
બૌદ્ધિક સંપદાના નિયમો ભારતમાં વારંવાર તૂટતા હોવાથી અમેરિકાના વેપારી સંગઠને ભારતીયો ઉપર બાજ નજર ગોઠવી
(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
ભારતમાં બૌદ્ધિક સંપદા (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી)ના કાયદાનો ભંગ થતો હોવાના બનાવો નોંધપાત્ર હોવાથી અમેરિકન સરકારના વેપારી સંગઠને ભારતને વોચલિસ્ટમાં મૂક્યું છે. કોપીરાઈટના ઉલ્લંઘનો થતા હોવાથી અમેરિકાના સંગઠને આ પગલું ભર્યું છે.
બોદ્ધિક સંપદાનું ભારતમાં રક્ષણ થતું ન હોવાની ફરિયાદ વારંવાર વૈશ્વિક વેપારી સંસ્થાનો અને વૈજ્ઞાનિકો સંસ્થાઓ દ્વારા ઉઠતી રહે છે. બૌદ્ધિક સંપદાની બાબતે ભારતનો સૂચકાંક પણ ઘણો પાછળ હતો.
કોઈ વ્યક્તિ કે સંસ્થાની શોધ, સાહિત્યિક કૃતિ, સંગીતની ધૂન, લેખન, ચિત્રો, ડિઝાઈન, વેપારના હકો વગેરેને બૌદ્ધિક સંપદા કહેવાય છે. ભારતમાં બૌદ્ધિક સંપદાની બાબતે જાગૃતિ ઓછી હોવાના કારણે કાયદાનું પાલન યોગ્ય રીતે થતું નથી એવી નોંધ કરીને અમેરિકાએ ભારતને વોચલિસ્ટમાં મૂક્યું છે.
અમેરિકાએ ઈન્ટેલક્ચ્યુઅલ પ્રોપર્ટીની બાબતે પ્રાયોરિટીના ધોરણે વોચલિસ્ટમાં મૂક્યું છે. તેનો અર્થ એ કે અમેરિકાની સરકાર અમેરિકન સંસ્થાઓ, કંપનીઓ અને ક્રિએટિવ વ્યક્તિઓના કોપી રાઈટનું ભારતમાં પાલન થાય છે કે નહીં તે બાબતે બાજ નજર રાખશે અને બૌદ્ધિક સંપદાના વૈશ્વિક નિયમોનું ઉલ્લંઘન થતું જણાશે તો જવાબદાર સંસ્થા કે વ્યક્તિ સામે પગલાં ભરશે.
અમેરિકાએ જે ૧૧ દેશોને વોચલિસ્ટમાં મૂક્યા છે તેમાં ભારત ઉપરાંત ચીન, ઈન્ડોનેશિયા, રશિયા, સાઉદી અરેબિયા, વેનેઝુએલા જેવા દેશોનો સમાવેશ થાય છે.દેશમાં ૨૦૧૬માં નેશનલ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્ટને કેબિનેટે મંજૂરી આપી હતી, તે પછી કાયદા કડક થયા છે. એ એક્ટ અંતર્ગત ભારતમાં બૌદ્ધિક સંપદાની જાળવણી બાબતે જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરાશે.
દર વર્ષે વૈશ્વિક બૌદ્ધિક સંપદાનો સૂચકાંક બને છે, તેમાં ક્યા દેશમાં કેટલી પેટન્ટ નોંધાઈ, કેટલા સંશોધનોને કોપી રાઈટનું કવચ મળ્યું અને કેટલા કોપીરાઈટના કાયદા તૂટયા વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને રેન્ક આપવામાં આવે છે. ૫૦ દેશોની યાદીમાં ભારતનો ક્રમ ૨૦૧૮માં ૪૪મો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VkKzY0
via Latest Gujarati News
0 Comments