બોઈંગને 737 મેક્સ મોડેલમાં રહી ગયેલી ખામી એક અબજ ડોલરમાં પડી


- કંપનીના ત્રિમાસિક નફામાં 13.2 ટકાનો નોંધપાત્ર ઘટાડો

ન્યૂયોર્ક, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર

અમેરિકાની જાણીતી વિમાન ઉત્પાદક કંપની બોઈંગને ૭૩૭ મેક્સ મોડેલમાં રહી ગયેલી ખામી એક અબજ ડોલરમાં પડી હતી. કંપનીએ રજૂ કરેલા ત્રિમાસિક અહેવાલમાં સ્વીકાર્યું હતું કે આ ખામીના કારણે તેના ત્રિમાસિક નફામાં પણ ૧૩.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બોઈંગ-૭૩૭ મેક્સ મોડેલમાં ખામી રહી ગઈ હોવાના કારણે વિમાનો તૂટી પડયાની દુર્ઘટના નોંધાઈ હતી. તે પછી વિવિધ એરલાઈન્સે બોઈંગ ૭૩૭ મેક્સ મોડેલનું ઉડ્ડયન રદ્ કર્યું હતું અને પછી કંપનીએ પણ ખામી રહી ગયાનું સ્વીકારીને તમામ વિમાનોને પાછા ખેંચ્યા હતા.

તે પછી તેમાં સોફ્ટવેર અપડેટ કરીને તેનું નિદર્શન કરાયું હતું. તેમાં સફળતા મળી હોવાનો દાવો થયો હતો અને નવા સોફ્ટવેર અપડેટ પછી નવેસરથી પાયલટ્સ માટે તાલીમ પ્રોગ્રામ ચલાવ્યો હતો. એ બધી પ્રક્રિયા પાછળ કંપનીએ ૧ અબજ ડોલરનું બજેટ ફાળવવું પડયું હતું.

કંપનીએ અહેવાલ રજૂ કરતા કહ્યું હતું કે આ ખામી પછી કંપનીના નફામાં ૧૩.૨ ટકાનો ઘટાડો પણ થયો હતો. કંપનીએ તો ત્યાં સુધી કબૂલ્યું હતું કે આ ખામી પછી કંપનીએ પ્રોડક્શનની ઝડપમાં ૨૦ ટકાનો ઘટાડો કરવો પડયો છે.

કંપનીએ ઈમેજને ફરીથી સુધારવા માટે પ્રયાસો આદર્યા છે અને તેના ભાગરૃપે સેફ્ટી પ્રોગ્રામમાં ફેરફાર કરાયો હોવાનું જણાવ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે હવે નવી પ્રોડક્ટમાં પણ સેફ્ટી ફીચર્સમાં વધુ ધ્યાન અપાશે. ગ્રાહકોનો ભરોસો અને આત્મવિશ્વાસ જીતવા માટે કંપની કોઈ કસર છોડશે નહીં.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L64INt
via Latest Gujarati News

Post a Comment

0 Comments