશ્વસનીય માહિતી કરતા પણ ડિલિટ કરવા માટે અપૂરતી માહિતીનેે ધ્યાનમાં રાખવામાં આવી હતી. એ એકાઉન્ટ્સ અને પેજમાં જરૃરી માહિતી ભરવામાં આવી ન હતી.

ફેસબુકે સંભવત: ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં ભારતમાં કાર્યવાહી કરી હતી. અગાઉ ટ્વિટરે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓના નકલી ફોલોઅર્સના એકાઉન્ટ ડિલિટ કરીને કાર્યવાહી કરી હતી.

કોંગ્રેસે ફેસબૂકના આરોપોને નકાર્યા

ફેસબુકના દાવા પછી કોંગ્રેસે તમામ આરોપોને નકાર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કોંગ્રેસના આઈટી સેલ સાથે જોડાયેલા લોકોના એકાઉન્ટ હતા એવા ફેસબુકના દાવામાં કોઈ જ તથ્ય નથી. અમે એની તપાસ શરૃ કરી છે. જે ડિલિટ કરાયેલા પેજ અને એકાઉન્ટ છે તે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા કે કેમ તે દિશામાં અમે તપાસ શરૃ કરી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોના જ પેજ હોય એ વાત તેમણે નકારી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FScwhn
via Latest Gujarati News

Post a Comment

0 Comments